India may strike on Pakistan: પાકિસ્તાનમાં આતંકવાદને લઈને આંતરિક રાજકીય ખેંચતાણ નવા વળાંકો લઈ રહી છે. દેશમાં વધતા આતંકી હુમલાઓ વચ્ચે સરકાર અને રાજ્ય સ્તરે નેતાઓ વચ્ચે આરોપ-પ્રત્યારોપની રાજનીતિ તેજ બની છે. એક બાજુ કેન્દ્ર સરકારના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફ ભારત અને અફઘાનિસ્તાનને હુમલાઓ માટે જવાબદાર ગણાવે છે, જયારે બીજી તરફ ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી સોહેલ આફ્રિદી પોતાની જ કેન્દ્ર સરકાર પર "બનાવટી આતંકવાદનું નાટક રચવા'નો ગંભીર આક્ષેપ કરી રાજકીય ચર્ચાઓ ગરમાવી દીધી છે.
ભારત અને અફઘાનિસ્તાન તરફ આંગળી
એક ખાનગી સમાચાર ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે ભારતના સેના પ્રમુખના તાજેતરના નિવેદનનો ઉલ્લેખ કરતાં ચિંતા વ્યક્ત કરી હતી. તેમના જણાવ્યા મુજબ, ભારત "ફરી એકવાર પાકિસ્તાનની જમીન પર ‘ઓપરેશન સિંદૂર’ જેવી કાર્યવાહી કરી શકે છે.' આસિફે કહ્યું, "ભારતના આર્મી ચીફે જે કહ્યું છે તેને નકારવું મુશ્કેલ છે. પાકિસ્તાનને એ હકીકત સ્વીકારવી પડશે કે, જરૂર પડે તો ભારત સરહદ પાર સ્ટ્રાઇક કરી શકે છે.' કેન્દ્ર સરકારના મંત્રી અહીં અટક્યા નહીં. તેમણે અફઘાનિસ્તાન પર પણ તીખી ટીકાઓ કરી અને કહ્યું કે 'કાબુલ હવે આતંકવાદીઓ માટે સુરક્ષિત ઠેકાણું બની ગયું છે.' આસિફે આરોપ મૂક્યો કે અફઘાનિસ્તાનમાંથી થઈ રહેલા ઘૂસણખોરી હુમલાઓમાં ભારતની પણ પરોક્ષ ભૂમિકા હોય શકે છે. તેમના આ નિવેદનોથી આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાઓ તેજ થઈ છે, ખાસ કરીને ત્યારે જ્યારે પાકિસ્તાનની આંતરિક સુરક્ષા પહેલાથી જ પડકારોનો સામનો કરી રહી છે.
સુબેદારનો ચોંકાવનારો આરોપ
આ વચ્ચે, ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી સોહેલ આફ્રિદીએ તો પાકિસ્તાનની પોતાની જ સરકાર અને સુરક્ષા સંસ્થાઓ સામે સનસનાટીભર્યા દાવા કર્યા છે. તાજેતરના એક જાહેર મંચ પર બોલતાં તેમણે કહ્યું કે "કેન્દ્ર સરકાર કેટલાક વિસ્તારોમાં ખોટા આતંકી હુમલાઓનું નાટક રચે છે, જેથી રાજકીય હિતસાધન કરી શકાય.' આફ્રિદીના આ નિવેદનોને કારણે માત્ર કેન્દ્ર-રાજ્ય સંબંધોમાં જ તણાવ વધ્યો નથી, પરંતુ પાકિસ્તાનની સુરક્ષા વ્યવસ્થાની વિશ્વસનીયતા અંગે પણ પ્રશ્નો ઉઠ્યા છે. ખૈબર પખ્તુનખ્વા એ વિસ્તાર છે જ્યાં છેલ્લા કેટલાંક વર્ષોથી તહેરેક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) અને અન્ય આતંકી સંગઠનોની પ્રવૃત્તિઓ સૌથી વધુ જોવા મળી છે. આવા સંદર્ભમાં મુખ્યમંત્રીએ કરેલા આક્ષેપો રાજકીય રીતે અત્યંત ભારે માનવામાં આવી રહ્યા છે.
રાજકીય અને સુરક્ષા વાતાવરણમાં ઉલથલપાથલ
પાકિસ્તાન પહેલાથી જ આર્થિક સંકટ, રાજકીય અસ્થિરતા અને વધતી બળવાખોરીનો સામનો કરી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં નેતાઓના પરસ્પર વિરોધાભાસી નિવેદનો દેશની આંતરિક એકતા અને સુરક્ષા નીતિ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. નિષ્ણાતો માનતા છે કે આતંકવાદ સામે એકજૂટ સ્ટ્રેટેજીની જરૂર છે, પરંતુ હાલની રાજકીય ટકરાર પરિસ્થિતિને વધુ જટિલ બનાવી રહી છે.
આગળના રસ્તા પર પ્રશ્નચિહ્ન
કેન્દ્ર સરકાર ભારત અને અફઘાનિસ્તાનને જવાબદાર ગણાવી રહી છે તો રાજ્ય સરકાર પોતાની જ ફેડરલ એજન્સીઓ પર શંકા કરી રહી છે, આવી પરસ્પર વિરોધી સ્થિતિમાં પાકિસ્તાનની સુરક્ષા નીતિ કેટલી અસરકારક રહેશે, તે બાબતે આંતરિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે શંકાઓ વધતી દેખાય છે. આ આરોપ-પ્રત્યારોપ વચ્ચે મૂળ પ્રશ્ન એ છે કે વધતા હુમલાઓથી પીડાતી સામાન્ય જનતા સુરક્ષા અને સ્થિરતાની રાહ ક્યારે જોવા મળશે.








