Pune Chlorine Gas Leak: મહારાષ્ટ્રના પુણે શહેરના કોંઢવા વિસ્તારમાં ગુરુવારે વહેલી સવારે ક્લોરિન ગેસ લીકેજની એક ગંભીર ઘટના બની હતી. આ ઝેરી ગેસના સંપર્કમાં આવવાને કારણે બે ફાયર ફાઈટર અને આસપાસના વિસ્તારના 22 રહીશો સહિત કુલ 24 લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ તમામની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
વહેલી સવારે ગેસ લીકેજથી ગભરાટ
ફાયર ઓફિસર સુનિલ નાઈકનવરેએ જણાવ્યું હતું કે, બુધવાર અને ગુરુવારની મધ્યરાત્રિએ કોંઢવાના ગંગાધામ વિસ્તારમાં આવેલા એક જૂના અને બંધ હાલતના પાણી શુદ્ધિકરણ પ્લાન્ટમાં આ દુર્ઘટના ઘટી હતી. પ્લાન્ટના વેરહાઉસમાં રાખવામાં આવેલી ક્લોરિન ગેસની ટાંકીમાંથી અચાનક લીકેજ શરૂ થયું હતું. ગેસ ફેલાતા જ આસપાસના રહીશોમાં ગભરાટ ફેલાયો હતો અને લોકોએ શ્વાસ લેવામાં તકલીફ તેમજ ગૂંગળામણની ફરિયાદ કરી હતી.
રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન ફાયર ફાઈટરો પણ ઝપેટમાં
ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ, ટીમે સૌ પ્રથમ પ્રભાવિત વિસ્તારને ખાલી કરાવ્યો હતો જેથી જાનહાનિ ટાળી શકાય. ગેસ ફેલાતો અટકાવવા માટે ફાયર ફાઈટરોએ જોખમ ખેડીને ક્લોરિન ટાંકીને પેચ (સીલ) કરવાની કામગીરી શરૂ કરી હતી. આ કપરી પ્રક્રિયા દરમિયાન બે ફાયર ફાઈટરો પોતે ઝેરી ગેસના સંપર્કમાં આવી ગયા હતા અને તેમની તબિયત લથડી હતી.
તમામ 24 લોકો ખતરાથી બહાર
સ્થાનિક રહેવાસી ભીલારેના જણાવ્યા અનુસાર, ગેસ લીકેજની અસરને કારણે 22 સ્થાનિક લોકો અને 2 અગ્નિશામક દળના જવાનોને ગંભીર શ્વાસની તકલીફ થતા તમામને સાસૂન જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના સત્તાધીશોએ પુષ્ટિ કરી છે કે તમામ 24 દર્દીઓ હવે ખતરાથી બહાર છે, પરંતુ સાવચેતીના ભાગરૂપે તેઓને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.
તંત્ર દ્વારા તપાસના આદેશ
આ ઘટના બાદ વહીવટી તંત્ર અને પોલીસ એક્શનમાં આવ્યા છે. અધિકારીઓ હવે એ દિશામાં તપાસ કરી રહ્યા છે કે આ ત્યજી દેવાયેલા પ્લાન્ટમાં ખતરનાક ક્લોરિન ગેસની ટાંકીઓ આટલી બેદરકારીપૂર્વક કેમ છોડી દેવામાં આવી હતી. આ ગંભીર બેદરકારી બદલ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે. સ્થાનિક લોકોમાં પણ આ ઘટનાને પગલે ભારે રોષ જોવા મળી રહ્યો છે.








