Rajnath Singh statement Operation Sindoor: રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગુરુવારે કહ્યું કે, ભારતે ઓપરેશન સિંદૂરને પોતાની શરતો પર સ્વેચ્છાએ રોક્યું હતું અને જરૂર પડ્યે પાકિસ્તાન સામે લાંબી લડાઈ માટે પણ સંપૂર્ણ રીતે તૈયાર હતું.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય આતંકવાદનું કેન્દ્ર ગણાવ્યું
એએનઆઈ નેશનલ સિક્યુરિટી સમિટ 2.0માં બોલતાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય આતંકવાદનું કેન્દ્ર ગણાવ્યું અને કહ્યું કે, આતંકવાદની જડને સંપૂર્ણ રીતે ખતમ કરવી જરૂરી છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરતાં કહ્યું કે, સરકારની ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ આતંકવાદને કોઈ પણ પરિસ્થિતિમાં સહન કરવામાં નહીં આવે.
ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ
રક્ષા મંત્રીએ જણાવ્યું હતું કે, પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું હતું અને તે એક મોટો વળાંક સાબિત થયો છે. તેણે વિશ્વને સંદેશ આપ્યો કે, ભારત હવે ફક્ત નિવેદનો આપવા સુધી મર્યાદિત રહેશે નહીં. તેમણે કહ્યું કે, ભારતીય સેનાએ હુમલા દરમિયાન માત્ર એજ સ્થળોને નિશાન બનાવ્યા હતા, જ્યાંથી આતંકી પ્રવૃત્તિઓ ચાલી રહી હતી. રાજનાથ સિંહે તે પણ સ્પષ્ટ કર્યું કે, ઓપરેશન એટલા માટે રોકવામાં આવ્યું ન હતું કે ભારત નબળું પડ્યું હતું, પરંતુ આ નિર્ણય સંપૂર્ણપણે સ્વેચ્છાએ અને પોતાની શરતો પર લેવામાં આવ્યો હતો.
સેનાની તાકાત
રક્ષા મંત્રીએ જણાવ્યું કે, ભારતીય સેનાની ક્ષમતા પહેલાં કરતાં વધુ મજબૂત થઈ છે અને જરૂર પડ્યે ઝડપથી પોતાની તાકાત વધારવાની ક્ષમતા પણ તેમાં છે. રક્ષા મંત્રીએ કહ્યું કે, ભારતને પરમાણુ હુમલાની ધમકી પણ આપવામાં આવી હતી, પરંતુ દેશે તેને ગંભીરતાથી લીધી ન હતી અને કોઈ દબાણમાં આવ્યો ન હતો. તેમણે કહ્યું કે, ભારતનું સૈન્ય તંત્ર શાંતિના સમયમાં જ નહીં, પરંતુ યુદ્ધ દરમિયાન પણ ઝડપથી સાધનો એકઠા કરવામાં સક્ષમ છે.
આતંકવાદ માત્ર સુરક્ષાનો મુદ્દો નથી, તેના ત્રણ પાસાં છે: રક્ષા મંત્રી
રક્ષા મંત્રીએ કહ્યું કે આતંકવાદ માત્ર સુરક્ષાનો મુદ્દો નથી, પણ તેના ત્રણ પાસાં છે, ઓપરેશનલ, વૈચારિક અને રાજકીય. જ્યાં સુધી આ ત્રણેય સ્તરે કાર્યવાહી નહીં થાય, ત્યાં સુધી આતંકવાદનો અંત નહીં આવે. તેમણે પાકિસ્તાન પર આતંકવાદને ટેકો આપવાનો આરોપ મૂકતાં કહ્યું કે, ભારત IT માટે ઓળખાય છે, જ્યારે પાકિસ્તાન 'ઇન્ટરનેશનલ ટેરરિઝમ' માટે ઓળખાય છે. તેમણે કહ્યું કે, આતંકવાદને ખતમ કરવા માટે તેની વૈચારિક અને રાજકીય જડોને નાબૂદ કરવી ખૂબ જરૂરી છે.
ઓપરેશન સિંદૂર
પહલગામ હુમલામાં 26 લોકોના મોત પછી 7 મે 2025ના રોજ ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કશ્મીરમાં આતંકી ઠેકાણાં પર હુમલા કર્યા હતા. આ ઓપરેશનમાં લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદીનના 9 મોટા ઠેકાણાં નષ્ટ કરવામાં આવ્યા હતા અને 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા. તેના જવાબમાં પાકિસ્તાને ડ્રોન હુમલા અને ગોળાબારી કરી હતી, જેના કારણે બંને દેશો વચ્ચે ચાર દિવસ સુધી સંઘર્ષ ચાલ્યો અને અંતે 10 મેના રોજ યુદ્ધવિરામ પર સંમતિ થઈ હતી.








