MEA Randhir Jaiswal statement: નેપાળમાં આવેલા વિનાશક પૂર અને જળપ્રલય બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા ભારતીય નાગરિકોને લઈને ભારતના વિદેશ મંત્રાલયે મહત્વની માહિતી જાહેર કરી છે. નવી દિલ્હીમાં યોજાયેલી પ્રેસ બ્રીફિંગ દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે સંચાર વ્યવસ્થા ખોરવાઈ જવાને કારણે આશરે 288 ભારતીય નાગરિકો સાથે હાલ સંપર્ક થઈ શક્યો નથી. ભારત સરકાર નેપાળના સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છે અને ગુરુવારે બપોરે 1 વાગ્યા સુધીમાં તમિલનાડુના 21 નાગરિકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.
288 ભારતીયો પાંચ અલગ-અલગ જૂથોમાં
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર સંપર્કવિહોણા ભારતીય નાગરિકોમાં ત્રિશૂલી-1 પાવર પ્રોજેક્ટ પર કામ કરતા 73 ભારતીય કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કૈલાશ માનસરોવર યાત્રાએ ગયેલા તમિલનાડુના 37 અને 49 નાગરિકોના બે જૂથો પણ સંપર્કવિહોણા છે. સમ્રાટ ટ્રાવેલ્સ મારફતે ગયેલા પશ્ચિમ બંગાળના 32 નાગરિકો રસુવા જિલ્લાના તિમુરે વિસ્તારમાં હોવાની માહિતી છે. રીચા ટુર્સ મારફતે ગયેલા વિવિધ રાજ્યોના 61 નાગરિકો અને કેરળના નાગરિકોનું એક જૂથ પણ હાલ સંપર્કમાં નથી.
તમિલનાડુના 21 યાત્રાળુઓનું રેસ્ક્યૂ
રણધીર જયસ્વાલે જણાવ્યું કે ગુરુવારે બપોરે 1 વાગ્યા સુધીમાં 21 ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. આ તમામ નાગરિકો તમિલનાડુના છે અને કૈલાશ માનસરોવર યાત્રા માટે નેપાળ ગયા હતા. વિદેશ મંત્રાલયે તેમના નામોની યાદી સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર જાહેર કરવાની પણ માહિતી આપી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં સંચાર વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા તેમજ અન્ય ભારતીયોનો સંપર્ક મેળવવા માટે સતત પ્રયાસો ચાલી રહ્યા છે.
ચીનમાં પણ 200 ભારતીય યાત્રાળુઓ ફસાયા
નેપાળ ઉપરાંત ચીન તરફના વિસ્તારમાં પણ કૈલાશ માનસરોવર યાત્રાએ ગયેલા આશરે 200 ભારતીય નાગરિકો ફસાયા હોવાનું વિદેશ મંત્રાલયે જણાવ્યું છે. આ યાત્રાળુઓએ ભારત સરકાર પાસે મદદની માંગ કરી છે. બેઇજિંગ સ્થિત ભારતીય દૂતાવાસ ચીનના સત્તાવાળાઓ સાથે સંકલન કરીને તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવાના પ્રયાસો કરી રહ્યું છે. બીજી તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ નેપાળ સરકાર સાથે સંપર્કમાં છે અને ભારતે રાહત સામગ્રી તથા માનવીય સહાય મોકલીને બચાવ કામગીરીમાં સહયોગ આપ્યો છે. સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી ભારત તરફથી રેસ્ક્યૂ અને રાહત કામગીરી ચાલુ રાખવામાં આવશે.








