NCRB Data Accidental Deaths India: ભારતના મોહક શહેરોમાં માળખાકીય સુવિધાઓ અને નાગરિક સુરક્ષાને લઈને સરકારી આંકડાઓએ એક અત્યંત ચિંતાજનક અને ભયાનક ચિત્ર રજૂ કર્યું છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) આધારિત આંકડા મુજબ, વર્ષ 2020થી 2024 વચ્ચે દેશના વિવિધ શહેરોમાં ઈમારતો ધરાશાયી થવા, આગ લાગવા, રસ્તાના ખાડા તેમજ ખુલ્લા મેનહોલ કે સીવરમાં પડી જવાથી કુલ 32,596 લોકોના મોત નીપજ્યા છે. આ આંકડા માત્ર અકસ્માત નથી, પરંતુ શહેરી કન્સ્ટ્રક્શન, મેન્ટેનન્સ અને વહીવટી જવાબદેહી સામે મોટા સવાલો ઊભા કરે છે.
આગમાં 22,291 લોકો હોમાયા
પાંચ વર્ષના ડેટાનું પૃથક્કરણ કરતાં સામે આવ્યું છે કે કુલ મોતમાં સૌથી મોટો હિસ્સો આગ લાગવાની દુર્ઘટનાઓનો છે. 5 વર્ષમાં 22,291 લોકો આગની લપેટમાં આવવાથી મૃત્યુ પામ્યા હતા. વર્ષ 2020માં આંકડો 5473 હતો, 2021માં 4476, 2022માં 4237 અને 2023માં 3991 નોંધાયો હતો. જ્યારે 2024માં આ સંખ્યા ફરી વધીને 4,114 એ પહોંચી ગઈ હતી. તાજેતરના અહેવાલો અનુસાર, મોટાભાગના મૃત્યુ રહેણાંક મકાનો અને ગેરકાયદેસર કોમર્શિયલ બિલ્ડિંગોમાં લાગી રહેલી આગને કારણે થયા છે.
ઝરઝરિત ઈમારતો ધરાશાયી થવાથી 5,951 લોકોના મોત
2020થી 2024 વચ્ચે નબળા બાંધકામ કે જૂની ઝરઝરિત બિલ્ડિંગો ધસી પડવાની ઘટનાઓમાં 5,951 લોકોએ જીવ ગુમાવ્યો છે. 2022ના વર્ષમાં સૌથી વધુ 1285 લોકો ઈમારતો તૂટી પડવાથી માર્યા ગયા હતા, જ્યારે 2024માં પણ 1047 લોકોના મોત થયા છે. દેશની રાજધાની દિલ્હીમાં જ માત્ર 5 વર્ષની અંદર સ્ટ્રક્ચર કોલેપ્સની ઘટનાઓમાં આશરે 170 લોકોના મોત નોંધાયા છે.
ખુલ્લા ખાડા, ગટર અને મેનહોલ પણ બન્યા કાળમુખા
રસ્તા પરના ખાડા અને ખુલ્લા સીવર કે મેનહોલ પણ નાગરિકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે. પાંચ વર્ષમાં રસ્તાના ઊંડા ખાડામાં પટકાવાથી 3470 લોકોના મોત થયા છે, જ્યારે અંધારામાં કે વરસાદી પાણીમાં ખુલ્લા મેનહોલ/સીવરમાં ગરકાવ થઈ જવાથી 1094 લોકોએ જીવ ગુમાવ્યો છે. વર્ષ 2022 ખાડાને કારણે થતા અકસ્માતો માટે સૌથી ઘાતક રહ્યું હતું, જેમાં 800 લોકોના મોત થયા હતા.
32,596નો આંકડો પણ અધૂરો
નિષ્ણાતોના મતે, આ આંકડા માત્ર સત્તાવાર રીતે નોંધાયેલા કેસોના છે. શહેરી પાલિકા સીમાઓમાં થતા તમામ માર્ગ અકસ્માતો (જેમાં ખાડા મુખ્ય કારણ હોય પણ નોધાયા ન હોય) અને દૂષિત પાણી કે રોગચાળાથી થતા મોતનો આંકડો આમાં સમાવિષ્ટ નથી. આથી વાસ્તવિક આંકડો આનાથી પણ ઘણો મોટો હોવાની આશંકા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન, મેયર અને કન્સ્ટ્રક્શન એજન્સીઓએ સિક્યુરિટી અને સેફ્ટી ઓડિટમાં દાખવેલી બેદરકારી જ આ નિર્દોષોના મોત માટે જવાબદાર છે.
નાગરિક સુરક્ષા અને NCRB ડેટા અંગે વિશેષ માહિતી
ફાયર સેફ્ટી અને નેશનલ બિલ્ડિંગ કોડ (NBC): ભારતમાં મોટાભાગના શહેરી બાંધકામોમાં 'નેશનલ બિલ્ડિંગ કોડ' (NBC) અને ફાયર સેફ્ટી એનઓસી (NOC) ના નિયમોનું ઉલ્લંઘન થાય છે. બિલ્ડિંગોમાં ઈમરજન્સી એક્ઝિટ ન હોવા અને શોર્ટ સરકિટ રોકવાના પૂરતા સાધનો ન હોવાથી આગની હોનારતો સર્જાય છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનની જવાબદારી: સુપ્રીમ કોર્ટ અને વિવિધ હાઈકોર્ટોએ પણ અવારનવાર અવલોકન કર્યું છે કે, રસ્તાના ખાડા કે ખુલ્લા મેનહોલને કારણે થતા મોત માટે સ્થાનિક પાલિકા અધિકારીઓ સામે ફોજદારી બેદરકારી (Criminal Negligence) નો ગુનો નોંધાવો જોઈએ.
સીવર સફાઈ અને મેન્યુઅલ સ્કેવેન્જિંગ: સીવર અને મેનહોલમાં થતા મોત ઘણીવાર ઝેરી ગેસ (જેમ કે હાઇડ્રોજન સલ્ફાઇડ) શ્વાસમાં જવાથી થાય છે, જેના માટે સફાઈ કામદારોને સુરક્ષા કિટ કે મશીનરી પૂરી પાડવામાં આવતી નથી.








