Revanth Reddy Statement: તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીના ભગવાન રામ અને ભગવાન શિવ અંગેના નિવેદનને લઈને રાજકીય વિવાદ ઊભો થયો છે. દિલ્હીમાં યોજાયેલા એક મીડિયા કાર્યક્રમ દરમિયાન રેવંત રેડ્ડીએ ઉત્તર અને દક્ષિણ ભારતની રાજકીય-સાંસ્કૃતિક ઓળખની ચર્ચા કરતાં ભાજપના ‘જય શ્રીરામ’ના નારા અંગે સવાલ ઉઠાવ્યો હતો. તેમણે દક્ષિણ ભારતમાં ભગવાન શિવની ભક્તિ અને ઉત્તર ભારતમાં ભગવાન રામ સાથે જોડાયેલી રાજકીય લાગણીનો ઉલ્લેખ કરતાં બંનેની સરખામણી કરી હતી.
રેવંત રેડ્ડીએ શું કહ્યું?
રેવંત રેડ્ડીએ કહ્યું હતું કે દક્ષિણ ભારતના લોકો દ્રવિડ છે અને ઉત્તર ભારતના લોકો આર્ય છે. તેમના જણાવ્યા મુજબ દક્ષિણ ભારતમાં લોકો ભગવાન શિવના ભક્ત છે, જ્યારે ઉત્તર ભારતમાં ભગવાન રામ સાથે જોડાયેલી ધાર્મિક લાગણી વધુ જોવા મળે છે. તેમણે ભાજપના નેતાઓ દ્વારા ‘જય શ્રીરામ’ના નારા લગાવવાનો ઉલ્લેખ કરીને સવાલ કર્યો હતો કે તેઓ ‘હર હર મહાદેવ’નો નારો કેમ નથી લગાવતા. આ દરમિયાન રેવંત રેડ્ડીએ કહ્યું કે “શિવ ગરીબોના ભગવાન છે અને રામ અમીરોના ભગવાન છે.” સાથે તેમણે બંને દેવતાઓને પોતાના દેવતા ગણાવ્યા હતા. તેમના નિવેદનનો સંદર્ભ તેમણે ઉત્તર-દક્ષિણ ભારતની રાજકીય અને સાંસ્કૃતિક ઓળખ સાથે જોડ્યો હતો.
સીમાંકનના મુદ્દે પણ ઉઠાવ્યા સવાલ
કાર્યક્રમ દરમિયાન રેવંત રેડ્ડીએ લોકસભા બેઠકોના સીમાંકનના મુદ્દે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે દલીલ કરી કે જો બેઠકોનું પુનઃવિતરણ મુખ્યત્વે વસ્તીના આધારે કરવામાં આવશે તો દક્ષિણ ભારતનાં રાજ્યોના રાજકીય પ્રતિનિધિત્વ અને પ્રભાવ પર તેની અસર પડી શકે છે. આ મુદ્દાને પણ તેમણે ઉત્તર અને દક્ષિણ ભારત વચ્ચેના રાજકીય તફાવત સાથે જોડ્યો હતો.
ભાજપે કર્યો આકરો પલટવાર
રેવંત રેડ્ડીના નિવેદન સામે કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા બંડી સંજય કુમારે પ્રતિક્રિયા આપી હતી. તેમણે આરોપ લગાવ્યો કે રેવંત રેડ્ડી ભગવાન રામ અને ભગવાન શિવ વચ્ચે રાજકીય વિભાજન ઊભું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બંડી સંજયે કહ્યું કે તેલંગાણામાં વેમુલાવાડાને ‘દક્ષિણ કાશી’ અને ભદ્રાચલમને ‘દક્ષિણ અયોધ્યા’ તરીકે ઓળખવામાં આવે છે, તેથી રામ અને શિવને ઉત્તર-દક્ષિણના આધારે અલગ ન કરવા જોઈએ. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વારાણસીના કાશી વિશ્વનાથ મંદિર સાથેના જોડાણનો પણ ઉલ્લેખ કર્યો હતો.
રામ-શિવની ભક્તિથી લઈને ઉત્તર-દક્ષિણ રાજકારણ સુધી ચર્ચા
રેવંત રેડ્ડીના નિવેદન બાદ ભગવાન રામ અને ભગવાન શિવ અંગેની તેમની ટિપ્પણી ઉપરાંત ઉત્તર-દક્ષિણ રાજકીય ઓળખ અને લોકસભા સીમાંકનનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો છે. એક તરફ રેવંત રેડ્ડીએ પોતાના નિવેદનમાં ઉત્તર અને દક્ષિણ ભારતની રાજકીય-સાંસ્કૃતિક ઓળખ વચ્ચેના તફાવતનો ઉલ્લેખ કર્યો છે, જ્યારે ભાજપે તેમના નિવેદનને ધાર્મિક વિભાજન સાથે જોડીને વિરોધ કર્યો છે. બંને પક્ષોની આ પ્રતિક્રિયાઓ બાદ મુદ્દો ફરી રાજકીય ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.








