Delhi Illegal PG Scam: દેશની રાજધાની દિલ્હીની ગલીઓમાં ચમચમાતી બિલ્ડિંગોની અંદર ગેરકાયદેસર પેઇંગ ગેસ્ટ (PG) નો કારોબાર ખૂબ જ ઝડપથી ફાલીફૂલી રહ્યો છે. આ ગેરકાયદેસર ઇમારતોમાં ન તો અગ્નિશામક સુરક્ષાના સાધનો છે કે ન તો બિલ્ડિંગ બાયલોઝનું પાલન કરવામાં આવી રહ્યું છે. રાજકીય સંરક્ષણ અને સ્થાનિક તંત્રની મિલીભગતથી દિલ્હીમાં જ આશરે 20 હજારથી 25 હજાર કરોડ રૂપિયાનો ગેરકાયદેસર PG કારોબાર ઊભો થઈ ચૂક્યો છે. અહીં વિદ્યાર્થીઓ પાસેથી રહેવા, ખાવા, લૉન્ડ્રી અને વાઇ-ફાઇના નામે દર મહિને હજારો રૂપિયા વસૂલવામાં આવે છે, પરંતુ સરકારને ટેક્સના નામે કશું જ મળતું નથી.
MCDના ચોપડે રહેણાંક મકાન પણ અંદર નાના-નાના રૂમનું મોટું નેટવર્ક
અધિકતર PG બહારથી જોવા જઈએ તો ચારથી પાંચ માળના સામાન્ય મકાન જેવા દેખાય છે અને MCD (મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી) ના ચોપડે પણ તે રહેણાંક મકાન તરીકે જ નોંધાયેલા હોય છે. પરંતુ અંદરના ભાગે નાના-નાના રૂમ બનાવીને પ્રતિ બેડ 8 હજારથી 15 હજાર સુધીનું ભાડું વસૂલવામાં આવે છે. મુખર્જી નગર, લક્ષ્મી નગર, ઓલ્ડ રાજેન્દ્ર નગર, સત્ય નિકેતન અને મોડેલ ટાઉન જેવા એજ્યુકેશનલ હબ વિસ્તારોમાં આ સ્થિતિ સામાન્ય છે. પાર્કિંગની જગ્યાએ કિચન, બાલ્કની તોડીને રૂમ અને ધાબા પર પતરાના શેડ નાખીને ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે.
વીજળી ચોરી અને ટેક્સ બચાવવાની ગેરકાયદેસર મોડસ ઓપરેન્ડી
PG સંચાલકો સરકારી તંત્ર અને ઈન્કમ ટેક્સ વિભાગને ગેરમાર્ગે દોરવા માટે વ્યાપક ગેરરીતિ આચરે છે. રહેણાંક વિસ્તારમાં માત્ર 2 KWનું ઘરેલું વીજ કનેક્શન લેવામાં આવે છે, જેની સામે AC, ગીઝર અને ઇન્ડક્શન ચલાવીને 15 KW જેટલો લોડ વાપરવામાં આવે છે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ સાથે કોઈ લીગલ રેન્ટ એગ્રીમેન્ટ કરવામાં આવતા નથી. જો ભાડા કરાર કરાય તો પણ ભાડું આવકવેરાની મર્યાદાથી ઓછું દર્શાવીને બાકીની રકમ અન્ય સુવિધાઓના નામે રોકડમાં લેવામાં આવે છે. ઓનલાઈન ભાડું પણ સંચાલકો પોતાના વ્યાવસાયિક ખાતામાં લેવાને બદલે સગા-સંબંધીઓ કે કર્મચારીઓના વ્યક્તિગત ખાતામાં ટ્રાન્સફર કરાવે છે.
તંત્રની અનિયમિતતાઓ અને નિયમોની ખુલ્લેઆમ અવગણના
PG એ એક સંપૂર્ણ વ્યાવસાયિક પ્રવૃત્તિ હોવા છતાં તેને રહેણાંક મિલકત દર્શાવીને મોટા પાયે ટેક્સ ચોરી કરવામાં આવે છે. નિયમ મુજબ જો રેસિડેન્શિયલ વિસ્તારમાં 9 મીટરથી ઊંચી ઇમારત હોય અથવા 20થી વધુ લોકો રહેતા હોય તો ફાયર NOC લેવું અનિવાર્ય છે. આ ઉપરાંત A અને B કેટેગરીની પોશ કોલોનીઓમાં આવા વ્યાવસાયિક PG ચલાવવાની મનાઈ છે. છતાં સ્થાનિક પોલીસ બીટ ઓફિસરથી લઈને MCDના જુનિયર એન્જિનિયરો સુધી તમામ સ્તરે હપ્તાખોરી ચાલતી હોવાથી ગેરકાયદેસર કારોબાર સામે કોઈ કડક પગલાં લેવામાં આવતા નથી.
દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગર બેઝમેન્ટ દુર્ઘટનાનું કડવું સત્ય
ગેરકાયદેસર PG અને કોચિંગ સેન્ટરોના આ નેટવર્કનું ભયાનક પરિણામ જુલાઈ 2024માં દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગર ખાતે જોવા મળ્યું હતું, જ્યાં એક ગેરકાયદેસર બેઝમેન્ટમાં પાણી ભરાઈ જવાથી UPSCના 3 વિદ્યાર્થીઓના મોત થયા હતા. તે દુર્ઘટના બાદ દિલ્હી હાઈકોર્ટે અને સુપ્રીમ કોર્ટે MCD અને દિલ્હી સરકારની ભારે ઝાટકણી કાઢી હતી. આટલી મોટી હોનારત અને માર્ગદર્શિકા જારી કર્યા પછી પણ દિલ્હીના વિદ્યાર્થી વિસ્તારોમાં હજી સુધી સેફ્ટી ઓડિટ કે સેન્ટ્રલાઈઝડ PG રજિસ્ટ્રેશન પોલીસીનો યોગ્ય અમલ થઈ શક્યો નથી, જે લાખો વિદ્યાર્થીઓના જીવન સામે જોખમ ઊભું કરે છે.








