Rahul Gandhi Chhatron Ki Goonj Indore: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી શનિવારે (19 સપ્ટેમ્બર) મધ્યપ્રદેશના ઈન્દોરમાં યોજાનારા 'છાત્રો કી ગૂંજ' (વિદ્યાર્થીઓનો અવાજ) કાર્યક્રમ દ્વારા જેન-જી (Gen-Z) અને યુવાનો સાથે તેમના પ્રશ્નો અંગે સીધો સંવાદ કરશે. રાહુલ ગાંધી બપોરે 2 વાગ્યે ઈન્દોર પહોંચશે અને સાંજે 5.30 વાગ્યે રીજનલ પાર્ક સામે આવેલા આઈડીએ (IDA) ગ્રાઉન્ડ ખાતે મુખ્ય કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ શિક્ષણ, બેરોજગારી, પેપર લીક, સ્પર્ધાત્મક પરીક્ષાઓની વિસંગતતાઓ અને પરીક્ષા પ્રણાલીને લગતા પ્રશ્નો સીધા રાહુલ ગાંધીને પૂછી શકશે. ઈન્દોરમાં રાહુલ ગાંધીનો આ પહેલો અને દેશભરમાં 'છેત્રા કી ગૂંજ' શ્રેણી હેઠળનો ૫મો કાર્યક્રમ છે.

2 લાખ રજીસ્ટ્રેશનનો દાવો અને વહીવટી તંત્રની પરવાનગી
કોંગ્રેસ પાર્ટીનો દાવો છે કે આ ઈવેન્ટ માટે આશરે 2 લાખથી વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જોકે, સ્થાનિક વહીવટી તંત્રને આશરે 15 હજાર વિદ્યાર્થીઓ એકઠા થવાની માહિતી આપવામાં આવી છે. સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે ઈન્દોર પ્રશાસને 31 કડક શરતો સાથે આ કાર્યક્રમ યોજવાની પરવાનગી આપી છે, જેમાં એન્ટ્રી માટેની વિશેષ પદ્ધતિઓ અને શરતોનો સમાવેશ થાય છે. કોંગ્રેસે આ કાર્યક્રમ દ્વારા સમગ્ર દેશના યુવાનોને એક મંચ પર લાવી તેમની સમસ્યાઓને વાંચા આપવાનો પ્રયાસ કર્યો છે.

પીએમ મોદીનો પલટવાર અને રાજકીય ગરમાવો
બીજી તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીના આ અભિયાન પર પરોક્ષ રીતે પ્રહારો કર્યા છે. પીએમ મોદીએ તાજેતરમાં પોતાના જુદ- જુદા સંબોધનોમાં 'ઝૂઠ કી ગૂંજ' (ઝૂઠનો પડઘો) શબ્દનો ઉપયોગ કરીને વિપક્ષ પર નિશાનો સાધ્યો હતો. GDP વૃદ્ધિ દર, એસઆરસીસી (SRCC) ના શતાબ્દી સમારોહ અને વડોદરાના એમએસયુ (MSU) યુવા સંમેલનમાં પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું હતું કે, સત્યની હૂંકાર સામે ઝૂઠનો પડઘો ટકી શકશે નહીં અને દેશમાં નકારાત્મકતા ફેલાવનારાઓ યુવાનોને ગુમરાહ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
યુવા વોટબેંક અને 'જેન-જી' પર રાજકીય પક્ષોનો ડોળો
સરકારી પીરિયડિક લેબર ફોર્સ સર્વે (PLFS) 2025 અનુસાર, 15થી 29 વર્ષની વયના યુવાનોમાં બેરોજગારીનો દર 9.9% છે, જેમાં શહેરી વિસ્તારોમાં આ દર 13.6% જેટલો ઊંચો છે. ભારતમાં 15થી 29 વર્ષના આશરે 37 કરોડ યુવાનો છે, જે દેશની કુલ વસ્તીના આશરે 26% હિસ્સો ધરાવે છે. લોકસભા ચૂંટણી 2024માં પણ આ વયજૂથના મતદારોની ભાગીદારી 22.78% હતી. કોંગ્રેસ આ અભિયાન દ્વારા 2029ની સામાન્ય ચૂંટણીઓ પહેલાં આ નવી પેઢીના મતદારો સાથે મજબૂત જોડાણ સાધવાનો અને પેપર લીક તથા રોજગારી જેવા મુદ્દાઓને રાષ્ટ્રીય સ્તરે ઉઠાવવાનો પ્રયાસ કરી રહી છે.
કોટાથી શરૂ થયેલી સફર અને સુસાઈડ વિવાદ
રાહુલ ગાંધીએ આ અભિયાનની શરૂઆત રાજસ્થાનના શૈક્ષણિક હબ ગણાતા કોટાથી કરી હતી. કોટામાં NEET અને JEEની તૈયારી કરતા હજારો વિદ્યાર્થીઓ આવે છે, જ્યાં શિક્ષણ અને હોસ્ટેલની ભારે ફી તથા માનસિક તણાવને કારણે છેલ્લા 10 વર્ષમાં આશરે 170 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. રાહુલ ગાંધીએ કોટામાં નિવેદન આપ્યું હતું કે, 'વિદ્યાર્થીઓ ફેઈલ નથી થઈ રહ્યા, પરંતુ આપણું સિસ્ટમ ફેઈલ થયું છે.' કોંગ્રેસ હવે ઈન્દોર સહિત દેશના વિવિધ એજ્યુકેશનલ હબમાં જઈને આ મુદ્દાને શિક્ષણથી રોજગાર સુધીની રાષ્ટ્રીય ચર્ચામાં બદલવા માગે છે.








