New Zealand Parliament Approves India FTA: ભારત અને ન્યૂઝીલેન્ડના આર્થિક તથા વ્યૂહાત્મક સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. ન્યૂઝીલેન્ડની સંસદે બુધવારે ભારત સાથેના ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ (FTA)ને લાગુ કરવા માટેના કાયદાને બહુમતીથી મંજૂરી આપી દીધી છે. આ કરારથી બંને દેશો વચ્ચે વેપાર સરળ બનશે અને ભારતીય નિકાસકારોને પણ મોટો લાભ મળી શકે છે.
ભારતીય ઉત્પાદનોને ન્યૂઝીલેન્ડમાં ડ્યુટી-ફ્રી એન્ટ્રી
સંસદમાં બિલના સમર્થનમાં 93 મત પડ્યા હતા, જ્યારે 29 સાંસદોએ તેનો વિરોધ કર્યો હતો. મુખ્ય વિપક્ષી દળ લેબર પાર્ટીએ પણ ભારત સાથેના વેપાર સંબંધોને મજબૂત બનાવવાના હેતુથી બિલનું સમર્થન કર્યું હતું. આ કરાર હેઠળ ન્યૂઝીલેન્ડથી ભારત આવતી આશરે 95 ટકા નિકાસ પર લાગતો ટેક્સ કાં તો સંપૂર્ણપણે દૂર કરવામાં આવશે અથવા તેમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવશે. એગ્રિમેન્ટ અમલમાં આવ્યા બાદ અડધાથી વધુ ઉત્પાદનો પરની કસ્ટમ ડ્યુટી તાત્કાલિક શૂન્ય થઈ જશે.
આગામી 15 વર્ષમાં ભારતમાં 20 અબજ ડૉલરનું રોકાણ
ન્યૂઝીલેન્ડના ટ્રેડ મિનિસ્ટર ટોડ મૅક્લેએ આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી હતી. તેમના જણાવ્યા અનુસાર, FTA આ જ વર્ષથી અમલમાં આવી જશે. કરાર હેઠળ ન્યૂઝીલેન્ડે આગામી 15 વર્ષમાં ભારતમાં 20 અબજ અમેરિકન ડૉલરનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. બંને દેશોએ આ વર્ષે એપ્રિલમાં FTA પર હસ્તાક્ષર કર્યા હતા. જૂન 2026 સુધીના આંકડા મુજબ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 3.99 અબજ ન્યૂઝીલેન્ડ ડૉલર સુધી પહોંચી ગયો હતો. નવા વેપાર કરારથી બંને દેશો વચ્ચે નિકાસ, આયાત અને રોકાણમાં વધુ વધારો થવાની અપેક્ષા છે.








