Delhi Rohini Firing: દેશની રાજધાની દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ કથળી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. શુક્રવારે સાંજે રોહિણી વિસ્તારમાં અજાણ્યા બદમાશોએ જાહેરમાં એક ડઝનથી વધુ રાઉન્ડ ગોળીબાર કરીને દહેશત ફેલાવી હતી. આ ઘટના સેક્ટર-24માં બની હતી, જ્યાં એક જાણીતા વેપારી પાસે 3 કરોડ રૂપિયાની ખંડણી માંગ્યા બાદ તેને ડરાવવા માટે ગેંગસ્ટરોએ ગોળીબાર કર્યો હતો. સદનસીબે, આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી.
મોટરસાઇકલ પર આવેલા ત્રણ શખ્સોનો આતંક
બેગમપુર પોલીસ સ્ટેશન હેઠળના સેક્ટર-24માં 2 જાન્યુઆરી, 2026ની સાંજે લગભગ 5:30 વાગ્યે આ ઘટના બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, એક મોટરસાઇકલ પર ત્રણ યુવાનો આવ્યા હતા અને અચાનક ગોળીબાર શરૂ કરી દીધો હતો. હુમલાખોરોએ આશરે 12 જેટલી ગોળીઓ ચલાવી હતી અને નાસી છૂટ્યા હતા. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને રસ્તા પર ખાલી કારતૂસ મળી આવ્યા છે. નજીકમાં પાર્ક કરેલી એક વાદળી રંગની ટોયોટા ઇનોવા કારના કાચ પર પણ ગોળીઓના નિશાન જોવા મળ્યા હતા, જે ઘટનાની ભયાનકતા દર્શાવે છે.
વેપારીને ઇન્ટરનેશનલ નંબર પરથી મળી હતી ધમકી
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, જે વેપારીના ઘર પાસે ગોળીબાર થયો તે કાર્ડબોર્ડ અને પ્રોપર્ટીનો વ્યવસાય કરે છે. પીડિત વેપારીએ પોલીસને જણાવ્યું કે, તેને 26 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર, 2025 દરમિયાન એક આંતરરાષ્ટ્રીય નંબર પરથી વોટ્સએપ કોલ અને વોઇસ મેસેજ આવ્યા હતા. ફોન કરનારે પોતાને નામચીન ગેંગસ્ટર ગણાવીને 3 કરોડ રૂપિયાની માંગણી કરી હતી અને જો પૈસા ન આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. શરૂઆતમાં વેપારીએ આ ધમકીઓને ગંભીરતાથી લીધી ન હતી અને પોલીસને જાણ કરી ન હતી, જેનો અંજામ શુક્રવારે સાંજે ફાયરિંગના રૂપમાં આવ્યો.
સીસીટીવીમાં કેદ થઈ ઘટના, એફએસએલની તપાસ
આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં બદમાશો બેખોફ બનીને ગોળીબાર કરતા નજરે પડે છે. ઘટનાની ગંભીરતા જોતા દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ અને એફએસએલ (ફોરેન્સિક સાયન્સ લેબ)ની ટીમોને સ્થળ પર બોલાવવામાં આવી હતી. ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કર્યા છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ ગોળીબાર માત્ર વેપારીને ડરાવવા અને ખંડણી વસૂલવા માટેના દબાણના ભાગરૂપે કરવામાં આવ્યો હોવાનું જણાય છે.
પોલીસની મેગા સર્ચ ઓપરેશન
બેગમપુર પોલીસે ખંડણી અને ગોળીબારની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. પોલીસની અલગ-અલગ ટીમો આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે અને આરોપીઓના સંભવિત છુપાવાના સ્થળો પર દરોડા પાડી રહી છે. પોલીસ અધિકારીઓએ દાવો કર્યો છે કે આરોપીઓની ઓળખ લગભગ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં જ તેમની ધરપકડ કરી લેવામાં આવશે.








