Philippines Flood Wedding: ફિલિપાઇન્સના હેગોની શહેરમાં એક કપલે ભારે પૂરની વચ્ચે ચર્ચમાં લગ્ન કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. શહેરમાં ભારે વરસાદને કારણે સેન્ટ જ્હોન ધ બેપ્ટિસ્ટ ચર્ચ લગભગ એક મહિનાથી પૂરના પાણીમાં ડૂબેલું હતું. પાદરીએ પણ કપલને લગ્ન મુલતવી રાખવાની સલાહ આપી હતી, પરંતુ ગિલ્બર્ટ ચિકો અને લિયાન લીઝા ગેલાંગે લગ્નનો નિર્ણય બદલ્યો નહીં. કમર સુધી ભરાયેલા પાણી વચ્ચે બંને ચર્ચ પહોંચ્યા અને એકબીજાને વીંટી પહેરાવી લગ્નના વચનો લીધા. લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આ અનોખા લગ્નની ભારે ચર્ચા થઈ રહી છે.
પાણીથી બચવા દુલ્હને ગાઉન ટૂંકું કરાવ્યું
લિયાન લીઝાએ પોતાના ખાસ દિવસ માટે સુંદર સફેદ ઓફ-શોલ્ડર ગાઉન પહેર્યું હતું. જોકે, પૂરના પાણીમાં ચાલવામાં મુશ્કેલી ન પડે તે માટે તેણે ગાઉનની નીચેથી લંબાઈ ઓછી કરાવી દીધી હતી. વરરાજા ગિલ્બર્ટ પણ સંપૂર્ણ સૂટમાં લગ્ન માટે પહોંચ્યો હતો. બંને કાદવ અને પાણીમાંથી પસાર થઈને ઊંચી ચેસિસવાળી રિક્ષામાં ચર્ચ સુધી પહોંચ્યા હતા.
વીજળી વગર યોજાયો લગ્ન સમારોહ
ચર્ચમાં કમર સુધી પાણી ભરાઈ જવાને કારણે વીજળીની વ્યવસ્થા પણ ઉપલબ્ધ નહોતી. તેથી લગ્ન સમારોહમાં સાઉન્ડ માટે પોર્ટેબલ સ્પીકરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પૂરની મુશ્કેલી વચ્ચે પણ સજાવટ કરનારાઓએ ખાલી બેન્ચો અને પ્લાસ્ટિકના ફૂલોની મદદથી ચર્ચમાં લગ્ન માટે સુંદર માહોલ તૈયાર કર્યો હતો. નાના પાયે યોજાયેલા આ સમારોહમાં 15થી ઓછા લોકો હાજર રહ્યા હતા.
કમર સુધી પાણીમાં ચાલીને બાળક વીંટી લઈને પહોંચ્યો
વાયરલ વીડિયોમાં લગ્નની વીંટી લઈને એક નાનો બાળક કમર સુધી ભરાયેલા પાણીમાંથી ચાલતો જોવા મળે છે. પાણીમાં બાળકનું આ રીતે વીંટી લઈને ચર્ચ સુધી પહોંચવું સોશિયલ મીડિયા યુઝર્સને કોઈ ફિલ્મના દૃશ્ય જેવું લાગી રહ્યું છે. આ દરમિયાન કપલ પણ પૂરના પાણી વચ્ચે લગ્નની વિધિ પૂર્ણ કરતું જોવા મળે છે.
ડિસેમ્બરમાં થવાના હતા લગ્ન, ઈજાને કારણે બદલાયો પ્લાન
ગિલ્બર્ટ મિડલ ઈસ્ટમાં રિગર તરીકે કામ કરે છે. બંનેના લગ્ન મૂળ ડિસેમ્બરમાં યોજાવાના હતા, પરંતુ બાસ્કેટબોલ રમતી વખતે ગિલ્બર્ટને પગમાં ઈજા થઈ હતી. ઈજાના કારણે તેમને રજા લઈને સમય કરતાં વહેલા ઘરે પરત ફરવું પડ્યું હતું. કામ પર પરત ફરતા પહેલાં મળેલા આ વધારાના સમયમાં બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. જોકે, આ દરમિયાન ભારે વરસાદ અને પૂરથી પરિસ્થિતિ મુશ્કેલ બની ગઈ હતી. તેમ છતાં કપલે લગ્ન મુલતવી રાખ્યા નહીં.
ફિલિપાઇન્સમાં ભારે વરસાદથી પૂર અને ભૂસ્ખલન
ઓગસ્ટ દરમિયાન ફિલિપાઇન્સના ઉત્તરીય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અચાનક પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ હતી. આ કુદરતી આફતમાં અનેક વિસ્તારો પ્રભાવિત થયા હતા અને 34 લોકોના મોત થયાના અહેવાલો સામે આવ્યા હતા. આવી મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે ગિલ્બર્ટ અને લિયાનના લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકો તેમના નિર્ણય અને હિંમતની ચર્ચા કરી રહ્યા છે.








