Pakistan Sindh Division Protest Karachi: પાકિસ્તાનમાં નવા પ્રાંતો બનાવવાની દરખાસ્તને લઈને રાજકીય તણાવ વધી રહ્યો છે. સિંધ પ્રાંતના ભાગલા પાડવાની યોજનાના વિરોધમાં કરાચીમાં હજારો સિંધ રાષ્ટ્રવાદીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. પ્રદર્શનકારીઓએ આર્મી ચીફ આસિમ મુનીર અને પંજાબ-કેન્દ્રિત સત્તા વ્યવસ્થા સામે નારાજગી વ્યક્ત કરી હતી. આ દરમિયાન 'સિંધુદેશ' નામના અલગ સ્વતંત્ર દેશની માંગ સાથે નારા લગાવવામાં આવ્યા હતા. સિંધના રાષ્ટ્રવાદી સંગઠનોએ પંજાબના આર્થિક બહિષ્કારની ચીમકી પણ આપી છે.
પરંપરાગત પહેરવેશમાં હજારો લોકોનું પ્રદર્શન
કરાચીમાં યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં હજારો લોકો રંગબેરંગી બસોમાં સવાર થઈને પહોંચ્યા હતા. તેમણે પરંપરાગત સિંધિ અજ્રક અને ટોપીઓ પહેરીને સિંધના ભાગલા પાડવાની કોઈપણ યોજનાનો વિરોધ કર્યો હતો. પ્રદર્શનકારીઓએ ચેતવણી આપી હતી કે સિંધની અખંડિતતા સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં. કરાચી ઉપરાંત હૈદરાબાદ, નવાબશાહ, લરકાણા સહિતના શહેરોમાં પણ વિરોધ પ્રદર્શનો યોજાયાં હતાં.
પાકિસ્તાનમાં 12થી 15 નવા પ્રાંતો બનાવવાની ચર્ચા
પાકિસ્તાનમાં નાના વહીવટી એકમો અને નવા પ્રાંતો બનાવવાની ચર્ચા ગૃહમંત્રી મોહસિન નકવીએ શરૂ કરી હતી. તેમણે આ મુદ્દે જનમત સંગ્રહની શક્યતા પણ વ્યક્ત કરી હતી. પાકિસ્તાનના આયોજન મંત્રી અહસાન ઇકબાલે હાલના ચાર પ્રાંતોની સંખ્યા વધારીને 12થી 15 કરવાની ચર્ચા કરી છે. બીજી તરફ, સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે 22 નવેમ્બરે જણાવ્યું હતું કે જનમત સંગ્રહ અંગેની ચર્ચા 2026ના અંત સુધીમાં નક્કર સ્વરૂપ લઈ શકે છે. આ દરખાસ્તનો પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના પ્રમુખ બિલાવલ ભુટ્ટો-ઝરદારીએ પણ વિરોધ કર્યો છે. તેમણે સિંધના ભાગલા પાડવાના કોઈપણ પ્રયાસ સામે ફેડરલ સરકારને ચેતવણી આપી હતી. બિલાવલે કહ્યું હતું કે આવો પ્રયાસ કરવામાં આવશે તો લોકો હથિયાર ઉઠાવી શકે છે અને કરાચી તથા હૈદરાબાદમાં હિંસા ફાટી નીકળી શકે છે.
આસિમ મુનીર અને પંજાબી સત્તા તંત્ર પર ગંભીર આરોપ
સિંધના રાષ્ટ્રવાદી સંગઠનોનો આરોપ છે કે આસિમ મુનીર અને પંજાબના પ્રભુત્વવાળી સત્તા વ્યવસ્થા સિંધની જમીન, કુદરતી સંસાધનો અને રાજકીય સત્તા પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. રાષ્ટ્રવાદી સંગઠન JSMMએ પંજાબના આર્થિક બહિષ્કારની જાહેરાત કરી છે. સંગઠનના નેતાઓએ સિંધના ભાગલા સામેના અભિયાનને સિંધુદેશની સંપૂર્ણ સ્વતંત્રતાની ચળવળમાં ફેરવવાની વાત પણ કરી છે. સિંધુદેશનો વિચાર એટલે સિંધના લોકો માટે અલગ અને સ્વતંત્ર દેશની રચના. આ વિચારધારાને 1971માં બાંગ્લાદેશની રચના બાદ રાષ્ટ્રવાદી નેતા જી.એમ. સૈયદે આગળ વધારી હતી.
29 નવેમ્બરે કરાચીમાં ફરી શક્તિ પ્રદર્શનની તૈયારી
સિંધના ભાગલા સામે અત્યાર સુધી મોટાભાગનાં વિરોધ પ્રદર્શનો શાંતિપૂર્ણ રહ્યાં છે, પરંતુ આગામી દિવસોમાં તણાવ વધવાની આશંકા છે. 29 નવેમ્બરે કરાચીમાં સિંધના રાષ્ટ્રવાદીઓ મોટી રેલી યોજવાના છે. બીજી તરફ, નવા પ્રાંતો બનાવવાના સમર્થનમાં MQM-P પણ રેલી યોજવાની તૈયારી કરી રહી છે. બંને જૂથો એક જ દિવસે રસ્તા પર ઉતરવાની શક્યતાને કારણે કરાચીમાં સામસામે ટકરાવ અને અથડામણની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.








