Punjab Assembly Elections 2027: પંજાબમાં વર્ષ 2027ની શરૂઆતમાં યોજાનારી 117 બેઠકોની વિધાનસભા ચૂંટણી માટે અત્યારથી જ રાજકીય માહોલ ગરમાયો છે. રાજ્યની સત્તા કબજે કરવા માટે ભારતીય જનતા પાર્ટી (BJP) એ આક્રમક રણનીતિ અપનાવી છે. પંજાબ ભાજપના પ્રદેશ અધ્યક્ષ કેવલ સિંહ ઢિલ્લોને રવિવારે રાજ્ય સ્તરની બે સૌથી મહત્ત્વપૂર્ણ સમિતિઓ—'મેનિફેસ્ટો (ચૂંટણી ઢંઢેરો) કમિટી' અને 'ચાર્જશીટ કમિટી'ની સત્તાવાર જાહેરાત કરી છે. ભાજપે આ સમિતિઓમાં આમ આદમી પાર્ટી (AAP) છોડીને ભાજપમાં જોડાયેલા રાઘવ ચઢ્ઢા સહિત કુલ 6 રાજ્યસભા સાંસદોને મોટી જવાબદારી સોંપીને વિરોધીઓને ચોંકાવી દીધા છે. પ્રદેશ અધ્યક્ષે એવો પણ સંકેત આપ્યો છે કે આગામી દિવસોમાં ચૂંટણીલક્ષી અન્ય સમિતિઓની પણ જાહેરાત કરવામાં આવશે.
ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવાની જવાબદારી અવિનાશ રાય ખન્ના અને રાઘવ ચઢ્ઢાના શિરે
પંજાબના મતદારોને આકર્ષવા માટે ભાજપ કેવા વાયદાઓ કરશે, તે નક્કી કરવાની કમાન વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ અવિનાશ રાય ખન્નાને સોંપવામાં આવી છે. તેમને મેનિફેસ્ટો કમિટીના ચેરમેન બનાવાયા છે. આ સમિતિમાં તેમના ઉપરાંત અન્ય 12 દિગ્ગજ નેતાઓને સ્થાન અપાયું છે, જેમાં એપ્રિલ 2026માં AAP નો સાથ છોડીને ભાજપમાં આવેલા રાઘવ ચઢ્ઢા, પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ અને રાજિંદર ગુપ્તાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મનપ્રીત સિંહ બાદલ, અશ્વની શર્મા, મનોરંજન કાલિયા, સોમ પ્રકાશ, રાણા ગુરમીત સિંહ સોઢી, અશ્વની સેખરી, સતનામ સિંહ સંધૂ, પરમપાલ કૌર અને એચ. એસ. ફૂલ્કા જેવા અનુભવી ચહેરાઓ પણ પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.
સરકારને ઘેરવા સુનીલ જાખડના નેતૃત્વમાં બની ચાર્જશીટ કમિટી
એક તરફ ભાજપ પોતાના વિઝન પર કામ કરી રહ્યું છે, તો બીજી તરફ વર્તમાન સરકારની નિષ્ફળતાઓને જનતા સામે ઉજાગર કરવા માટે 'ચાર્જશીટ કમિટી'ની રચના કરવામાં આવી છે. આ સમિતિના ચેરમેન તરીકે પંજાબ ભાજપના પૂર્વ પ્રમુખ સુનીલ જાખડની નિમણૂક કરવામાં આવી છે. આ સમિતિમાં પણ AAP માંથી ભાજપમાં જોડાયેલા સંદીપ પાઠક, વિક્રમજીત સિંહ સાહની અને અશોક મિત્તલને મહત્ત્વનું સ્થાન મળ્યું છે. તેમની સાથે ઈકબાલ સિંહ લાલપુરા, વિજય સાંપલા, શ્વેત મલિક, મહારાણી પરનીત કૌર, રવનીત સિંહ બિટ્ટૂ, દિનેશ બબ્બૂ, સુશીલ રિંકૂ, ગેજા રામ, એસ. એસ. ચન્ની અને જગમીત સિંહ બરાડ જેવા વરિષ્ઠ નેતાઓ પણ સરકાર વિરુદ્ધ આરોપનામું તૈયાર કરશે.
પંજાબ કોંગ્રેસે પણ સંગઠન મજબૂત કરવા બનાવ્યો નવો એક્શન પ્લાન
ભાજપની આક્રમક તૈયારીઓ વચ્ચે પંજાબ કોંગ્રેસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે. ચૂંટણી પહેલા અન્ય પક્ષોના નારાજ અને પ્રભાવશાળી નેતાઓને કોંગ્રેસમાં સામેલ કરવા માટે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પરગટ સિંહે રવિવારે 4 સભ્યોની એક ખાસ સમિતિની રચના કરી છે. આ સમિતિમાં કોંગ્રેસ કાર્ય સમિતિના સભ્ય અને પૂર્વ ધારાસભ્ય વિજય ઈન્દર સિંગલા, વિધાનસભામાં કોંગ્રેસ વિધાયક દળના ઉપનેતા અરુણા ચૌધરી, પૂર્વ ધારાસભ્ય કુશલદીપ સિંહ ઢિલ્લોન અને ધારાસભ્ય હરદેવ સિંહ લડ્ડીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિ પક્ષમાં થનારી નવી ભરતીઓ પર સીધી દેખરેખ રાખશે.
સ્થાનિક નેતાઓની સંમતિ વગર કોઈને પક્ષમાં નહીં લેવાય: કોંગ્રેસ
ઘણીવાર ચૂંટણી સમયે બહારથી આવતા નેતાઓને કારણે પાર્ટીના જૂના અને વફાદાર કાર્યકરોમાં નારાજગી જોવા મળતી હોય છે. આ આંતરિક વિખવાદ ટાળવા માટે પંજાબ કોંગ્રેસે એક સ્પષ્ટ નિયમ બનાવ્યો છે. પાર્ટીના સત્તાવાર આદેશ મુજબ, કોઈ પણ અન્ય પક્ષના નેતાને કોંગ્રેસમાં સામેલ કરતા પહેલાં તે વિસ્તારના વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓ અને જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષો સાથે ફરજિયાત ચર્ચા-વિચારણા કરવામાં આવશે. સ્થાનિક નેતૃત્વને વિશ્વાસમાં લીધા બાદ અને તેમના અભિપ્રાયને ધ્યાનમાં રાખીને જ નવા નેતાઓને પક્ષમાં પ્રવેશ આપવાની પ્રક્રિયા આગળ વધારવામાં આવશે.








