Putin in India For BRICS: બ્રિક્સ સમિટ 2026માં ભાગ લેવા માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દિલ્હી પહોંચી ગયા છે. શુક્રવારે સવારે તેમનું વિમાન દિલ્હીના પાલમ એરફોર્સ સ્ટેશન પર ઉતર્યું હતું. અહીં વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. દિલ્હીમાં યોજાનારી મહત્વપૂર્ણ BRICS સમિટ પહેલા પુતિનનું ભારત આગમન બંને દેશો વચ્ચેના સંબંધોની દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
પુતિનના રોકાણને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા
એરપોર્ટ પર આગમન બાદ પુતિનનો કાફલો સીધો હોટલ તરફ રવાના થયો હતો. તેઓ ITC મૌર્યામાં રોકાય તેવી શક્યતા છે. રશિયન રાષ્ટ્રપતિની મુલાકાતને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં સુરક્ષાનો અત્યંત કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને તેમની સુરક્ષા માટે ચાર સ્તરીય સુરક્ષા ઘેરો તૈયાર કરવામાં આવ્યો છે. સુરક્ષાના સૌથી અંદરના સ્તરે પુતિનની ક્લોઝ પ્રોટેક્શન ટીમ તૈનાત રહેશે. ત્યારબાદ દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓ, દિલ્હી પોલીસના કમાન્ડો અને અર્ધલશ્કરી દળોના જવાનોની તૈનાતી રહેશે. સૌથી બહારના સુરક્ષા ઘેરાની જવાબદારી સ્થાનિક પોલીસ સંભાળશે. રશિયાની પોતાની સુરક્ષા ટીમ પણ દિલ્હી પહોંચી ગઈ છે અને ભારતીય સુરક્ષા એજન્સીઓ સાથે મળીને વ્યવસ્થા પર નજર રાખી રહી છે.
PM મોદી સાથે દ્વિપક્ષીય બેઠકમાં થશે મહત્વની ચર્ચા
ભારત આ વર્ષે BRICSની અધ્યક્ષતા કરી રહ્યું છે. નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે 12 અને 13 સપ્ટેમ્બરે BRICS શિખર સંમેલન યોજાવાનું છે. આ દરમિયાન પુતિન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે. બંને નેતાઓ વચ્ચે સંરક્ષણ, વેપાર, આર્થિક સહયોગ અને વૈશ્વિક મુદ્દાઓ અંગે મહત્વપૂર્ણ ચર્ચા થવાની સંભાવના છે. છેલ્લા 9 મહિનામાં પુતિનનો આ બીજો ભારત પ્રવાસ છે. બંને દેશો વચ્ચે લાંબા સમયથી રહેલા વ્યૂહાત્મક સંબંધોની દૃષ્ટિએ પુતિનની આ મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.








