PM Modi Central Asia Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી ચાર દિવસના સેન્ટ્રલ એશિયા પ્રવાસે રવાના થયા છે. આ દરમિયાન તેઓ ઉઝબેકિસ્તાન અને કિર્ગિઝસ્તાનની મુલાકાત લેશે. પ્રવાસ દરમિયાન ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શાવકત મિર્ઝિયોયેવ સાથે દ્વિપક્ષીય બેઠક ઉપરાંત રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની સંભવિત મુલાકાત પર સમગ્ર વિશ્વની નજર રહેશે.
29 ઓગસ્ટે તાશ્કંદ પહોંચશે PM મોદી
પ્રવાસના પ્રથમ દિવસે PM મોદી ઉઝબેકિસ્તાનની રાજધાની તાશ્કંદ પહોંચશે. અહીં તેઓ યંગ ઉઝબેકિસ્તાન પાર્ક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ શાવકત મિર્ઝિયોયેવ દ્વારા તેમના સન્માનમાં આયોજિત રાત્રિભોજનમાં ભાગ લેશે. આ મુલાકાત દરમિયાન ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચાનો પ્રારંભ થશે.
30 ઓગસ્ટે દ્વિપક્ષીય બેઠક બાદ બિશ્કેક જવા રવાના
30 ઓગસ્ટે PM મોદી ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શાવકત મિર્ઝિયોયેવ સાથે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક કરશે. બંને નેતાઓ વેપાર, રોકાણ, ઊર્જા, શિક્ષણ, ટેક્નોલોજી સહિતના વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે ચર્ચા કરશે. PM મોદી શાસ્ત્રી મેમોરિયલ ખાતે શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરશે અને તાશ્કંદ સ્ટેટ યુનિવર્સિટીમાં આવેલા મહાત્મા ગાંધી સેન્ટરની મુલાકાત લેશે. ત્યારબાદ તેઓ કિર્ગિઝસ્તાનની રાજધાની બિશ્કેક માટે રવાના થશે.
31 ઓગસ્ટે SCO સમિટમાં પુતિન સાથે મુલાકાત
31 ઓગસ્ટે PM મોદી બિશ્કેકમાં યોજાનારી SCOની 26મી શિખર પરિષદમાં ભાગ લેશે. આ વર્ષે શાંઘાઈ સહયોગ સંગઠનની સ્થાપનાને 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. SCO સમિટમાં સુરક્ષા, આતંકવાદ, કનેક્ટિવિટી અને પ્રાદેશિક સહયોગ જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે. આ દરમિયાન PM મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે દ્વિપક્ષીય મુલાકાત પણ મહત્વપૂર્ણ બની શકે છે. બંને નેતાઓ ભારત-રશિયા સંબંધો તથા વિવિધ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરી શકે છે.
1 સપ્ટેમ્બરે જિનપિંગ સાથે મુલાકાત પર નજર
પ્રવાસના અંતિમ દિવસે પણ SCO સાથે જોડાયેલા કાર્યક્રમો ચાલુ રહેશે. આ દરમિયાન PM મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સહિત અન્ય નેતાઓ સાથે મુલાકાત કરી શકે છે. PM મોદી છઠ્ઠી વર્લ્ડ નોમેડ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહમાં પણ ભાગ લેશે. પરંપરાગત રમતગમત અને મધ્ય એશિયાની સંસ્કૃતિને વૈશ્વિક મંચ પર રજૂ કરતું આ મહત્વપૂર્ણ આયોજન છે.
શું છે SCO અને તેનું મહત્વ?
Shanghai Cooperation Organisation (SCO) એ એશિયાના દેશોનું પ્રાદેશિક સંગઠન છે. સુરક્ષા, આતંકવાદ વિરોધી સહયોગ, વેપાર, કનેક્ટિવિટી અને પ્રાદેશિક સહકાર જેવા મુદ્દાઓ પર સભ્ય દેશો સાથે મળીને કામ કરે છે. ભારત 2017થી SCOનું પૂર્ણ સભ્ય છે.
ભારત માટે કેમ મહત્વનો છે PM મોદીનો પ્રવાસ?
PM મોદીના આ પ્રવાસ દરમિયાન ભારત ઉઝબેકિસ્તાન સાથે વેપાર, રોકાણ, ઊર્જા, શિક્ષણ અને ટેક્નોલોજી ક્ષેત્રે સહયોગ વધારવા પર ભાર મૂકી શકે છે. સાથે જ SCOના મંચ પરથી ભારત સુરક્ષા અને કનેક્ટિવિટી અંગે પોતાની પ્રાથમિકતાઓ રજૂ કરશે. જો, કે આ પ્રવાસનું સૌથી મોટું આકર્ષણ પુતિન અને જિનપિંગ સાથે PM મોદીની મુલાકાત રહેશે. ભારતના રશિયા અને ચીન સાથેના સંબંધો તેમજ આગામી વૈશ્વિક મુદ્દાઓને જોતા આ બેઠકોને રાજદ્વારી રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.








