Nepal Flood Agricultural Development Bank Trishuli: નેપાળની ભોટેકોશી અને ત્રિશૂલી નદીઓમાં આવેલા ભયાનક પૂરે ભારે તબાહી મચાવી છે. આ જળપ્રલયના પાણી નુવાકોટ જિલ્લાના ત્રિશૂલી વિસ્તારમાં સ્થિત 'કૃષિ વિકાસ બેંક'ની એકાઉન્ટમાં પણ ઘૂસી ગયા હતા, જેના કારણે આખો બેંક પરિસર જળમગ્ન થઈ ગયો હતો. પૂરના પાણી અને કાદવ ઓસર્યા બાદ બેંકની અંદર ફસાયેલી કરોડો રૂપિયાની સંપત્તિને બહાર કાઢવા માટે 8 કલાક લાંબુ બચાવ અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જે દરમિયાન અંદાજે 50 કરોડ નેપાળી રૂપિયાનું સોનું અને કરોડોની રોકડ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી છે.
8 કલાક ચાલેલું બચાવ અભિયાન
પોલીસ અને સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર પૂરના કારણે કૃષિ વિકાસ બેંકની ત્રિશૂલી-ઢુંગે શાખા સંપૂર્ણપણે પ્રભાવિત થઈ હતી. પાણી અને કાંપ ભરાઈ જવાને કારણે બેંકના લોકર અને તિજોરી સુધી પહોંચવું અત્યંત પડકારજનક હતું. આમ છતાં, નેપાળ પોલીસ અને સુરક્ષાદળોની ટીમે સતત 8 કલાક સુધી મહેનત કરીને લોકરમાં રાખવામાં આવેલી કિંમતી ધાતુઓ અને રોકડને સફળતાપૂર્વક બહાર કાઢી હતી.
50 કરોડનું સોનું અને 1.5 કરોડની રોકડ જપ્ત
અધિકારીઓના જણાવ્યા મુજબ આ મિશન દરમિયાન આશરે ૫૦ કરોડ નેપાળી રૂપિયાનું સોનું, લગભગ 1.5 કરોડ નેપાળી રૂપિયા રોકડા, ચાંદીના દાગીના અને અન્ય કિંમતી સામાન બરામદ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બેંકના મહત્વના નાણાકીય દસ્તાવેજો અને રેકોર્ડ્સ પણ સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે, જેથી ગ્રાહકોના ખાતા અને લોકરની વિગતો સલામત રહે.
વડાપ્રધાન બાલેન શાહનું નિવેદન અને રાહત કામગીરી
નેપાળના વડાપ્રધાન બાલેન શાહે દેશમાં કુદરતી આપદા બાદ ચાલી રહેલા રાહત અને બચાવ કાર્યો અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રસુવા અને નુવાકોટ વિસ્તારમાં ભોટેકોશી નદીના પૂરે વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. દેશભરમાંથી અત્યાર સુધીમાં 9435થી વધુ લોકોને હવાઈ અને માર્ગ રસ્તેથી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સેના અને પોલીસના 20,000થી વધુ જવાનો રેસ્ક્યુ ઓપરેશનમાં તૈનાત છે.
નેપાળ પૂર અને આંતરરાષ્ટ્રીય મદદ અંગે વિશેષ માહિતી
ભારત, ચીન અને કોરિયાની મદદ: પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને બચાવવા માટે ભારતીય નિષ્ણાતોની ટુકડી (NDRF અને સેના) ઉપરાંત ચીન અને સાઉથ કોરિયાના નિષ્ણાતો પણ નેપાળી સેના સાથે મળીને કામ કરી રહ્યા છે. ભારતીય ટીમે રસુવાના અપર ત્રિશૂલી-1 હાઇડ્રોપાવર પ્રોજેક્ટ સુરંગમાં ફસાયેલા અનેક લોકોને ઉગાર્યા હતા.
હવાઈ રેસ્ક્યુ અને મિલિટરી હોસ્પિટલ્સ: દુર્ગમ પહાડી વિસ્તારોમાંથી લોકોને એરલિફ્ટ કરવા માટે નેપાળી સેના અને ખાનગી કંપનીઓના 16થી વધુ હેલિકોપ્ટરો સતત ઉડાન ભરી રહ્યા છે. પ્રભાવિત વિસ્તારોમાં તબીબી સારવાર પૂરી પાડવા માટે મોબાઈલ મિલિટરી હોસ્પિટલ પણ કાર્યરત કરવામાં આવી છે.
આર્થિક નુકસાન અને અસ્થાયી આશ્રય: પૂરના કારણે અનેક હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ, પુલો અને હાઇવે ધોવાઈ ગયા છે. આ આપદામાંથી પુનઃનિર્માણ માટે નેપાળને આશરે 4થી 5 અબજ ડોલરના ભંડોળની જરૂર પડશે એવી શક્યતા નાણા મંત્રાલય દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.








