PM Modi president Emmanuel Macron: મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવ વચ્ચે ભારત અને ફ્રાન્સ વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી ફરી એકવાર વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ બની રહી છે. ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીતે આંતરરાષ્ટ્રીય રાજદ્વારી મંચ પર નવી દિશા દર્શાવી છે. આ ચર્ચાનો કેન્દ્રબિંદુ મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થાપિત કરવાનો હતો, સાથે જ વિશ્વ માટે અત્યંત મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ હોર્મુઝની સામુદ્રધુનીની સુરક્ષા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ વાતચીત અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, બંને નેતાઓએ મિડલ ઈસ્ટની હાલની પરિસ્થિતિ પર વિસ્તૃત ચર્ચા કરી અને ખાસ કરીને હોર્મુઝમાં નૌકાવિહારની સ્વતંત્રતા જાળવવાની તાત્કાલિક જરૂરિયાત પર સહમતિ વ્યક્ત કરી. હોર્મુઝ જળમાર્ગ વૈશ્વિક વેપાર માટે જીવનરેખા સમાન છે, જ્યાંથી વિશ્વના મોટા પ્રમાણમાં તેલ અને ગેસની સપ્લાય થાય છે. તેથી અહીં સર્જાતી કોઈપણ અસ્થિરતા સીધી અસર વૈશ્વિક અર્થતંત્ર પર પડે છે.
અનેક ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે સહકાર વધ્યો
આ વાતચીત દરમિયાન ભારત અને ફ્રાન્સે ક્ષેત્રીય તણાવ ઘટાડવા માટે સંયુક્ત પ્રયાસોને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. બંને દેશોએ સ્પષ્ટ કર્યું કે, માત્ર રાજકીય નિવેદનો નહીં, પરંતુ વ્યૂહાત્મક અને રાજદ્વારી સ્તરે પણ સહયોગ વધારવાની જરૂર છે. ખાસ કરીને એવા સમયમાં જ્યારે મિડલ ઈસ્ટમાં યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થઈ રહી છે, ત્યારે વિશ્વના મોટા દેશો માટે શાંતિ અને સ્થિરતા જાળવવી એક મોટી પડકારરૂપ બાબત બની છે. ભારત અને ફ્રાન્સ વચ્ચેના સંબંધો છેલ્લા કેટલાક વર્ષોમાં વધુ ગાઢ બન્યા છે. રક્ષા, વેપાર અને ટેક્નોલોજી સહિત અનેક ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે સહકાર વધ્યો છે. આ પરિસ્થિતિમાં મિડલ ઈસ્ટ મુદ્દે બંને દેશોની એકસમાન દૃષ્ટિ આંતરરાષ્ટ્રીય સમુદાય માટે પણ સંદેશ સમાન છે કે મોટા દેશો તણાવને શાંત કરવાની દિશામાં સાથે કામ કરવા તૈયાર છે.
વૈશ્વિક સપ્લાય ચેઇન પર ભારે અસર પડી શકે
આંતરરાષ્ટ્રીય સ્તરે પણ હોર્મુઝની સુરક્ષા અંગે ચિંતા વધી રહી છે, કારણ કે આ જળમાર્ગમાંથી પસાર થતી જહાજોની સુરક્ષા ખોરવાય તો વૈશ્વિક સપ્લાય ચેઇન પર ભારે અસર પડી શકે છે. ખાસ કરીને ઊર્જા ક્ષેત્રમાં તેનો સીધો પ્રભાવ જોવા મળે છે, જેનાથી તેલ અને ગેસના ભાવમાં અચાનક ઉછાળો આવી શકે છે. આ પરિસ્થિતિમાં ભારત અને ફ્રાન્સ વચ્ચે થયેલી આ ઉચ્ચસ્તરીય ચર્ચા માત્ર દ્વિપક્ષીય સંબંધો સુધી મર્યાદિત નથી, પરંતુ વૈશ્વિક શાંતિ અને આર્થિક સ્થિરતા માટે પણ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. બંને દેશોનો આ સંકલિત અભિગમ મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે એક સકારાત્મક સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે.








