Prince William India Visit: બ્રિટનના પ્રિન્સ વિલિયમ ભારત પ્રવાસના બીજા દિવસે મંગળવારે મુંબઈમાં અનોખા અંદાજમાં જોવા મળ્યા હતા. તેઓ પત્ની પ્રિન્સેસ કેટને પાછળ બેસાડીને ઈલેક્ટ્રિક રિક્ષા ચલાવતા નજરે પડ્યા હતા. બંને અર્થશોટ પ્રાઇઝના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. ઈ-રિક્ષા પર અર્થશોટનો લોગો લગાવવામાં આવ્યો હતો. આ રીતે કાર્યક્રમમાં પહોંચવા અંગે પ્રિન્સેસ કેટએ કહ્યું હતું કે, “અહીં આવવાનો આ સૌથી શ્રેષ્ઠ રસ્તો છે.” નોંધનીય છે કે, એક દિવસ પહેલાં બંનેએ મુંબઈમાં ગલી ક્રિકેટ પણ રમ્યું હતું.
અર્થશોટ પ્રાઇઝના ફાઇનલિસ્ટ્સ સાથે મુલાકાત કરી
મુંબઈમાં પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટએ 2026ના અર્થશોટ પ્રાઇઝના ફાઇનલિસ્ટ્સ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને ઈ-રિક્ષાની સવારી કરતા પણ જોવા મળ્યા હતા. આજે મુંબઈમાં અર્થશોટ પ્રાઇઝનો છઠ્ઠો સમારોહ યોજાવાનો છે.
અર્થશોટ પ્રાઇઝના વિજેતાઓને મળશે આશરે 11 કરોડ રૂપિયા
પ્રિન્સ વિલિયમે આશરે છ વર્ષ પહેલાં અર્થશોટ પ્રાઇઝની શરૂઆત કરી હતી. આ પુરસ્કારનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણ સંબંધિત સમસ્યાઓના ઉકેલ માટે નવીન વિચારો અને પ્રયાસો કરનારા લોકો તથા સંસ્થાઓને પ્રોત્સાહન આપવાનો છે. દર વર્ષે પાંચ વિજેતાઓ પસંદ કરવામાં આવે છે. દરેક વિજેતાને 10 લાખ પાઉન્ડ એટલે કે આશરે 11 કરોડ રૂપિયાની રકમ આપવામાં આવે છે. મંગળવારે મુંબઈમાં આ પુરસ્કારનો છઠ્ઠો સમારોહ યોજાશે. કેન્સિંગ્ટન પેલેસ અનુસાર, આ અત્યાર સુધીનો સૌથી મોટો કાર્યક્રમ હશે. આ કાર્યક્રમને ભારતનાં 24 રાજ્યોની 15 હજાર શાળાઓ સુધી પહોંચાડવામાં આવ્યો છે. સમારોહ પહેલાં પ્રિન્સ વિલિયમ પુરસ્કારના ફાઇનલિસ્ટ્સ સાથે મુલાકાત કરશે. આ વર્ષની ફાઇનલિસ્ટ્સમાં ભારતની મહિન્દ્રા લાસ્ટ માઇલ મોબિલિટી પણ સામેલ છે. આ કંપની ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલરનું ઉત્પાદન કરે છે.
પ્રથમ વખત બાળકો માટે પણ યોજાશે અર્થશોટ અવોર્ડ
આ વર્ષે પ્રથમ વખત બાળકો માટે ચિલ્ડ્રન્સ અર્થશોટ અવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં 9થી 17 વર્ષની વયનાં બાળકોના પર્યાવરણ બચાવવાના વિચારો અને પ્રયાસોનું સન્માન કરવામાં આવશે. આ માટે બાળકોને તેમની આસપાસની પર્યાવરણ સંબંધિત સમસ્યાઓ ઓળખીને તેના ઉકેલો તૈયાર કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા.
સચિન તેંડુલકર, આલિયા ભટ્ટ અને શ્રેયા ઘોષાલ પણ જોડાશે
અર્થશોટ પ્રાઇઝની અવોર્ડ નાઇટમાં અનેક જાણીતી હસ્તીઓ સામેલ થશે. તેમાં ક્રિકેટર સચિન તેંડુલકર, અભિનેત્રી આલિયા ભટ્ટ અને અભિનેતા રામી મલેકનો સમાવેશ થાય છે. ફિલ્મમેકર કરણ જોહર કાર્યક્રમનું સંચાલન કરશે. ગાયિકા શ્રેયા ઘોષાલ બ્રિટિશ બેન્ડ ટેક ધેટ સાથે રજૂઆત કરશે. આ બેન્ડ પ્રથમ વખત ભારતમાં પરફોર્મ કરશે. આ ઉપરાંત મુંબઈની સંગીતકાર મર્લિન ડી'સૂઝાના નેતૃત્વમાં અર્થશોટ ઓર્કેસ્ટ્રા પણ રજૂઆત કરશે. ભારતનું પ્રથમ ઓલ-ફીમેલ હિપ-હોપ ગ્રુપ વાઇલ્ડ વાઇલ્ડ વુમન પણ કાર્યક્રમમાં પરફોર્મ કરશે.
અર્થશોટ પ્રાઇઝમાં ભારતના સૌથી વધુ વિજેતા અને ફાઇનલિસ્ટ
અર્થશોટ પ્રાઇઝ અનુસાર, અત્યાર સુધી આ પુરસ્કારમાં ભારતમાંથી સૌથી વધુ વિજેતા અને ફાઇનલિસ્ટ પસંદ કરવામાં આવ્યા છે. આ પુરસ્કાર જળવાયુ પરિવર્તન, કચરાની સમસ્યા, વાયુ પ્રદૂષણ, સમુદ્રોનું સંરક્ષણ તેમજ વૃક્ષો, છોડ અને જીવજંતુઓને બચાવવા માટેના નવીન ઉકેલો માટે આપવામાં આવે છે. અર્થશોટ પ્રાઇઝના CEO જેસન નોફે જણાવ્યું હતું કે મુંબઈમાં યોજાનારો આ સમારોહ ભારતનાં પર્યાવરણ સંબંધિત પ્રયાસો, નવીન વિચારસરણી અને સંસ્કૃતિને વિશ્વ સમક્ષ રજૂ કરવાની મોટી તક છે. તેમના જણાવ્યા અનુસાર, આ વખતે પુરસ્કાર સમારોહમાં અત્યાર સુધીનો સૌથી મોટો શાળા કાર્યક્રમ અને અનેક વિશેષ પ્રસ્તુતિઓ યોજાશે.
મુંબઈ બાદ દિલ્હી જઈને વડાપ્રધાન મોદીને મળશે
મુંબઈનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટ 18 નવેમ્બરે દિલ્હી જશે. અહીં બંને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. આ મુલાકાત સાથે તેમનો ભારત પ્રવાસ પૂર્ણ થશે. બ્રિટનના કાર્યકારી હાઈ કમિશનરે જણાવ્યું હતું કે આ પ્રવાસ ભારત અને બ્રિટનના લોકો વચ્ચેના જૂના સંબંધોને વધુ મજબૂત કરવાની તક છે. બંને દેશો ટેકનોલોજી, રોકાણ, સ્વચ્છ ઊર્જા, શિક્ષણ અને સુરક્ષા સહિતનાં ક્ષેત્રોમાં સહયોગ વધારી રહ્યા છે.








