Eiffel Tower Staff Protest: ફ્રાન્સની રાજધાની પેરિસના પ્રસિદ્ધ એફિલ ટાવર ખાતે કર્મચારીઓના વિરોધને કારણે થોડા સમય માટે કામગીરી પ્રભાવિત થઈ હતી. આ વિરોધનું કારણ હિન્દુ ધાર્મિક સંગઠન BAPSના આશરે 100 લોકોના પ્રતિનિધિમંડળની ખાનગી મુલાકાત દરમિયાન મહિલા કર્મચારીઓને તેમના વર્કસ્ટેશન પરથી હટાવવામાં આવ્યા હોવાના આરોપો છે. આ ઘટનાને લઈને કર્મચારી સંગઠનોમાં રોષ જોવા મળ્યો છે અને હવે ફ્રાન્સના રાજકીય નેતાઓએ પણ મામલે પ્રતિક્રિયા આપી છે.
BAPSના પ્રતિનિધિમંડળના આગમન દરમિયાન મહિલા કર્મચારીઓને હટાવવાનો આરોપ
યુનિયનના પ્રતિનિધિઓના જણાવ્યા અનુસાર, BAPSના સંતો અને પ્રતિનિધિમંડળના સભ્યો એફિલ ટાવર પરિસરમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કેટલીક મહિલા કર્મચારીઓને તેમના કામના સ્થળેથી હટી જવા માટે કહેવામાં આવ્યું હતું. આરોપ મુજબ, તેમની જગ્યાએ પુરુષ કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી હતી. યુનિયનના પ્રતિનિધિ ડિયાન ડેવોઇને આક્ષેપ કર્યો હતો કે પ્રતિનિધિમંડળની અવરજવર દરમિયાન મહિલા કર્મચારીઓને તેમના વર્કસ્ટેશન છોડવાની સૂચના આપવામાં આવી હતી. આ મુદ્દે કર્મચારીઓમાં અસંતોષ વધ્યો અને સપ્તાહના અંતે સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો હતો.
કર્મચારીઓની બેઠકને કારણે એફિલ ટાવર મોડો ખુલ્યો
આ ઘટનાના વિરોધમાં કર્મચારીઓએ સોમવારે સવારે બેઠક યોજવાનો નિર્ણય કર્યો હતો. કર્મચારીઓની આ બેઠકને કારણે એફિલ ટાવરની કામગીરી સામાન્ય સમય કરતાં મોડેથી શરૂ થઈ હતી. ટાવરના ગેટ પર મુલાકાતીઓને જાણ કરવા માટે ઓપરેશનલ કારણોસર ખુલવામાં વિલંબ થતો હોવાનું બોર્ડ પણ લગાવવામાં આવ્યું હતું. યુનિયન પ્રતિનિધિના જણાવ્યા અનુસાર, આ મામલે એફિલ ટાવરના મેનેજમેન્ટે કર્મચારીઓની માફી માંગી હતી.
BAPSએ કહ્યું- કોઈને અસુવિધા થઈ હોય તો માફી
બીજી તરફ, BAPS દ્વારા સમગ્ર મામલે સ્પષ્ટતા કરવામાં આવી છે. સંગઠનના જણાવ્યા મુજબ, ખાનગી મુલાકાતનું આયોજન એફિલ ટાવર મેનેજમેન્ટ સાથે સંકલન કરીને કરવામાં આવ્યું હતું, જેથી સામાન્ય પ્રવાસીઓને કોઈ અસુવિધા ન થાય અને મુલાકાતીઓની અવરજવર પણ સામાન્ય રીતે ચાલુ રહે. BAPSએ જણાવ્યું હતું કે મુલાકાત દરમિયાન અન્ય પ્રવાસીઓને પ્રવેશ નકારવામાં આવ્યો હોવાની કોઈ ઘટના તેમના ધ્યાનમાં આવી નથી. તેમ છતાં, આ પરિસ્થિતિને કારણે કોઈને દુઃખ થયું હોય અથવા અસુવિધા થઈ હોય તો સંગઠને માફી માગી છે. સાથે જ BAPSએ પરસ્પર આદર અને સેવાના સિદ્ધાંતો પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. એફિલ ટાવરનું સંચાલન કરતી કંપની SETE તરફથી પણ આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી છે. કંપનીના જણાવ્યા અનુસાર, BAPS તરફથી એવી વિનંતી કરવામાં આવી હતી કે મુલાકાત દરમિયાન મહિલાઓ સાથેની ક્રિયાપ્રતિક્રિયા મર્યાદિત રહે. આ દાવાને કારણે હવે મુખ્ય સવાલ એ ઊભો થયો છે કે ખાનગી ધાર્મિક અથવા સાંસ્કૃતિક પ્રતિનિધિમંડળની માંગણીઓ પૂરી કરતી વખતે કાર્યસ્થળ પર લિંગ સમાનતાના નિયમો અને કર્મચારીઓના અધિકારોનું કેટલું પાલન કરવામાં આવ્યું હતું.
પેરિસના મેયરે તપાસના આદેશ આપ્યા
આ વિવાદ હવે રાજકીય સ્તરે પણ પહોંચી ગયો છે. પેરિસના મેયર ઇમેન્યુઅલ ગ્રેગોઇરે એફિલ ટાવર ખાતે થયેલા વિરોધ પાછળના આરોપોની તપાસના આદેશ આપ્યા છે. તેમણે કર્મચારીઓ દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓને યોગ્ય ગણાવી હતી અને જણાવ્યું હતું કે લિંગના ભેદભાવ વિના દરેક વ્યક્તિને કામ કરવાની અને જાહેર સ્થળે મુક્તપણે અવરજવર કરવાની સમાન તક મળવી જોઈએ. પેરિસના આઇકોનિક સ્થળો સહિત જાહેર જીવનમાં મહિલા-પુરુષ સમાનતા જળવાઈ રહેવી જોઈએ તેવો પણ તેમણે ભાર મૂક્યો હતો. ફ્રાન્સની નેશનલ એસેમ્બલીના પ્રમુખ યાએલ બ્રૉન-પિવેટે પણ આ ઘટનાને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે વિદેશી મુલાકાતીઓની માંગણીઓને પૂરી કરવા માટે મહિલાઓને એક તરફ ખસી જવા કહેવામાં આવે તે સ્વીકારી શકાય નહીં. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે અન્ય દેશો અથવા સંસ્થાઓનું સ્વાગત કરવાનો અર્થ પોતાના દેશના મૂળભૂત મૂલ્યો સાથે સમાધાન કરવાનો નથી. ફ્રાન્સમાં જાહેર જીવનમાં મહિલાઓની સંપૂર્ણ ભાગીદારી છે અને કોઈને તેમને અદૃશ્ય થઈ જવા માટે કહેવાનો અધિકાર નથી.
BAPSના ફ્રાન્સમાં પ્રથમ મોટા હિન્દુ મંદિરના ઉદ્ઘાટન બાદ વિવાદ
આ સમગ્ર ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે BAPS દ્વારા પેરિસ નજીક ફ્રાન્સમાં તેના પ્રથમ મોટા હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયા હતા. હવે એફિલ ટાવર ખાતે મહિલા કર્મચારીઓને લઈને થયેલા આક્ષેપો બાદ ફ્રાન્સમાં કાર્યસ્થળ પર લિંગ સમાનતા, ધાર્મિક પ્રતિનિધિમંડળોની મુલાકાત અને સ્થાનિક નિયમોના પાલનને લઈને ચર્ચા તેજ બની છે. સમગ્ર મામલે તપાસ બાદ જ ઘટનાક્રમની હકીકત અને જવાબદારી અંગે વધુ સ્પષ્ટતા થઈ શકશે.








