New World Map: સદીઓથી દુનિયાભરની શાળાઓ અને પુસ્તકોમાં જોવા મળતો મર્કેટર વિશ્વ નકશો દેશો અને ખંડોના વાસ્તવિક કદને યોગ્ય રીતે દર્શાવતો નથી. તેનું સૌથી મોટું ઉદાહરણ આફ્રિકા અને ગ્રીનલેન્ડ છે. સામાન્ય મર્કેટર નકશામાં બંને લગભગ સમાન કદના દેખાય છે, પરંતુ વાસ્તવમાં આફ્રિકા આશરે 30.37 મિલિયન ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે, જ્યારે ગ્રીનલેન્ડનો વિસ્તાર લગભગ 2.166 મિલિયન ચોરસ કિલોમીટર છે. એટલે આફ્રિકા ગ્રીનલેન્ડ કરતાં લગભગ 14 ગણું મોટું છે. આફ્રિકા એટલું વિશાળ છે કે તેમાં અમેરિકા, ચીન, ભારત, જાપાન, મેક્સિકો અને પશ્ચિમ યુરોપના મોટા ભાગને સમાવી શકાય છે અને છતાં જગ્યા બાકી રહે છે.
દિશા અને ખૂણાઓને સચોટ રીતે રજૂ કરવાનો હતો
મર્કેટર પ્રોજેક્શન 1569માં ફ્લેમિશ નકશાકાર ગેરાર્ડસ મર્કેટરે બનાવ્યું હતું. તેનો મુખ્ય હેતુ રાજકીય રીતે કોઈ દેશને મોટો કે નાનો બતાવવાનો નહોતો, પરંતુ દરિયાઈ મુસાફરી માટે દિશા અને ખૂણાઓને સચોટ રીતે રજૂ કરવાનો હતો. પૃથ્વી ગોળ છે જ્યારે નકશો સપાટ હોવાથી તેને સપાટી પર રજૂ કરતી વખતે વિકૃતિ સર્જાય છે. મર્કેટર પ્રોજેક્શનમાં વિષુવવૃત્તથી દૂર જતાં જમીનનો વિસ્તાર નકશા પર વધુ મોટો દેખાય છે. આ જ કારણસર ગ્રીનલેન્ડ જેવા ઉત્તરીય પ્રદેશો ખૂબ મોટા દેખાય છે, જ્યારે વિષુવવૃત્તની નજીક આવેલું આફ્રિકા પ્રમાણમાં નાનું દેખાય છે.
ઉત્તર અમેરિકા તેના વાસ્તવિક કદ કરતાં મોટું
આ નકશાની વિકૃતિને લઈને સામાજિક અને રાજકીય ચર્ચા પણ લાંબા સમયથી ચાલી રહી છે. ટીકાકારોનું માનવું છે કે આવા નકશાથી આફ્રિકા અને ગ્લોબલ સાઉથના દેશો માનસિક રીતે નાના અને ઓછા મહત્વપૂર્ણ દેખાઈ શકે છે, જ્યારે યુરોપ અને ઉત્તર અમેરિકા તેમના વાસ્તવિક કદ કરતાં મોટા દેખાય છે. આ પરિસ્થિતિ સામે આફ્રિકન યુનિયન અને ટોગો સહિતના પ્રયાસો થયા છે. 2018માં બોજન શ્રેવરીચ, ટોમ પેટરસન અને બર્નહાર્ડ જેનીએ સમાન ક્ષેત્રફળને વધુ યોગ્ય રીતે દર્શાવતું ‘સમાન પૃથ્વી’ પ્રક્ષેપણ રજૂ કર્યું હતું. આ નકશામાં આફ્રિકા વધુ વાસ્તવિક કદમાં દેખાય છે, જ્યારે ગ્રીનલેન્ડ અને યુરોપ જેવા પ્રદેશો પ્રમાણમાં નાના દેખાય છે.
ક્ષેત્રોમાં મર્કેટર પ્રોજેક્શનનો ઉપયોગ ચાલુ રહી શકે
4 સપ્ટેમ્બર 2026ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં નકશાના વધુ સમાન ક્ષેત્રફળવાળા પ્રક્ષેપણને પ્રોત્સાહન આપતી દરખાસ્ત પર મતદાન થયું, જેમાં 164 દેશોએ સમર્થન આપ્યું, અમેરિકા એકમાત્ર વિરોધમાં રહ્યું અને છ દેશો ગેરહાજર રહ્યા. જોકે, આનો અર્થ મર્કેટર નકશા પર વૈશ્વિક પ્રતિબંધ લાગ્યો એવો નથી. યુએન જનરલ એસેમ્બલીનો ઠરાવ બંધનકર્તા નથી અને નેવિગેશન જેવા ક્ષેત્રોમાં મર્કેટર પ્રોજેક્શનનો ઉપયોગ ચાલુ રહી શકે છે. ભારતે પણ ઠરાવને સમર્થન આપ્યું છે, પરંતુ સ્પષ્ટ કર્યું છે કે તેના સત્તાવાર રાજકીય નકશા અને જમ્મુ-કાશ્મીર તથા લદ્દાખ સહિતની રાષ્ટ્રીય સીમાઓના ચિત્રણમાં કોઈ ફેરફાર સ્વીકાર્ય નથી. નિષ્ણાતોનું કહેવું છે કે કોઈ પણ સપાટ નકશો સંપૂર્ણ સચોટ હોઈ શકે નહીં; વિસ્તાર, આકાર, અંતર અને દિશા પૈકી કયા ગુણધર્મને પ્રાથમિકતા આપવી તે નકશાના હેતુ પર આધાર રાખે છે.








