France Protests:ફ્રાન્સમાં માધ્યમિક શાળાઓ (લિસી)ની જર્જરિત સ્થિતિ, શિક્ષકોની અછત અને સતત વધી રહેલી મોંઘવારી સામે વિરોધ દર્શાવી રહેલા નાગરિકોનો આક્રોશ હવે બેકાબૂ બન્યો છે. જે વિરોધ પ્રદર્શનની શરૂઆત શાળાઓના સુધારા માટે થઈ હતી, તેણે શનિવારે અચાનક સમગ્ર દેશમાં અત્યંત હિંસક વળાંક લઈ લીધો. ફ્રાન્સના વિવિધ શહેરોમાં અંદાજે 5.5 લાખથી વધુ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. શાંતિપૂર્ણ રીતે શરૂ થયેલા આ વિરોધ પ્રદર્શને સાંજ પડતાં સુધીમાં ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે પાટનગર પેરિસ સહિત દેશના અનેક ભાગોમાં ભારે અરાજકતાનો માહોલ સર્જાયો હતો.
પેરિસના મુખ્ય વિસ્તારોમાં આગચંપી અને તોડફોડ: 1500 દુકાનોમાં લૂંટફાટ
રાજધાની પેરિસના પ્રસિદ્ધ 'પ્લાસ દ લા રિપબ્લિક' જેવા મુખ્ય વિસ્તારોમાં તોફાનીઓએ ભારે વિનાશ વેર્યો હતો. ઉશ્કેરાયેલા ટોળાંઓએ વાહનોને સળગાવી દીધા હતા અને રસ્તાઓ પર ઠેર-ઠેર આગ લગાવી દીધી હતી. જોતજોતામાં હિંસક ટોળાંએ કપડાં, ઇલેક્ટ્રોનિક્સ અને ખાદ્યપદાર્થોની અંદાજે 1500 જેટલી દુકાનોમાં તોડફોડ કરી લૂંટફાટ મચાવી હતી. કેટલાક વિસ્તારોમાં રેસ્ટોરન્ટ્સને પણ આગને હવાલે કરી દેવામાં આવી હતી. સ્થિતિ પર કાબૂ મેળવવા માટે કટોકટી જેવી સ્થિતિ વચ્ચે તોફાન વિરોધી પોલીસે લાઠીચાર્જ, ટીયર ગેસ અને વોટર કેનનનો ઉપયોગ કરવો પડ્યો હતો.
ઐતિહાસિક ઈમારતો પર હુમલા અને ઈમરજન્સી સેવાઓમાં અવરોધ
હિંસાની આ જ્વાળા માત્ર પેરિસ સુધી સીમિત ન રહેતાં દેશના અન્ય મોટા શહેરોમાં પણ ફેલાઈ ગઈ હતી. લિયોન શહેરમાં ઉપદ્રવીઓએ ઐતિહાસિક ટુરિઝમ ઓફિસની ઈમારતમાં આગ ચાંપી દીધી હતી, જે ઘટનાને લિયોનના મેયરે શહેર માટે અત્યંત દુઃખદ દુર્ઘટના ગણાવી હતી. આ સિવાય તોફાનીઓએ ફાયર બ્રિગેડના જવાનોને પણ આગ બુઝાવતા અટકાવ્યા હતા. લિમોજ શહેરમાં ટાઉન હોલમાં ભીષણ આગ લગાડવામાં આવી હતી, જેના કારણે ઐતિહાસિક ઈમારતની છતનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો. જ્યારે સેન્ટ-એટિયેનમાં ગ્રેનેડ બ્લાસ્ટ થતાં એક યુવકનો હાથ કપાઈ ગયો હતો અને લિલ શહેરમાં એપલ સ્ટોરમાં ઘૂસીને તોફાનીઓએ મોટી લૂંટ ચલાવી હતી.
વિદ્યાર્થીઓની માંગ સાથે જોડાયા ટ્રેડ યુનિયનો અને 'યેલો વેસ્ટ' આંદોલનકારીઓ
આ સમગ્ર વિવાદની પાછળનું મુખ્ય કારણ ફ્રાન્સની માધ્યમિક શાળાઓની કથળતી સ્થિતિ છે. 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓ જર્જરિત ઈમારતો અને શિક્ષકોની ભારે અછત સામે અઠવાડિયાઓથી પ્રદર્શન કરી રહ્યા હતા. શિક્ષણ મંત્રીએ સ્થિતિ સંભાળવા માટે 3,000 નવા શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી હતી, પરંતુ નાગરિકોનો ગુસ્સો શાંત થયો ન હતો. સમય જતાં આ વિદ્યાર્થી આંદોલનમાં દેશના મોટા ટ્રેડ યુનિયનો અને વર્ષ 2018માં મોંઘવારી સામે અવાજ ઉઠાવનાર જાણીતું 'યેલો વેસ્ટ' (Yellow Vest) આંદોલન પણ જોડાઈ જતાં વિરોધ વધુ ઉગ્ર બન્યો હતો.
1000થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ, 1200 તોફાનીઓની ધરપકડ
ફ્રાન્સના વડાપ્રધાન સેબાસ્તિયેન લેકોર્નુએ જણાવ્યું હતું કે, આ હિંસક અથડામણમાં 1,000 થી વધુ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે, જ્યારે સરકારી સુરક્ષા દળોએ અત્યાર સુધીમાં 1,200 થી વધુ તોફાનીઓની ધરપકડ કરી છે. સુરક્ષા દળો પર પથ્થરમારો અને વિસ્ફોટક સામગ્રીથી હુમલા કરવામાં આવ્યા હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે ઉપદ્રવ મચાવનારાઓ સામે કોઈપણ પ્રકારની દયા દાખવવામાં આવશે નહીં.
રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન સરકાર સામે મોટું રાજકીય સંકટ
આ હિંસક ઘટનાઓએ રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોનની સરકાર સામે ગંભીર રાજકીય સંકટ ઊભું કર્યું છે. આગાઉથી જ આર્થિક અને સામાજિક પડકારોનો સામનો કરી રહેલા ફ્રાન્સમાં આગામી પ્રમુખપદની ચૂંટણીઓ પૂર્વે રાજકીય વાતાવરણ ગરમાયું છે. પ્રમુખ મેક્રોને કડક શબ્દોમાં ચેતવણી આપતાં કહ્યું છે કે સરકારી મિલકતોને નુકસાન પહોંચાડનારા અને લૂંટફાટ કરનારા અસામાજિક તત્વો સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ, વડાપ્રધાને આરોપ લગાવ્યો છે કે દેશમાં સ્થિતિ વણસાવવા માટે કેટલાક રાજકીય જૂથો ચૂંટણી પહેલા પોતાના સ્વાર્થ માટે આ આંદોલનનો દુરુપયોગ કરી રહ્યા છે.








