PM Modi meets Sundar Pichai: AI ઇમ્પેક્ટ સમિટનો આજે ત્રીજો દિવસ છે. ગૂગલના CEO સુંદર પિચાઈ ભારત પહોંચી ગયા છે અને તેઓ આ મોટા AI ઇવેન્ટમાં ભાગ લેશે. તે પહેલાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
AI ઇમ્પેક્ટ સમિટ 2026
નવી દિલ્હીમાં ચાલી રહેલી ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026ના ત્રીજા દિવસે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગૂગલના CEO સુંદર પિચાઈ સાથે મુલાકાત કરી. આ બેઠક સમિટના સાઇડલાઇનમાં થઈ, જ્યાં બંનેએ ભારત અને Google વચ્ચે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે સહકાર વધુ મજબૂત બનાવવાની ચર્ચા કરી. PM મોદીએ જણાવ્યું કે, ભારતમાં AI ઝડપથી આગળ વધી રહ્યો છે અને Google જેવી વૈશ્વિક ટેક કંપનીઓ સાથે મળીને કામ કરવાથી તેના અવસર વધુ વધશે.
આ મુલાકાત આનંદદાયક રહી: PM મોદી
PM મોદીએ પોતાની X પોસ્ટમાં લખ્યું કે, આ મુલાકાત આનંદદાયક રહી. તેમણે જણાવ્યું કે, સુંદર પિચાઈ સાથે ભારતમાં AI ક્ષેત્રમાં થઈ રહેલી પ્રગતિ, ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સના ટેલેન્ટ અને Google સાથે આગળ મળીને કામ કરવાની તકો અંગે ચર્ચા થઈ. PM મોદીના X પોસ્ટ બાદ ગૂગલના CEOએ પણ પોસ્ટ કર્યું. સુંદર પિચાઈએ જણાવ્યું કે PM મોદીને મળવું સારો અનુભવ રહ્યો. અમે ભારતના હેલ્થ, કૃષિ અને ભાષા સપોર્ટ સહિત અન્ય ક્ષેત્રોમાં AIને વધુ ઉપયોગી બનાવવા અંગે ચર્ચા કરી.
પ્રેક્ટિકલ સહકાર અને ટેક પાર્ટનરશિપ પર પણ ખાસ ભાર મુકાયો
ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026માં માત્ર નીતિ અને પોલિસી અંગે ચર્ચા જ નહીં, પરંતુ પ્રેક્ટિકલ સહકાર અને ટેક પાર્ટનરશિપ પર પણ ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે. ભારત IT ક્ષેત્રમાં AIનો ઉપયોગ ઝડપથી વધારવા માટે કામ કરી રહ્યું છે, જેથી રોજગાર વધે, સ્કિલિંગને પ્રોત્સાહન મળે અને AI આધારિત પ્રોડક્ટ્સ વિકસિત થાય. PM મોદીએ આ દરમિયાન જણાવ્યું કે, AI દ્વારા ભારત પ્રતિભાશાળી યુવાનોને વૈશ્વિક પ્લેટફોર્મ પર તક આપવા ઇચ્છે છે.
Google I/O 2026ની તારીખોની પણ જાહેરાત
સુંદર પિચાઈની ભારત મુલાકાત માત્ર સમિટ સુધી મર્યાદિત નથી. Googleએ આ દરમિયાન Google I/O 2026ની તારીખોની પણ જાહેરાત કરી છે. Google I/O 19–20 મેના રોજ કેલિફોર્નિયામાં યોજાશે. આ જાહેરાત ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ દરમિયાન કરવામાં આવી. આથી એવો સંદેશ મળે છે કે, Google ભારતના AI ઇકોસિસ્ટમનો મહત્વપૂર્ણ ભાગ બનવા માંગે છે.
વૈશ્વિક AI સહકાર પર ખાસ ચર્ચા
PM મોદી અને સુંદર પિચાઈની મુલાકાત વૈશ્વિક AI સહકાર પર પણ કેન્દ્રિત રહી. બંનેએ ચર્ચા કરી કે, Google કેવી રીતે ભારતના ડેવલપર્સ, વિદ્યાર્થીઓ અને AI સ્ટાર્ટઅપ્સ સાથે મળીને કામ કરી શકે. ભારતમાં AI ટેકનોલોજીનો ઉપયોગ માત્ર મોટા મોડલ સુધી મર્યાદિત ન રહે, પરંતુ તેને સ્થાનિક જરૂરિયાતો અને સામાજિક પડકારોના ઉકેલ માટે પણ લાગુ કરવામાં આવે, તે મુદ્દો પણ આગળ આવ્યો. ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026માં અત્યાર સુધી વિશ્વભરના અગ્રણીઓ, ટેક કંપનીઓના CEO અને સરકારી પ્રતિનિધિઓ ભાગ લઈ ચૂક્યા છે. આ મોટી ઇવેન્ટ શનિવાર સુધી ચાલુ રહેશે.








