NEET UG 2026 protests: દેશમાં વર્ષોથી ચાલી રહેલી પેપર લીક અને પરીક્ષા વ્યવસ્થાની ગેરરીતિઓ હવે માત્ર શૈક્ષણિક સમસ્યા રહી નથી, પરંતુ તે વિદ્યાર્થીઓના જીવન માટે ગંભીર માનસિક સંકટ બની ગઈ છે. NEET UG 2026ની પરીક્ષા રદ્દ થવા અને ફરીથી પરીક્ષા યોજાવાના નિર્ણય વચ્ચે કર્ણાટકના કલબુર્ગીમાં 18 વર્ષની વિદ્યાર્થીની ભાગ્યશ્રીએ આપઘાત કરીને જીવન ટૂંકાવતાં સમગ્ર દેશમાં શોક અને આક્રોશનો માહોલ છવાઈ ગયો છે. 12મા ધોરણમાં 92 ટકા ગુણ મેળવનારી આ હોનહાર વિદ્યાર્થીની ડોક્ટર બનવાનું સપનું જોઈ રહી હતી, પરંતુ સતત વધી રહેલા તણાવ અને અનિશ્ચિતતાએ આખરે તેનો જીવ લઈ લીધો.
અનેક વિદ્યાર્થીઓ આપઘાત કરી ચૂક્યા છે
આ ઘટનાએ સોશિયલ મીડિયા પર ભારે પ્રતિક્રિયાઓ જગાવી છે. વિદ્યાર્થીઓ, વાલીઓ અને નાગરિકો કેન્દ્ર સરકાર તથા પરીક્ષા એજન્સીઓ સામે ગંભીર સવાલો ઉઠાવી રહ્યા છે. ખાસ કરીને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ જોર પકડી રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અનેક યુઝર્સે લખ્યું કે, “પેપર લીક હવે માત્ર ગેરરીતિ નથી, તે વિદ્યાર્થીઓના ભવિષ્યની હત્યા છે.” કેટલાક યુઝર્સે દાવો કર્યો કે છેલ્લા કેટલાક મહિનામાં NEET પેપર લીક અને રિ-એગ્ઝામના દબાણ વચ્ચે અનેક વિદ્યાર્થીઓ આપઘાત કરી ચૂક્યા છે. મનોચિકિત્સકો અને શિક્ષણ નિષ્ણાતોનું કહેવું છે કે આ પરિસ્થિતિ બાળકોની નબળાઈ નહીં પરંતુ સમગ્ર પરીક્ષા પ્રણાલીનું નિષ્ફળતા દર્શાવે છે. મધ્યમવર્ગીય પરિવારોના વિદ્યાર્થીઓ વર્ષો સુધી મહેનત, કોચિંગ અને આર્થિક સંઘર્ષ બાદ પરીક્ષાની તૈયારી કરે છે. જ્યારે પેપર લીક અથવા પરીક્ષા રદ્દ થવા જેવી ઘટનાઓ બને છે ત્યારે તેમના મનોબળ પર ગંભીર અસર પડે છે. નિષ્ણાતોના મતે હવે સરકારે માત્ર પરીક્ષા સુરક્ષા મજબૂત બનાવવી પૂરતી નથી, પરંતુ વિદ્યાર્થીઓ માટે દરેક જિલ્લા અને કોચિંગ હબમાં તાત્કાલિક મેન્ટલ હેલ્થ કાઉન્સિલિંગ અને ઇમરજન્સી હેલ્પલાઇન શરૂ કરવી અત્યંત જરૂરી બની ગઈ છે.
દેશભરમાં વિદ્યાર્થીઓમાં અસુરક્ષા અને ભયનો માહોલ
તાજેતરના સમયમાં આવી ઘટનાઓ દેશના અનેક રાજ્યોમાં સામે આવી રહી છે. રાજસ્થાનના સીકરમાં પણ NEET પરીક્ષા રદ્દ થતાં પ્રદીપ મેવાલ નામના વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો. તે પ્રથમ પ્રયાસમાં 650થી વધુ ગુણની અપેક્ષા રાખતો હતો. ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં પણ ત્રીજા પ્રયાસ માટે તૈયારી કરનાર વિદ્યાર્થીએ પેપર લીકના આઘાતમાં આવી જીવન ટૂંકાવ્યું હતું. હવે કર્ણાટકની ભાગ્યશ્રીની ઘટના બાદ દેશભરમાં વિદ્યાર્થીઓમાં અસુરક્ષા અને ભયનો માહોલ વધુ ગાઢ બન્યો છે. વિદ્યાર્થી સંગઠનો અને યુવા કાર્યકરો હવે પારદર્શક અને વિશ્વસનીય પરીક્ષા વ્યવસ્થા માટે અવાજ ઉઠાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે દેશના લાખો યુવાનોનું ભવિષ્ય વારંવારની ગેરરીતિઓ અને પ્રશાસનિક નિષ્ફળતાઓના ભોગ બની રહ્યું છે. NEET જેવી મહત્વપૂર્ણ પરીક્ષાઓમાં સુરક્ષા અને વિશ્વસનીયતા જાળવવામાં નિષ્ફળતા હવે માત્ર શૈક્ષણિક મુદ્દો નહીં, પરંતુ રાષ્ટ્રીય ચિંતાનો વિષય બની ગયો છે.








