Rahul Gandhi sits on ground: કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ દિલ્હીમાં ઓટો રિક્ષા ચાલકો સાથે મુલાકાત કરીને તેમની રોજિંદી મુશ્કેલીઓ અને આર્થિક સંકટ વિશે માહિતી મેળવી હતી. ઈરાન સંકટ અને મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવના કારણે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને CNGના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે ઓટો ચાલકોની આવક પર સીધી અસર પડી રહી છે. વધતી મોંઘવારી અને ઈંધણના ખર્ચ વચ્ચે રાહુલ ગાંધીએ ઓટો ચાલકો સાથે ખાસ બેઠક યોજીને તેમની સમસ્યાઓ સમજવાનો પ્રયાસ કર્યો હતો. આ મુલાકાતના ફોટા અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
દિલ્હીના પાર્કમાં સામાન્ય લોકોની જેમ બેસીને લીધું ભોજન
વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ દિલ્હીના મંડી હાઉસ નજીક આવેલા તોડરમલ પાર્કમાં ઓટો ડ્રાઇવરો સાથે ખાસ સંવાદ કર્યો હતો. કોઈપણ પ્રકારના વીઆઇપી પ્રોટોકોલ વિના તેઓ ઓટો ચાલકો વચ્ચે જમીન પર જ બેસી ગયા હતા અને તેમની સાથે ભોજન લીધું હતું. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં રાહુલ ગાંધી જમીન પર બેસીને ભોજન લેતા તેમજ ઓટો ડ્રાઇવરોની દૈનિક સમસ્યાઓ અને પડકારો અંગે વિગતવાર ચર્ચા કરતા જોવા મળે છે.
ઇંધણના વધતા ભાવથી ઓટો ચાલકોની મુશ્કેલીઓ વધી
આ મુલાકાત પાછળનું મુખ્ય કારણ ઈંધણના ભાવમાં થયેલો સતત વધારો હોવાનું માનવામાં આવે છે. વૈશ્વિક સ્તરે ચાલી રહેલા ઈરાન સંકટ અને મધ્ય પૂર્વની અશાંતિને કારણે ઓટો ચલાવવાનો ખર્ચ વધી ગયો છે. ઓટો ચાલકોનું કહેવું છે કે પેટ્રોલ, ડીઝલ અને CNGના દરોમાં વધારો થયો છે, પરંતુ તેની સરખામણીએ ભાડામાં વધારો કરવામાં આવ્યો નથી. મુસાફરો પાસેથી વધારે ભાડું માંગતા દરરોજ વિવાદ અને બોલાચાલી સર્જાય છે, જેના કારણે તેમની આજીવિકા ચલાવવી મુશ્કેલ બની રહી છે.








