Anti Drug Activist Parvinder Jhota: પંજાબના માનસા જિલ્લામાંથી સોમવારે સવારે એક ચોંકાવનારી અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. રાજ્યમાં નશાના દૂષણ સામે સતત અવાજ ઉઠાવનારા જાણીતા એન્ટિ-ડ્રગ એક્ટિવિસ્ટ પરવિન્દર સિંહ ઝોટાની જાહેરમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ સમગ્ર સનસનાટીભરી ઘટના સોશિયલ મીડિયા પર લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે તંગદિલી વ્યાપી ગઈ છે અને સિવિલ હોસ્પિટલ બહાર લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા છે.
ગેરકાયદે દવા વેચવાના આક્ષેપ બાદ દુકાનદારે બંદૂક છોડી
મળતી માહિતી મુજબ, પરવિન્દર ઝોટા પોતાના કેટલાક સાથીદારો સાથે માનસા સ્થિત એક મેડિકલ સ્ટોર પર ગયા હતા. તેઓ ફેસબુક લાઈવ કરીને એક વૃદ્ધ વ્યક્તિની હાજરીમાં દુકાનદાર અશ્વિની કુમાર પર ગેરકાયદેસર નશીલી દવાઓ અને પ્રતિબંધિત કેપ્સ્યુલ્સ વેચવાનો આક્ષેપ કરી રહ્યા હતા. ઝોટાએ કેમિસ્ટ સામે કાયદેસરની પોલીસ કાર્યવાહી કરવાની વાત કરી હતી. આ દરમિયાન બંને વચ્ચે તીખી બોલાચાલી થઈ હતી. વિવાદ એટલો વધી ગયો કે આવેશમાં આવેલા મેડિકલ સ્ટોરના માલિકે પોતાની પિસ્તોલ કાઢીને ઝોટા પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો.
ઝોટાનું ઘટનાસ્થળે જ નિપજ્યું મોત, સાથીદારો પણ ઈજાગ્રસ્ત
આ ભયાનક ફાયરિંગમાં ઝોટાને પેટ અને જાંઘના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક માનસા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હતો. આ ગોળીબારમાં તેમની સાથે આવેલા અન્ય સાથીદારો પણ ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી કેમિસ્ટ દુકાન બંધ કરીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
ડ્રગ્સ વિરોધી લડાઈ અને સીબીઆઈ તપાસની માંગ
પરવિન્દર ઝોટા માનસા અને આસપાસના વિસ્તારોમાં ડ્રગ્સ તથા ગેરકાયદે નશીલી દવાઓના વેચાણ સામે લાંબા સમયથી સક્રિય ઝુંબેશ ચલાવી રહ્યા હતા. તેઓ અવારનવાર નશાનો વેપાર કરતા લોકોનો વિડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાઈરલ કરતા હતા. હત્યાના થોડા દિવસો પહેલા જ તેમણે સોશિયલ મીડિયા પર એક વિડિયો પોસ્ટ કરીને માનસામાં ખુલ્લેઆમ ચાલી રહેલા ડ્રગ્સના કાળા કારોબાર સામે સીબીઆઈ (CBI) તપાસની માંગ કરી હતી.
કાયદો અને વ્યવસ્થા પર ઉઠ્યા સવાલ
આ ઘટનાને પગલે પંજાબનું રાજકારણ ગરમાયું છે. વિપક્ષી પક્ષો કોંગ્રેસ અને શિરોમણી અકાલી દલે (SAD) ભગવંત માનના નેતૃત્વ હેઠળની આમ આદમી પાર્ટી (AAP) સરકારને કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળતા મુદ્દે ઘેરી છે. કોંગ્રેસ નેતા અમરિન્દર સિંહ રાજા વડિંગે જણાવ્યું કે ડ્રગ્સ સામે નિડરતાથી લડનારા ઝોટાને સરકારે સુરક્ષા આપી ન હતી. જ્યારે અકાલી દલના વડા સુખબીર સિંહ બાદલ અને બિક્રમ સિંહ મજીથિયાએ 'યુધ નશેઆં વિરુદ્ધ' અભિયાનને માત્ર દેખાડો ગણાવી રાજ્યમાં 'જંગલરાજ' હોવાનો આરોપ લગાવ્યો છે.








