Nepal Flood Inside Story: નેપાળના ઉત્તરીય પહાડી વિસ્તારમાં બુધવારે સર્જાયેલી કુદરતી આફતે માત્ર પૂર જ નહીં, પરંતુ ગ્લેશિયર, ખડકો અને કાટમાળના વિનાશક પ્રવાહથી સરહદી વિસ્તારોને હચમચાવી દીધા છે. કાઠમંડુથી આશરે 45 કિલોમીટર ઉત્તરમાં આવેલા 7,234 મીટર ઊંચા લાંગટાંગ લિરુંગ પર્વત વિસ્તારમાંથી શરૂ થયેલી ઘટનાએ નેપાળ-તિબેટ સરહદ સુધી ભારે તબાહી મચાવી છે. સેટેલાઇટ તસવીરો અને નિષ્ણાતોના પ્રારંભિક વિશ્લેષણ મુજબ, આ કુદરતી આફતની શરૂઆત ગ્લેશિયર સાથે જોડાયેલા વિશાળ હિમપ્રપાતથી થઈ હતી. આશરે 17,000 ફૂટની ઊંચાઈએથી લગભગ 2,000 ફૂટ પહોળો બરફનો વિશાળ હિસ્સો તૂટીને આશરે 4,000 ફૂટ નીચે ખીણમાં ધસી પડ્યો હતો.
બરફનો ટુકડો પડ્યો અને કાટમાળનો વિનાશક પ્રવાહ શરૂ થયો
ગ્લેશિયરનો વિશાળ હિસ્સો ખીણમાં પડતાં બરફ, ખડકો, માટી અને કાટમાળનો જંગી જથ્થો નીચેની તરફ ધસી આવ્યો હતો. આ ઘટનાથી સર્જાયેલો પ્રવાહ નદીમાં ભળતાં પાણીનું સ્તર અચાનક વધી ગયું અને આગળના વિસ્તારોમાં ભયાનક પૂર આવ્યું. નેપાળના ઊભા અને સાંકડા પહાડી ભૂપ્રદેશને કારણે પાણી અને કાટમાળનો પ્રવાહ અત્યંત ઝડપથી નીચે પહોંચ્યો હતો. પરિણામે અનેક વિસ્તારોમાં જાણે વિનાશની દીવાલ ધસી આવી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા.
જ્યાંથી વિનાશ શરૂ થયો ત્યાં ચીની હેલિકોપ્ટર પહોંચ્યું
આ ઘટનાના મૂળ સ્થળ સુધી પહોંચવા માટે ચીનનું હેલિકોપ્ટર પણ મોકલવામાં આવ્યું હતું. ગ્લેશિયર તૂટ્યા બાદ જે વિસ્તારમાંથી પાણી અને કાટમાળ નીચે આવ્યો હતો ત્યાંના દ્રશ્યોના વીડિયો સામે આવ્યા છે. આ ઘટનાને ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ એટલે કે GLOF સાથે પણ જોડવામાં આવી રહી છે. ગ્લેશિયરની પાછળ બનેલા તળાવનું પાણી અચાનક બહાર નીકળી જાય ત્યારે આવી સ્થિતિ સર્જાઈ શકે છે. પાણીનો દબાણ વધવો અથવા બરફની રચનામાં તિરાડ પડવી તેના કારણોમાં સામેલ હોઈ શકે છે. ત્યારબાદ પાણી સાથે વિશાળ પ્રમાણમાં કાદવ અને કાટમાળ પહાડ પરથી ઝડપથી નીચે ધસી આવે છે.
ભૂકંપને લઈને પણ રહસ્ય યથાવત
આ કુદરતી આફતના દિવસે સવારે 8:37 વાગ્યે ચીનની સરહદ નજીક 4.4 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. શરૂઆતમાં પૂર પાછળ ભૂકંપ જવાબદાર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જો, કે અમેરિકી જિયોલોજિકલ સર્વેના પ્રારંભિક વિશ્લેષણમાં ભૂકંપને બદલે પહાડનો મોટો હિસ્સો ખસી પડવાથી કાટમાળનો પ્રવાહ સર્જાયો હોવાની માહિતી સામે આવી હતી. હવે વૈજ્ઞાનિકો એ પણ તપાસી રહ્યા છે કે ભૂકંપે પહેલેથી નબળા બનેલા ઢોળાવને અસર કરી હતી કે પછી વિશાળ હિમપ્રપાતથી જ ભૂકંપ જેવી કંપનની અસર પેદા થઈ હતી.
ગ્લોબલ વોર્મિંગથી ગ્લેશિયર પહેલેથી જ નબળા?
નિષ્ણાતોના મતે, હિમાલય વિસ્તારમાં ગ્લેશિયર અને બરફની રચનામાં થતા ફેરફારોને કારણે આવા જોખમો અંગે ચિંતા વધી રહી છે. લાંગટાંગ લિરુંગ પર્વત સંપૂર્ણપણે નેપાળમાં આવેલો છે, જ્યારે કાટમાળના પ્રવાહે સરહદ નજીકની લ્હેન્દે ખોલા નદીના પ્રવાહને પણ અસર કરી હતી. નદીનો માર્ગ અવરોધાતા પાણીનો જથ્થો વધ્યો અને ત્યારબાદ આ પાણી અચાનક તૂટીને નીચેની તરફ ધસી આવ્યું હતું.
175થી વધુ મોત, 1400થી વધુ લોકો ગુમ
નેપાળ-તિબેટ સરહદ નજીક આવેલા આ વિનાશક પૂરથી અત્યાર સુધીમાં 175 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે, જ્યારે 1,400થી વધુ લોકો ગુમ હોવાનું સામે આવ્યું છે. નેપાળમાં જ 826 લોકો ગુમ છે. નેપાળના વિદેશ મંત્રી શિશિર ખનાલના જણાવ્યા મુજબ, ગુમ થયેલા લોકોમાં 300થી વધુ ભારતીય નાગરિકો હોવાની આશંકા છે. બીજી તરફ તિબેટમાં પણ 550થી વધુ લોકોનો પત્તો મળ્યો નથી. ખરાબ હવામાન, તૂટેલા રસ્તા અને ભારે કાટમાળ વચ્ચે રાહત તથા બચાવ ટીમો સતત સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.
116 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા
નેપાળી સેનાએ રસુવાના ટિમુરે વિસ્તારમાંથી 116 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે. તેમાં 95 નેપાળી અને 21 ભારતીય નાગરિકોનો સમાવેશ થાય છે. પૂરનું પાણી કેટલાક વિસ્તારોમાં લગભગ 30 ફૂટ સુધી પહોંચ્યું હતું. પાણીના તીવ્ર પ્રવાહમાં ઘરો, વાહનો અને સરકારી માળખાં તણાઈ ગયા હતા.
પુલ અને રસ્તાઓ તણાયા, પાવર પ્રોજેક્ટને પણ નુકસાન
પૂરના પ્રવાહે ભોટેકોસી અને ત્રિશૂલી નદી પર આવેલા અનેક પુલને નુકસાન પહોંચાડ્યું છે. ઉત્તર તરફ જતા રસ્તાઓ પણ અનેક સ્થળે તૂટી ગયા હોવાથી અસરગ્રસ્ત વિસ્તારો સાથેનો સંપર્ક મુશ્કેલ બન્યો છે. નુવાકોટમાં 25 મેગાવોટનો ગ્રીડ-સ્કેલ સોલર પ્લાન્ટ પણ કાદવ અને કાટમાળમાં દટાઈ ગયો હોવાના અહેવાલ છે. નિર્માણાધીન પ્રોજેક્ટ્સને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. માળખાકીય સુવિધાઓ અને સંપત્તિને થયેલું નુકસાન અબજો રૂપિયામાં હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
કેદારનાથ જેવી કુદરતી આપત્તિની યાદ તાજી થઈ
નેપાળની આ ઘટનાએ 2013ની કેદારનાથ દુર્ઘટનાની યાદ તાજી કરી છે. ઉત્તરાખંડમાં 15-16 જૂન દરમિયાન ભારે વરસાદ બાદ ચોરાબારી તળાવનો કુદરતી મોરેન બંધ તૂટી ગયો હતો. 17 જૂન 2013ના રોજ સવારે તળાવમાંથી મોટી માત્રામાં પાણી, ખડકો અને કાટમાળ નીચે ધસી આવતાં કેદારનાથ, ગૌરીકુંડ અને સોનપ્રયાગ સહિતના વિસ્તારોમાં ભારે વિનાશ થયો હતો. સરકારી આંકડા મુજબ, 2013ની ઉત્તરાખંડ આપત્તિમાં 580 લોકોના મોત થયા હતા અને હજારો લોકો ગુમ થયા હતા. નેપાળની વર્તમાન દુર્ઘટનાએ ફરી એકવાર હિમાલય વિસ્તારમાં ગ્લેશિયર, અચાનક પૂર અને બદલાતા હવામાનના વધતા જોખમ અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.








