Rare medical case in India: ભારતમાં મેડિકલ સાયન્સને પણ ચોંકાવી દેતો એક અત્યંત દુર્લભ કિસ્સો સામે આવ્યો છે. 16 વર્ષના એક કિશોરની આંખની પાંપણ અને ભ્રમર વચ્ચે અચાનક બે તીક્ષ્ણ દાંત બહાર નીકળી આવ્યા હતા. શરૂઆતમાં આ જગ્યાએ માત્ર હળવો સોજો જોવા મળ્યો હતો, પરંતુ થોડા સમય બાદ સોજાની વચ્ચેથી સફેદ અને અણીદાર રચનાઓ બહાર આવવા લાગી હતી. તબીબોએ તપાસ શરૂ કરી ત્યારે મામલો સામાન્ય સોજો કે ગાંઠનો નહીં પરંતુ ‘એક્ટોપિક ટૂથ ઇરપ્શન’નો હોવાનું સામે આવ્યું હતું. આ અસામાન્ય કેસને તેની વિરલતાને કારણે અમેરિકન એકેડેમી ઓફ ઓપ્થેલ્મોલોજી (AAO)માં પણ નોંધવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.
પેઢા છોડીને આંખની ઉપર ઊગી નીકળ્યા બે દાંત
સામાન્ય રીતે દાંત જડબાના પેઢામાં વિકસે છે, પરંતુ આ કિશોરના કિસ્સામાં દાંત મોઢાની બહાર આંખના ઉપરના ભાગમાં વિકસ્યા હતા. રિપોર્ટ મુજબ, શરૂઆતમાં કિશોરની આંખની પાંપણના ઉપરના ભાગમાં કોઈ દુખાવો વગર માત્ર સોજો હતો. ત્યારબાદ આ સોજાવાળી જગ્યાએથી ધીમે-ધીમે બે સફેદ અને તીક્ષ્ણ અણીદાર રચનાઓ બહાર આવવા લાગી. થોડા સમય બાદ પાંપણ અને ભ્રમર વચ્ચે બે સંપૂર્ણ વિકસિત દાંત સ્પષ્ટ દેખાવા લાગ્યા હતા.
આ સ્થિતિને ‘એક્ટોપિક ટૂથ ઇરપ્શન’ કહેવાય છે
તબીબી ભાષામાં દાંત પોતાના સામાન્ય સ્થાન એટલે કે પેઢા અને જડબાની બહાર શરીરના કોઈ અસામાન્ય ભાગમાં વિકસે તેને ‘એક્ટોપિક ટૂથ ઇરપ્શન’ કહેવામાં આવે છે. મેડિકલ સાહિત્યમાં નાકની કેવિટી, નસકોરા, આંખની નીચેના ભાગ અને મેક્સિલરી સાઇનસ જેવા અસામાન્ય સ્થળોએ દાંત વિકસવાના દુર્લભ કિસ્સા નોંધાયા છે. જોકે, આ કિશોરના કિસ્સામાં દાંત આંખના ઉપરના ભાગમાં આવેલા સુપિરિયર ઓર્બિટ વિસ્તારમાં વિકસ્યા હતા, જે તેને અત્યંત અસામાન્ય બનાવે છે.
પહેલા ડૉક્ટરોને ટ્યુમરની આશંકા હતી
કિશોરની આંખની ઉપરની જગ્યાએથી દાંત જેવી રચના બહાર આવતી જોઈને શરૂઆતમાં તબીબોને પણ ચોક્કસ કારણ સમજાયું નહોતું. તેમને આશંકા હતી કે આ કોઈ દુર્લભ ટેરાટોમા ટ્યુમર હોઈ શકે છે. આવી ગાંઠમાં વિવિધ પ્રકારના પેશીઓ સાથે હાડકાં અથવા દાંત જેવી રચનાઓ પણ જોવા મળી શકે છે. જોકે, વધુ તપાસ માટે કરવામાં આવેલા સીટી સ્કેનથી સમગ્ર મામલો સ્પષ્ટ થયો. સ્કેનમાં આ ગાંઠ નહીં પરંતુ સંપૂર્ણ વિકસિત મેચ્યોર કેનાઇન દાંત હોવાનું સામે આવ્યું હતું.
જટિલ સર્જરી કરીને બંને દાંત દૂર કરાયા
મેડિકલ તપાસ બાદ હોસ્પિટલની તબીબી ટીમે સર્જરી કરવાનો નિર્ણય લીધો હતો. જટિલ પ્રક્રિયા દ્વારા આંખની પાંપણ અને ભ્રમર વચ્ચે વિકસેલા બંને દાંતને સુરક્ષિત રીતે દૂર કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન કિશોરના શરીરના અન્ય ભાગોમાં પણ આવા અસામાન્ય દાંત વિકસ્યા છે કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી. રિપોર્ટ મુજબ, અન્ય કોઈ જગ્યાએ આવી અસામાન્ય દાંતની રચના જોવા મળી નહોતી.
ડેન્ટલ આર્કની બહાર દાંતનો વિકાસ બન્યો અભૂતપૂર્વ કિસ્સો
આ કેસ સાથે સંકળાયેલા ડૉ. મેઘના તંવરના જણાવ્યા મુજબ, આ કિસ્સાની સૌથી મોટી વિશેષતા એ છે કે દાંત સામાન્ય ડેન્ટલ આર્ક એટલે કે મોઢાના કુદરતી જડબાથી સંપૂર્ણપણે બહાર વિકસ્યા હતા. તબીબી ક્ષેત્રમાં અસામાન્ય સ્થળોએ દાંત વિકસવાના કેટલાક કિસ્સા અગાઉ નોંધાયા છે, પરંતુ આંખના ઉપરના ભાગમાં આ રીતે સંપૂર્ણ વિકસિત દાંત જોવા મળવો અત્યંત દુર્લભ છે. આ કારણે 16 વર્ષના આ કિશોરનો કિસ્સો મેડિકલ સાયન્સમાં એક અસાધારણ ઘટના તરીકે નોંધાયો છે.








