Nepal flash floods: નેપાળ અને આસપાસના વિસ્તારોમાં આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલને ભારે તારાજી સર્જી છે. હિમાલય વિસ્તારમાં ગ્લેશિયર તૂટવાથી સર્જાયેલી જળપ્રલયની સ્થિતિમાં મૃત્યુઆંક 1000ને પાર પહોંચી ગયો છે. હજારો પરિવારો પ્રભાવિત થયા છે, જ્યારે 3900થી વધુ લોકો હજુ પણ લાપતા છે. રસ્તાઓ અને પુલો નષ્ટ થઈ જવાના કારણે અનેક વિસ્તારો સાથે સંપર્ક તૂટી ગયો છે અને ત્યાં રાહત તથા બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ફસાયેલા લોકોને હેલિકોપ્ટરની મદદથી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.
નેપાળમાં 987 લોકોના મોત, ચીનમાં પણ 16ના મોત
નેપાળની આપત્તિ વ્યવસ્થાપન એજન્સી દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે દેશમાં અત્યાર સુધીમાં 987 લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ થઈ છે. બીજી તરફ, ચીનના પ્રશાસને પણ 16 લોકોના મોતની માહિતી આપી છે. આ બંને આંકડા મળીને મૃત્યુઆંક 1000ને પાર પહોંચી ગયો છે. હાલમાં 3916 લોકો લાપતા હોવાનું સામે આવ્યું છે, જેમાં 583 વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે. જોકે, રાહત અને બચાવ કામગીરી દરમિયાન અત્યાર સુધીમાં 11,814થી વધુ લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.
લાપતા લોકોમાં 275 ભારતીય નાગરિકો પણ સામેલ
ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, લાપતા લોકોમાં 275 ભારતીય નાગરિકો અને ભારતીય મૂળના 128 લોકો સામેલ છે. લાપતા થયેલા ભારતીયોમાં મોટી સંખ્યામાં એવા શ્રદ્ધાળુઓ છે, જેઓ કૈલાશ માનસરોવર યાત્રા માટે નેપાળ પહોંચ્યા હતા. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને નેપાળમાં ભારતીય દૂતાવાસ દ્વારા લાપતા ભારતીયો અને તેમના પરિવારજનોની મદદ માટે હેલ્પલાઇન તથા અન્ય સહાય વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.
કેવી રીતે સર્જાઈ આ વિનાશક સ્થિતિ?
સેટેલાઇટ તસવીરો અને વૈજ્ઞાનિકોના અભ્યાસ પ્રમાણે, 26 ઓગસ્ટે હિમાલયના ઊંચાઈવાળા વિસ્તારમાં હિમનદીની નીચે રહેલો બેડરોક તૂટી પડવાથી આ વિનાશક ઘટના સર્જાઈ હતી. આ ઘટના એટલી શક્તિશાળી હતી કે તેની અસર 5.2ની તીવ્રતાના ભૂકંપ જેવી સિસ્મિક ઘટના તરીકે નોંધાઈ હતી. હિમનદીનો મોટો હિસ્સો તૂટી પડતાં મોટા પ્રમાણમાં ખડકો, બરફ અને પીગળેલું પાણી તિબેટ અને નેપાળની નદીઓમાં ધસી આવ્યું હતું. જેના કારણે નદીઓનું જળસ્તર અચાનક વધી ગયું અને નીચાણવાળા વિસ્તારોમાં વિનાશક પૂર આવ્યું. પૂરનાં પાણીમાં ઘરો, રસ્તાઓ, પુલો અને અનેક ઇમારતો તણાઈ ગઈ હતી.
900 જેટલા હાઇડ્રોપાવર કર્મચારીઓ હજુ લાપતા
રસ્તાઓ અને પુલો નષ્ટ થઈ જવાથી બચાવ ટુકડીઓ માટે અસરગ્રસ્ત વિસ્તારો સુધી પહોંચવું મુશ્કેલ બની રહ્યું છે. હાલમાં બચાવકર્મીઓ માટે સૌથી મોટો પડકાર 12 હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સમાંથી લાપતા થયેલા આશરે 900 કામદારોને શોધવાનો છે. આ પ્રોજેક્ટ્સને પૂરમાં ભારે નુકસાન થયું છે અને આશરે 500 કામદારો ટનલની અંદર ફસાયેલા હોવાની આશંકા છે. નેપાળ આર્મીની ટીમો કાદવ, પાણી અને કાટમાળથી ભરેલી ટનલોમાં જઈને લાપતા લોકોને શોધી રહી છે.
મૃતદેહોની ઓળખ માટે ભારતીય દૂતાવાસની 9 તબક્કાની પ્રક્રિયા
પૂરના કારણે મોટી સંખ્યામાં મૃતદેહો મળી આવતા નેપાળના હોસ્પિટલ અને મોર્ગ પર પણ ભારે દબાણ છે. મૃતકોની ઓળખ માટે નેપાળ વહીવટીતંત્ર દ્વારા મૃતદેહોની તસવીરો અને વિગતોનો રેકોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ભારતીય પરિવારોને મૃતદેહોની ઓળખ અને દાવો કરવા માટે ભારતીય દૂતાવાસે 9 તબક્કાની પ્રક્રિયા જાહેર કરી છે.
- મૃતદેહો અને અવશેષોનું દસ્તાવેજીકરણ
- મૃતદેહોની તસવીરો અને વિગતોનો રેકોર્ડ
- પોસ્ટમોર્ટમ પરીક્ષણ
- મૃત્યુના કારણની ચકાસણી
- સત્તાવાર ઓળખની પ્રક્રિયા
- ફિંગરપ્રિન્ટ, DNA અને ફોરેન્સિક નમૂના એકત્ર કરવા
- પાસપોર્ટ અથવા ઓળખપત્રની ચકાસણી
- ભારતીય દૂતાવાસ અથવા વાણિજ્ય દૂતાવાસ સાથે સંકલન
- મૃતદેહ સોંપણીની પ્રક્રિયા પૂર્ણ કરવી
ઓળખ વગરના મૃતદેહોનું DNA સેમ્પલ લેવામાં આવી રહ્યું છે
રોગચાળો ફેલાવાનો ખતરો ટાળવા માટે નેપાળના સત્તાવાળાઓએ ઓળખ વગરના અને ભારે ક્ષતિગ્રસ્ત મૃતદેહોને અસ્થાયી રીતે દફનાવવાનું શરૂ કર્યું છે. દરેક મૃતદેહને પ્લાસ્ટિકની બેગમાં રાખીને તેના પર ટેગ અને લોકેશન નંબર લગાવવામાં આવી રહ્યો છે. દફન કરતા પહેલા મૃતદેહોના DNA સેમ્પલ પણ લેવામાં આવી રહ્યા છે, જેથી ભવિષ્યમાં પરિવારજનોના DNA સાથે મેચ કરીને ઓળખ કરી શકાય. ઓળખ વગરના મૃતદેહોના કિસ્સામાં નજીકના સંબંધીઓએ DNA પ્રોફાઇલ dnacodis@nepalpolice.gov.np પર મોકલવાની અથવા જરૂરી હોય તો લોહીના નમૂના આપવાની પ્રક્રિયા અનુસરવી પડશે.
ભારતીય પરિવારો માટે હેલ્પલાઇન નંબર જાહેર
નેપાળમાં ફસાયેલા અથવા લાપતા ભારતીય નાગરિકોના પરિવારજનો માટે ભારતીય દૂતાવાસે સંપર્કની સુવિધા શરૂ કરી છે.
ભારતીય દૂતાવાસ પૂર સહાયતા ઈમેઇલ:
- eoikathmandufloodsupport@gmail.com
વ્હોટ્સએપ હેલ્પલાઇન:
- +977 9851316807
- +977 9709107500
- +977 9810326117
નેપાળ પોલીસ હેલ્પલાઇન:
- +977 9841616095
આ વિનાશક પૂર બાદ નેપાળમાં બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે અને આગામી દિવસોમાં લાપતા લોકો અંગે વધુ માહિતી સામે આવી શકે છે.








