CJP protest in Mumbai: મુંબઈના શિવાજી પાર્કમાં 2 ઓક્ટોબરે યોજાયેલા CJPના વિરોધ-પ્રદર્શનને લઈને પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં કાર્યક્રમના આયોજકો ઉપરાંત અંદાજે 400થી 500 અજાણ્યા સમર્થકો અને પ્રદર્શનકારીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર ઘટનાને લઈને તપાસ શરૂ કરી છે અને પ્રદર્શન દરમિયાન નિયમોનું ઉલ્લંઘન થયું હતું કે નહીં તે અંગે વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે.
BNS અને મહારાષ્ટ્ર પોલીસ ઍક્ટ હેઠળ કેસ નોંધાયો
શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં આ મામલે ક્રાઇમ નંબર 515/26 હેઠળ કેસ નોંધાયો હોવાનું જણાવાયું છે. પોલીસ દ્વારા ભારતીય ન્યાય સંહિતા એટલે કે BNSની કલમ 189 અને 223 તેમજ મહારાષ્ટ્ર પોલીસ ઍક્ટની કલમ 37(1)(3) અને 135 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસમાં CJPના કાર્યક્રમના આયોજકોની સાથે 400થી 500 જેટલા અજાણ્યા પ્રદર્શનકારીઓ અને સમર્થકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. હવે પોલીસ પ્રદર્શન દરમિયાન કોણ-કોણ હાજર હતું અને કઈ રીતે કાયદાકીય જોગવાઈઓનું ઉલ્લંઘન થયું હોવાની શંકા છે તેની તપાસ કરી રહી છે.
સગીર બાળકોની હાજરી મુદ્દે NHRCએ લીધી ગંભીર નોંધ
આ સમગ્ર મામલામાં સગીર બાળકોની કથિત હાજરી અને તેમના ફોટા-વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવાના મુદ્દે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ એટલે કે NHRCએ પણ ગંભીર નોંધ લીધી છે. NHRCએ માનવાધિકાર સંરક્ષણ અધિનિયમ, 1993ની કલમ 12 હેઠળ આ મામલે સંજ્ઞાન લીધું છે. આયોગે ખાસ કરીને તપાસ કરવાનો મુદ્દો ઉઠાવ્યો છે કે સગીર બાળકો કયા સંજોગોમાં પ્રદર્શન સ્થળે પહોંચ્યા હતા અને તેમની હાજરી પાછળ આયોજકો અથવા અન્ય વ્યક્તિઓની કોઈ ભૂમિકા હતી કે નહીં.
સેવા ન્યાય ઉત્થાન ફાઉન્ડેશનની ફરિયાદ બાદ કાર્યવાહી
આ મામલે સેવા ન્યાય ઉત્થાન ફાઉન્ડેશનના હેડ ઓફ ઇન્ટરવેન્શન સતીશ વૈદ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદમાં પ્રદર્શન દરમિયાન સગીર બાળકોની હાજરી અને સોશિયલ મીડિયા પર તેમના ફોટા તથા વીડિયો પ્રસારિત થવાના મુદ્દે તપાસની માંગ કરવામાં આવી હતી. ફરિયાદ બાદ NHRCએ મુંબઈ પોલીસ કમિશનર સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓને નોટિસ પાઠવી છે. આ ઉપરાંત કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેક્નોલૉજી મંત્રાલય, ભારતમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xના ફરિયાદ અધિકારી તેમજ મહારાષ્ટ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના પ્રધાન સચિવને પણ નોટિસ આપવામાં આવી હોવાનું જણાવાયું છે.
ડિજિટલ પુરાવાની તપાસના આદેશ
NHRCએ મુંબઈ પોલીસને સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ ફોટા, વીડિયો અને અન્ય ડિજિટલ સામગ્રીની ઝીણવટભરી તપાસ કરવા જણાવ્યું છે. જો તપાસ દરમિયાન કોઈ ગુનો બનતો હોવાનું સામે આવે તો કાયદા મુજબ જરૂરી FIR નોંધવા માટે પણ સૂચના આપવામાં આવી હતી. હવે પોલીસ વાયરલ થયેલા ફોટા અને વીડિયોની તપાસ સાથે તેમાં દેખાતા સગીરોની ઓળખ, તેમની હાજરીના સંજોગો અને પ્રદર્શનના આયોજકો તથા અન્ય પુખ્ત વ્યક્તિઓની સંભવિત ભૂમિકા અંગે તપાસ કરશે.
એક સપ્તાહમાં Action Taken Report માંગવામાં આવ્યો
NHRCએ સંબંધિત અધિકારીઓ પાસેથી એક સપ્તાહની અંદર Action Taken Report એટલે કે ATR રજૂ કરવા જણાવ્યું છે. આ રિપોર્ટમાં બાળકો પ્રદર્શન દરમિયાન કેવી રીતે અને કયા સંજોગોમાં સામેલ થયા, આયોજકો અથવા સંયોજકોની શું ભૂમિકા હતી અને સગીરો સાથે હાજર પુખ્ત વ્યક્તિઓની જવાબદારી શું હતી તેની વિગતો રજૂ કરવાની રહેશે. આ રીતે એક તરફ મુંબઈ પોલીસે CJPના પ્રદર્શનને લઈને આયોજકો અને મોટી સંખ્યામાં અજાણ્યા પ્રદર્શનકારીઓ સામે ગુનો નોંધ્યો છે, તો બીજી તરફ સગીર બાળકોની કથિત હાજરી અને ડિજિટલ સામગ્રીના પ્રસારણ મુદ્દે NHRCની તપાસ પણ આગળ વધી રહી છે. હવે પોલીસ તપાસ અને NHRCના ATR બાદ સમગ્ર મામલે વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.








