Israel blew up Hezbollah: ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ શુક્રવારે દાવો કર્યો છે કે ઈઝરાયેલી સેનાએ દક્ષિણ લેબનાનમાં હિઝબુલ્લાહના એક વિશાળ ભૂગર્ભ અડ્ડાને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધું છે. નેતન્યાહૂ અને ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી ઈઝરાયેલ કાત્ઝે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું કે ‘અલી અત-તાહેર’ નામનું આ અંડરગ્રાઉન્ડ ઠેકાણું નાબતિયા નજીક આવેલા ઈઝરાયેલના સુરક્ષા બફર ઝોનમાં હતું અને તેને બે દાયકાથી વધુ સમયથી તૈયાર કરવામાં આવી રહ્યું હતું. ઈઝરાયેલી દળોએ આ સ્થળેથી ઈરાન દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલા હથિયારોનો મોટો જથ્થો પણ જપ્ત કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ગલીલ વિસ્તારમાં કબજો મેળવવાની કામગીરી
ઈઝરાયેલી નેતાઓના જણાવ્યા મુજબ, આ ભૂગર્ભ સુવિધા વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હતી અને તેનો ઉપયોગ ગલીલ વિસ્તારમાં કબજો મેળવવાની કામગીરી માટે મુખ્ય બેઝ તરીકે થવાનો હતો. આ ઉપરાંત મેતુલા અને કિર્યાત શમોના જેવા વિસ્તારો પર નજર રાખવા તેમજ ત્યાં હુમલા કરવા માટે પણ આ ઠેકાણાનો ઉપયોગ કરવાની યોજના હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, આ દાવાઓને સમર્થન આપતા કોઈ સ્વતંત્ર કે નક્કર પુરાવા અને તસવીરો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. નેતન્યાહૂ અને કાત્ઝે જણાવ્યું કે તેમની મંજૂરી બાદ જ સેનાએ આ કાર્યવાહી હાથ ધરી હતી.
હિઝબુલ્લાહના લડાકુઓ ફરીથી અહીં પ્રવેશ ન કરી શકે
અડ્ડાને નષ્ટ કર્યા બાદ ઈઝરાયેલી સેના હવે આ વિસ્તારમાં સુરક્ષા વધુ મજબૂત કરી રહી છે, જેથી હિઝબુલ્લાહના લડાકુઓ ફરીથી અહીં પ્રવેશ ન કરી શકે. ઈઝરાયેલી નિવેદન અનુસાર, આતંકવાદી નેટવર્ક અને તેના મુખ્ય મથકો પહાડી વિસ્તારની નીચે ભૂગર્ભમાં તૈયાર કરવામાં આવ્યા હતા. નેતન્યાહૂએ એમ પણ કહ્યું કે ઈરાન તરફથી આવતા હથિયારોનો જથ્થો હવે નષ્ટ કરવામાં આવ્યો છે. જોકે, સ્વતંત્ર રીતે તેની પુષ્ટિ ન થતાં આ દાવાને લઈને નિષ્ણાતોમાં પણ સવાલો ઉઠી રહ્યા છે.
ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચેના સંઘર્ષનું મહત્વ
દક્ષિણ લેબનાનનો આ વિસ્તાર લાંબા સમયથી ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચેના સંઘર્ષનું મહત્વનું કેન્દ્ર રહ્યો છે. ઈઝરાયેલનો દાવો છે કે સુરક્ષા ઝોનમાં હવે તેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ વિસ્તારની સ્થિતિ પર હજુ પણ નજર રાખવામાં આવી રહી છે. બીજી તરફ, આ સમગ્ર કાર્યવાહી અને ઈઝરાયેલી દાવાઓ અંગે હિઝબુલ્લાહ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.








