Supreme Court Orders Over Pending E-Challans: દેશભરમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક નિયમોના પાલન અંગે સુપ્રીમ કોર્ટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. ટ્રાફિક નિયમોનો ભંગ કરીને ઈ-ચલાન ન ચૂકવતા વાહનચાલકો સામે હવે દેશવ્યાપી ઝુંબેશ શરૂ થવા જઈ રહી છે. સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે ટ્રાફિક પોલીસે અચાનક અને ગમે તે સ્થળે તપાસ હાથ ધરીને જે વાહનોના ઈ-ચલાન લાંબા સમયથી પેન્ડિંગ હોય તેવા વાહનોને સ્થળ પર જ જપ્ત કરવા. દેશમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા અને ટ્રાફિક શિસ્ત જાળવવા માટે સર્વોચ્ચ અદાલતે આ આકરો અભિગમ અપનાવ્યો છે.
અબજો રૂપિયાનો દંડ બાકી
જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની પીઠે દેશમાં ઈ-ચલાન વસૂલાતની સ્થિતિ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટ સમક્ષ રજૂ કરાયેલા સત્તાવાર આંકડા અનુસાર, દેશભરમાં અત્યાર સુધીમાં કુલ ₹49,194.05 કરોડ રકમના ઈ-ચલાન જારી કરવામાં આવ્યા હતા. જોકે, જવાબદાર નાગરિક તરીકે વાહનચાલકોએ માત્ર ₹26,175.05 કરોડનો જ દંડ ભરપાઈ કર્યો છે. આંકડા દર્શાવે છે કે હજુ પણ ₹23,019 કરોડનો જંગી ટ્રાફિક દંડ વસૂલવાનો બાકી બોલે છે, જે દર્શાવે છે કે મોટાભાગના લોકો ઈ-ચલાન ભરવામાં ભારે બેદરકારી દાખવી રહ્યા છે.
પરિવહન પોર્ટલ પર ડિજિટલ સેવાઓ અટકાવાશે
સુપ્રીમ કોર્ટે માત્ર વાહન જપ્તી સુધી જ મર્યાદિત ન રહેતા, દંડ ન ભરનારા વાહનમાલિકો પર ડિજિટલ પ્રહારો કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. જે વાહનમાલિકો નિયત સમયમર્યાદામાં ઈ-ચલાનની ચૂકવણી નહીં કરે, તેમની સામે 'પરિવહન' (Parivahan) પોર્ટલ પર મળતી સેવાઓ તાત્કાલિક અસરથી સ્થગિત કરી દેવામાં આવશે. આનો અર્થ એ થયો કે દંડ ન ભરાય ત્યાં સુધી વાહનમાલિક તેના વાહનનું RC રિન્યુઅલ, PUC સર્ટીફિકેટ જનરેશન, ફિટનેસ સર્ટિફિકેટ, નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) કે વાહનની ટ્રાન્સફર સંબંધિત કોઈ પણ કામગીરી કરી શકશે નહીં.
AI અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ
ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન પર સતત નજર રાખવા અને બાકી ચલાનની વસૂલાતને વધુ પારદર્શક તથા ઝડપી બનાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) તથા સીસીટીવી નેટવર્કનો વ્યાપક ઉપયોગ કરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. AI આધારિત સિસ્ટમ દ્વારા રસ્તા પર દોડતા વાહનોની નંબર પ્લેટ પરથી જ પેન્ડિંગ ચલાનની માહિતી સ્કેન થઈ જશે, જેથી ટ્રાફિક પોલીસ માટે આવા વાહનોને અટકાવીને કાર્યવાહી કરવાનું સરળ બનશે.
માર્ગ સલામતી અને ટ્રાફિક શિસ્ત સુધારવાની દિશામાં મોટું પગલું
સુપ્રીમ કોર્ટના આ આકરા આદેશથી દેશભરના વાહનચાલકોમાં મોટો સંદેશ ગયો છે કે ટ્રાફિક નિયમોનો ભંગ કરીને ઈ-ચલાનને અવગણવું હવે મોંઘું પડી શકે છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલય અને રાજ્ય સરકારો હવે આ આદેશના અમલીકરણ માટે સંયુક્ત વ્યૂહરચના બનાવી રહી છે. આગામી દિવસોમાં દેશના તમામ નાના-મોટા શહેરોમાં ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ ચલાન ક્લિયરન્સ ઝુંબેશ હાથ ધરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.








