Premanand Maharaj Disciple Dies: ધાર્મિક નગરી વૃંદાવનના વરાહ ઘાટ નજીક આવેલા 'ગુરુ કૃપા કુંજ' સંકુલમાંથી એક અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત સંત પ્રેમાનંદ મહારાજ પાસેથી દીક્ષા મેળવીને આશ્રમ સેવા કાર્યમાં જોડાયેલા 25 વર્ષીય સાધક દીપક લોધી (જેઓ આશ્રમમાં 'રસિક દુલારી શરણ' તરીકે ઓળખાતા હતા) નું ઇમારતના ચોથા માળેથી નીચે પટકાતાં દર્દનાક મોત થયું છે. મૂળ મધ્યપ્રદેશના જબલપુરના વતની એવા આ સાધકના અચાનક થયેલા મોતને પગલે સમગ્ર વૃંદાવન અને શ્રદ્ધાળુઓ વચ્ચે ભારે અરેરાટી સાથે અનેક સવાલો ઊભા થયા છે.
સારવાર દરમિયાન દમ તોડ્યો
મળતી માહિતી મુજબ, આ કરૂણ ઘટના શુક્રવારે બપોરના સમયે બની હતી. ચોથા માળેથી જમીન પર પટકાતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને દીપકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક ધોરણે તેમને નજીકની સરવોદય હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, માથાના ભાગે અને શરીર પર થયેલી ગંભીર ઈજાઓના કારણે સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. હોસ્પિટલ તંત્ર દ્વારા ઘટના અંગે મથુરા પોલીસને જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
ફોરેન્સિક તપાસ શરુ
પોલીસે જ્યારે મૃતકના ઓરડાની તપાસ કરી ત્યારે મામલો વધુ રહસ્યમય બન્યો હતો. તપાસ દરમિયાન રૂમમાંથી લોહીથી ખરડાયેલું એક ઇલેક્ટ્રિક ગ્રાઇન્ડર, મૃતકની અંગત ડાયરી અને મોબાઇલ ફોન મળી આવ્યા છે. આ ઉપરાંત, પ્રાથમિક અહેવાલો મુજબ શરીર પર અને ગુપ્ત ભાગે પણ ઈજાના નિશાનો જોવા મળ્યા હોવાનું સામે આવ્યું છે. ફોરેન્સિક ટીમ (Forensic Team) અને મથુરા પોલીસે તાત્કાલિક સ્થળ પરથી જરૂરી પુરાવા અને સેમ્પલ એકત્ર કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
હત્યા કે આત્મહત્યા?
મથુરાના એસપી સિટી રાજીવ કુમાર સિંહ અને સીઓ સંદીપ સિંહે જણાવ્યું હતું કે, પોલીસે ડાયરી તથા મોબાઇલ કબજે લઈને તેની વિગતવાર ચકાસણી શરૂ કરી છે. આ સાથે જ આશ્રમ સંકુલ અને આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ પણ ખંગાળવામાં આવી રહ્યા છે. હાલ તબક્કે આ ઘટના આત્મહત્યા છે, અકસ્માત છે કે કોઈ અન્ય ષડયંત્ર (હત્યા), તે અંગે સ્પષ્ટપણે કંઈ કહેવું ઉતાવળ ગણાશે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે.
પરિવારજનોને જાણ કરાઈ
મૃતક સાધકના મધ્યપ્રદેશ સ્થિત પરિવારજનોને આ દુઃખદ ઘટના અંગે જાણ કરી દેવામાં આવી છે અને તેઓ મથુરા પહોંચી રહ્યા છે. પરિવારની હાજરીમાં જ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. સંવેદનશીલ બાબત હોવાથી પોલીસે સોશિયલ મીડિયા પર ચાલી રહેલી કોઈપણ પ્રકારની અફવાઓ કે વગર પુરાવાના દાવાઓ પર વિશ્વાસ ન કરવા જાહેર જનતાને અપીલ કરી છે. પોલીસનું કહેવું છે કે વૈજ્ઞાનિક પુરાવા અને તથ્યોના આધારે જ તપાસ આગળ વધારવામાં આવી રહી છે.








