Prajwal Revanna Cell Phone Raid: બેંગલુરુની પરપ્પના અગ્રહાર સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા પૂર્વ JDS સાંસદ પ્રજ્વલ રેવન્નાની બેરેકમાં 11 ઓગસ્ટે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન રેવન્ના પાસે જેલની અંદર મોબાઈલ ફોન મળી આવ્યો હતો. અધિકારીઓએ મોબાઈલ ઉપરાંત ચાર્જર, પેન ડ્રાઈવ અને નોટબુક પણ જપ્ત કરી હતી. તમામ ડિજિટલ ઉપકરણોને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા હતા અને હવે તેનો રિપોર્ટ સામે આવ્યો છે.
ફોરેન્સિક રિપોર્ટમાં અનેક અશ્લીલ ડિજિટલ ફાઇલો મળી
ફોરેન્સિક વિશ્લેષણમાં જપ્ત કરાયેલા મોબાઈલ ફોન અને અન્ય ડિજિટલ ઉપકરણોમાં મોટી સંખ્યામાં અશ્લીલ વીડિયો મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. પેન ડ્રાઈવમાંથી પણ વિવિધ અશ્લીલ વેબ સિરીઝ મળી હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ છે. આ ખુલાસા બાદ હાઈ-સિક્યોરિટી જેલમાં પ્રતિબંધિત વસ્તુઓ કેવી રીતે પહોંચી તે અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. અગાઉ પણ જેલમાં ‘VIP’ કેદીઓને મળતી કથિત ખાસ સુવિધાઓને લઈને ચર્ચા થઈ ચૂકી છે.
જેલમાં મોબાઈલ રાખવા પર સંપૂર્ણ પ્રતિબંધ
પ્રજ્વલ રેવન્ના પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવેગૌડાના પૌત્ર અને કેન્દ્રીય મંત્રી એચ.ડી. કુમારસ્વામીના ભત્રીજા છે. એક મહિલા સાથેના ગંભીર કેસમાં દોષિત ઠર્યા બાદ તેઓ હાલ આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. જેલના નિયમો મુજબ કેદીઓને વ્યક્તિગત મોબાઈલ ફોન, સિમ કાર્ડ અથવા અન્ય ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન ડિવાઇસ રાખવાની મંજૂરી નથી. કેદીઓ માટે સંપર્કની વ્યવસ્થા નિયંત્રિત લેન્ડલાઈન અથવા પબ્લિક કોલ ઓફિસ મારફતે કરવામાં આવે છે. જેલમાં પ્રતિબંધિત મોબાઈલ અને અન્ય સામગ્રી મળી આવ્યા બાદ સત્તાવાળાઓએ એક જવાબદાર જેલ અધિકારીને સસ્પેન્ડ કરી દીધા છે. સમગ્ર મામલે વધુ તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. હવે તપાસનો મુખ્ય મુદ્દો એ છે કે હાઈ-સિક્યોરિટી બેરેક સુધી મોબાઈલ અને અન્ય પ્રતિબંધિત સામગ્રી કેવી રીતે પહોંચી.








