S Jaishankar 4F Diplomacy New York: સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના સત્ર દરમિયાન ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ન્યૂયોર્કમાં યુરોપિયન યુનિયન (EU)ના પોતાના સમકક્ષ અને વિદેશ મંત્રીઓ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન ભારત અને EU વચ્ચેના દ્વિપક્ષીય સહયોગ, બહુપક્ષીય મુદ્દાઓ અને વિશ્વમાં ચાલી રહેલા ગંભીર ઘટનાક્રમો પર ઊંડાણપૂર્વક ચર્ચા થઈ હતી. એસ. જયશંકરે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા માહિતી આપતાં જણાવ્યું હતું કે, યુરોપિયન યુનિયનના સાથીઓ સાથે વૈશ્વિક પડકારો અને વિશેષ કરીને '4-F' સંકટ અંગે મહત્ત્વપૂર્ણ સમીક્ષા કરવામાં આવી છે.
વૈશ્વિક સંકટો અને યુક્રેન-હિંદ પ્રશાંત ક્ષેત્રની સ્થિતિ પર મંથન
આ મહત્વપૂર્ણ બેઠકમાં ગલ્ફ (ખાડી) ક્ષેત્રમાં વધી રહેલો તણાવ, યુક્રેન યુદ્ધ અને હિંદ-પ્રશાંત (Indo-Pacific) ક્ષેત્રની સ્થિતિ પર પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ મંથનમાં માત્ર યુરોપિયન દેશો જ નહીં પરંતુ, હિંદ-પ્રશાંત ક્ષેત્રના અગ્રણી દેશોના વિદેશ મંત્રીઓ પણ હાજર રહ્યા હતા, જેમાં ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગ અને દક્ષિણ કોરિયાના વિદેશ મંત્રી ચો હ્યુનનો પણ સમાવેશ થાય છે. આ તમામ દેશોએ ક્ષેત્રીય શાંતિ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા જાળવી રાખવા માટે પરસ્પર સહયોગ વધારવા પર ભાર મૂક્યો હતો.

P4M સમિટમાં જયશંકરે '4-F' પડકારો રેખાંકિત કર્યા
આ બેઠક પહેલા વિદેશ મંત્રીએ સંયુક્ત રાષ્ટ્રમાં 'પાર્ટનર્સ ફોર મલ્ટીલેટરલિઝમ, ઈન્ટરનેશનલ લો, પીસ એન્ડ પ્રોસ્પરિટી' (P4M) સમિટમાં ભાગ લીધો હતો, જેની સહ-અધ્યક્ષતા તેમણે યુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ એન્ટોનિયો કોસ્ટા સાથે કરી હતી. આ સમિટને સંબોધિત કરતા જયશંકરે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ ઈંધણ (Fuel), ખોરાક (Food), ખાતર (Fertilizer) અને પૈસા (Finance) થી જોડાયેલા '4-F' પડકારોનો સામનો કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, ભૌગોલિક રાજકીય તણાવ અને યુદ્ધના કારણે ગ્લોબલ ઓર્ડર સતત દબાણ હેઠળ આવી રહ્યો છે.
સપ્લાય ચેઈન અને બહુપક્ષીય સહયોગ પર ભાર
આંતરરાષ્ટ્રીય નિયમો અને કાયદાઓનું પાલન કરવા પર ભાર મૂકતાં જયશંકરે સ્પષ્ટ કર્યું હતું કે, જે ક્ષેત્રોમાં સપ્લાય ચેઈનમાં રુકાવટનો ભય હોય અથવા કોઈ એક જ દેશનું પ્રભુત્વ હોય, ત્યાં જોખમ ઘટાડવા (De-risking) અને વિકલ્પો વધારવાના પ્રયાસો તાત્કાલિક ધોરણે થવા જોઈએ. સમાન દ્રષ્ટિકોણ ધરાવતા દેશોએ એકબીજા પર ભરોસો રાખીને સપ્લાય ચેઈન મજબૂત કરવી જોઈએ. આ ઉપરાંત આબોહવા પરિવર્તન (Climate Action), નવી ટેકનોલોજી, વિકાસ માટે ફાઇનાન્સ અને આતંકવાદ સામે લડવા માટે વિશ્વના દેશો વચ્ચે પારદર્શક બહુપક્ષીય સહયોગ અનિવાર્ય છે.

શું છે ભારતની '4-F' ડિપ્લોમસી અને તેનું મહત્વ?
વર્તમાન સમયમાં વૈશ્વિક સંઘર્ષો (જેમ કે રશિયા-યુક્રેન યુદ્ધ અને પશ્ચિમ એશિયાનો તણાવ) ને કારણે વિકાસશીલ અને ગ્લોબલ સાઉથના દેશો સૌથી વધુ પ્રભાવિત થયા છે. વિદેશ મંત્રી એસ. જયશંકર દ્વારા રજૂ કરાયેલ '4-F' એટલે કે Fuel (ઈંધણ), Food (અન્ન), Fertilizer (ખાતર) અને Finance (નાણાં) નો સંકટ. ભારત સતત આંતરરાષ્ટ્રીય મંચો પર અવાજ ઉઠાવી રહ્યું છે કે યુદ્ધ અને પ્રતિબંધોના કારણે ગરીબ અને વિકાસશીલ દેશોને ખાદ્ય સુરક્ષા અને ઊર્જા સુરક્ષાના ક્ષેત્રે મોટો ફટકો પડે છે. ભારતની આ રાજદ્વારી નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય વૈશ્વિક સપ્લાય ચેઈનનું વિકેન્દ્રીકરણ કરવાનો છે જેથી કોઈ એક દેશ કે પ્રદેશમાં અસ્થિરતા આવે તો પણ સમગ્ર વિશ્વમાં ખાદ્ય અને ઊર્જા સંકટ ઊભું ન થાય.








