South China sea suspicion: દક્ષિણ ચીન સાગરમાં ચીન દ્વારા કરવામાં આવી રહેલા નવા બાંધકામને લઈને ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા શરૂ થઈ છે. 17 ઓગસ્ટ 2026ની સેટેલાઇટ તસવીરોમાં પેરાસેલ દ્વીપસમૂહના યાંગોંગ દ્વીપ પર ત્રણ નવા રહસ્યમય માળખાં જોવા મળ્યાં છે. સંરક્ષણ નિષ્ણાતોના મતે આ માળખાં રડાર સ્ટેશન અથવા સર્વેલન્સ સેન્ટર તરીકે ઉપયોગમાં આવી શકે છે. જોકે, ચીન દ્વારા આ માળખાંનો ચોક્કસ હેતુ શું છે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
માર્ચ-એપ્રિલથી બાંધકામ શરૂ થયાનો દાવો
યાંગોંગ દ્વીપ એન્ટિલોપ રીફથી આશરે 14 કિલોમીટર દૂર આવેલો છે. સેટેલાઇટ તસવીરોના વિશ્લેષણના આધારે નિષ્ણાતોનું માનવું છે કે અહીં બાંધકામની શરૂઆત માર્ચ અથવા એપ્રિલ 2026ની આસપાસ થઈ હતી. ઓપન-સોર્સ ઇન્ટેલિજન્સ ટ્રેકર ડેલિયન સાયમન અને સિંગાપોરના સુરક્ષા નિષ્ણાત કોલિન કોહે પણ તસવીરોના આધારે આ સ્થળ રડાર સ્ટેશન હોવાની શક્યતા વ્યક્ત કરી છે. જો અહીં અદ્યતન રડાર સિસ્ટમ સ્થાપિત કરવામાં આવે, તો ચીન આસપાસના દરિયાઈ વિસ્તાર અને હવાઈ ક્ષેત્રમાં થતી ગતિવિધિઓ પર નજર રાખવાની ક્ષમતા વધારી શકે છે.
એન્ટિલોપ રીફ પર પણ મોટા પાયે બાંધકામ
યાંગોંગ દ્વીપની નજીક આવેલા એન્ટિલોપ રીફ પર ચીન અગાઉથી જ મોટા પાયે બાંધકામ કરી ચૂક્યું છે. સેટેલાઇટ તસવીરોમાં અહીં આશરે 6 કિલોમીટર લાંબો કૃત્રિમ વિસ્તાર જોવા મળે છે, જેમાં 3 કિલોમીટરથી વધુ લાંબી સીધી કિનારી પણ છે. કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે ભવિષ્યમાં આ સીધા વિસ્તારનો ઉપયોગ એરસ્ટ્રિપ અથવા અન્ય સૈન્ય હેતુ માટે થઈ શકે છે. જોકે, ચીનનું સત્તાવાર વલણ અલગ છે અને તે આવા બાંધકામોને હવામાનની માહિતી મેળવવા તથા વૈજ્ઞાનિક સંશોધન સાથે જોડાયેલા ગણાવે છે.
દક્ષિણ ચીન સાગરમાં ચીનની વધતી હાજરી
દક્ષિણ ચીન સાગર વૈશ્વિક વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે અને તેના વિવિધ વિસ્તારો પર ચીન ઉપરાંત વિયેતનામ, ફિલિપાઇન્સ, મલેશિયા, તાઇવાન અને બ્રુનેઈ પણ દાવા કરે છે. પેરાસેલ દ્વીપસમૂહ પર 1974થી ચીનનો કબજો છે, જ્યારે વિયેતનામ પણ આ વિસ્તાર પર પોતાનો અધિકાર હોવાનો દાવો કરે છે. આવી સ્થિતિમાં યાંગોંગ દ્વીપ અને એન્ટિલોપ રીફ પર ચાલી રહેલા બાંધકામથી ચીનની વ્યૂહાત્મક અને લશ્કરી ક્ષમતામાં વધારો થવાની શક્યતાએ ફરી એકવાર દક્ષિણ ચીન સાગરના વિવાદને આંતરરાષ્ટ્રીય ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો છે.








