Indian origin girl and her friend die: ન્યૂયોર્કના લોઅર મેનહટનમાં બનેલી એક દુઃખદ ઘટનામાં ભારતીય મૂળની યુવતી અને તેના નેપાળી-અમેરિકન મિત્રનું સબવે ટ્રેનની અડફેટે આવતાં મોત થયું છે. સ્થાનિક અહેવાલો અનુસાર, ન્યૂ જર્સીના ડેટનની રહેવાસી મલાઈકા ચિત્રે અને સેરેવિલેના રહેવાસી નવમ કૌલ સ્પ્રિંગ સ્ટ્રીટ સબવે સ્ટેશન ખાતે પાટા પર હતા. બંને દક્ષિણ તરફ જઈ રહેલી નંબર 4 ટ્રેનની અડફેટે આવ્યા હતા અને પોલીસે ઘટનાસ્થળે જ તેમને મૃત જાહેર કર્યા હતા.
ચિત્રેને પાટા પર બેઠેલી જોઈ હતી અને તેણે કૌલને પોતાની તરફ ખેંચ્યો
અહેવાલ મુજબ, આ ઘટના લગભગ બપોરે 3:15 વાગ્યે બની હતી. ટ્રેન ઓપરેટરે તપાસકર્તાઓને જણાવ્યું હતું કે તેણે ચિત્રેને પાટા પર બેઠેલી જોઈ હતી અને તેણે કૌલને પોતાની તરફ ખેંચ્યો હતો. એક વ્યક્તિ પાટા પર પડી ગઈ કે નીચે ઉતરી ગઈ હોવાની શક્યતા વચ્ચે બીજી વ્યક્તિ પણ તેની મદદ માટે પાટા પર ગઈ હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. ઓપરેટરે બંનેને જોઈને ઇમરજન્સી બ્રેક લગાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટ્રેન સમયસર રોકાઈ શકી નહોતી.
તપાસકર્તાઓને કોઈ સુસાઇડ નોટ મળી
ઘટના બાદ ન્યૂયોર્ક પોલીસ વિભાગે તપાસ શરૂ કરી છે. બંને યુવકો પાટા પર શા માટે ગયા હતા અને તે સમયે તેઓ કોઈ નશાની સ્થિતિમાં હતા કે કેમ તે સહિતના વિવિધ પાસાંની તપાસ કરવામાં આવી રહી છે. તપાસકર્તાઓને કોઈ સુસાઇડ નોટ મળી નથી, જોકે આત્મહત્યાની શક્યતાને પણ હાલ સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવી નથી. LinkedInની માહિતી મુજબ, મલાઈકા ચિત્રે એકેડિયા ફાર્માસ્યુટિકલ્સમાં ઓપરેશન્સ સ્પેશિયાલિસ્ટ તરીકે અને નવમ કૌલ બ્લૂમબર્ગમાં ફાઇનાન્શિયલ ડેટા એનાલિસ્ટ તરીકે કામ કરતા હતા. બંને રટગર્સ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હતા.
મિત્રો સાથે સતત જોડાયેલો રહેતો હતો
આ કરુણ ઘટનાથી બંનેના મિત્રો અને પરિચિતોમાં ભારે આઘાત ફેલાયો છે. કૌલને ઓળખતા લોકોના જણાવ્યા મુજબ તે મળતાવડો અને મૈત્રીપૂર્ણ સ્વભાવનો હતો અને દક્ષિણ એશિયન સમુદાયના મિત્રો સાથે સતત જોડાયેલો રહેતો હતો. તેમના એક પરિચિતના જણાવ્યા મુજબ, બંને મિત્રોના સમાન ગ્રુપનો ભાગ હતા અને સાથે મળીને તહેવારો પણ ઉજવતા હતા. ઘટનાને લઈને પોલીસની તપાસ હજુ ચાલુ છે અને બંને સબવે પાટા પર કેવી રીતે પહોંચ્યા તેની હકીકત તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.








