NEET UG Paper Leak 2026: દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET UG 2026 ફરી એક વખત કથિત પેપર લીક મામલાને લઈને વિવાદોમાં આવી ગઈ છે. રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની તપાસમાં એવા સંકેતો મળ્યા છે કે, જેના કારણે પરીક્ષાની પારદર્શિતાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે પરીક્ષા પહેલાં એક "સેમ્પલ પેપર" ઘણા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવ્યું હતું, જેમાં રહેલા પ્રશ્નો મૂળ પરીક્ષાના પ્રશ્નો સાથે મેળ ખાતા હતા.
આખો મામલો શું છે?
સૂત્રોના જણાવ્યા મુજબ કેરળથી રાજસ્થાનના સીકર સુધી પહોંચેલું એક સેમ્પલ પેપર હાલમાં તપાસનું કેન્દ્ર બન્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ પેપરમાં આશરે 150 પ્રશ્નો NEET UG 2026ની પરીક્ષામાં પૂછવામાં આવેલા પ્રશ્નો જેવા જ હતા. NEET UG પરીક્ષા કુલ 720 ગુણોની હોય છે અને દરેક પ્રશ્ન માટે 4 ગુણ નક્કી હોય છે. તેથી લગભગ 600 ગુણોના પ્રશ્નો મેળ ખાતા હોવું ખૂબ જ ગંભીર બાબત માનવામાં આવી રહી છે.સૌથી ચોંકાવનારી વાત એ છે કે માત્ર પ્રશ્નો જ નહીં, પરંતુ પ્રશ્નોનો ક્રમ પણ મૂળ પ્રશ્નપત્ર જેવો જ હતો. આ બાબતને કારણે તપાસ એજન્સીઓને ગોઠવાયેલા પેપર લીક નેટવર્કની શંકા થઈ છે.
રાજસ્થાન SOGએ શું કહ્યું?
રાજસ્થાન પોલીસના SOGના વધારાના મહાનિદેશક વિશાલ બન્સલે NEET પરીક્ષાને લઈને ચાલી રહેલી ચર્ચાઓ અંગે કહ્યું કે,"NEET પરીક્ષા અંગે વિવિધ પ્રકારની ગેરસમજો ફેલાઈ રહી છે. તેમાંની એક બાબત હું સ્પષ્ટ કરવી માંગું છું. એક ગેસ પેપર સામે આવ્યું છે, જેમાં લગભગ 410 પ્રશ્નો છે. આરોપ છે કે તેમાંના લગભગ 120 પ્રશ્નો કેમિસ્ટ્રી વિભાગમાં પૂછાયા હતા. કહેવાય છે કે આ ગેસ પેપર વિદ્યાર્થીઓ વચ્ચે ઘણા સમયથી ફરી રહ્યું હતું. પરીક્ષા પહેલાં અંદાજે 15 દિવસથી લઈને એક મહિના સુધી તે વિદ્યાર્થીઓ સુધી પહોંચી ગયું હતું. અમારી તપાસ હાલમાં આ મુદ્દા પર કેન્દ્રિત છે કે શું આ ગેસ પેપરના આધારે કોઈ પ્રકારની નકલ અથવા ગુનાહિત પ્રવૃત્તિ થઈ હતી કે નહીં? અમે સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરી રહ્યા છીએ અને હાલ તપાસ પ્રક્રિયા ચાલુ છે. અત્યાર સુધી આ મામલામાં કોઈની પણ ધરપકડ કરવામાં આવી નથી."
લાખો રૂપિયામાં વેચાયું કથિત સેમ્પલ પેપર
તપાસ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ આ કથિત સેમ્પલ પેપર પરીક્ષા પહેલાં ભારે રકમમાં વેચવામાં આવ્યું હતું. શરૂઆતમાં તેની કિંમત 2 લાખથી 5 લાખ રૂપિયા સુધી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જ્યારે પરીક્ષાની એક રાત પહેલાં એ જ પેપર વિદ્યાર્થીઓ સુધી 30-30 હજાર રૂપિયામાં પહોંચાડવામાં આવ્યું હોવાનું કહેવાય છે. રાજસ્થાન SOGના જણાવ્યા અનુસાર કસ્ટડીમાં લેવાયેલા કેટલાક લોકોના મોબાઇલ ફોનમાં "Many Times Forwarded" ટેગ જોવા મળ્યો હતો, જે સૂચવે છે કે આ સામગ્રી ખૂબ મોટી સંખ્યામાં લોકોને મોકલવામાં આવી હતી.
શું ખરેખર NEET UG 2026નું પેપર લીક થયું હતું?
હાલની સ્થિતિમાં સ્પષ્ટ રીતે એવું કહી શકાય નહીં કે NEET UG 2026નું પેપર લીક થયું હતું કે નહીં. અંતિમ નિર્ણય તપાસ એજન્સીઓ, નિષ્ણાતો અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની રિપોર્ટ બાદ જ સામે આવશે, પરંતુ અત્યાર સુધી સામે આવેલા તથ્યોએ પરીક્ષા પ્રણાલીને લઈને ગંભીર સવાલો જરૂર ઊભા કર્યા છે.
NTAએ શું કહ્યું?
NTAએ તાજેતરમાં જાહેર કરેલા નિવેદનમાં કહ્યું હતું કે, રાજસ્થાન SOG દ્વારા કથિત ગડબડીઓને લઈને કરવામાં આવેલી કાર્યવાહી અંગે તેને માહિતી છે. એજન્સીના જણાવ્યા મુજબ 3મે 2026ના રોજ પરીક્ષા નિર્ધારિત સમય અને કડક સુરક્ષા વ્યવસ્થાઓ હેઠળ યોજાઈ હતી. NTAના અનુસાર પ્રશ્નપત્રો GPS ટ્રેકિંગ ધરાવતા વાહનો દ્વારા પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવામાં આવ્યા હતા અને પ્રશ્નપત્રો પર ટ્રેસ કરી શકાય એવા વોટરમાર્ક લગાવવામાં આવ્યા હતા. બધા પરીક્ષા કેન્દ્રો AI આધારિત CCTV નજર હેઠળ હતા. ઉમેદવારોનું બાયોમેટ્રિક વેરિફિકેશન કરવામાં આવ્યું હતું અને 5G જામરનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો. એજન્સીએ દાવો કર્યો કે, તમામ કેન્દ્રો પર પરીક્ષા પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થઈ હતી.
7 મેના રોજ મળી હતી પ્રથમ માહિતી
NTAના જણાવ્યા મુજબ પરીક્ષા પછી ચાર દિવસ બાદ એટલે કે 7મે 2026ની સાંજે કથિત ગેરરીતિઓ અંગે માહિતી મળી હતી. ત્યારબાદ 8મે ની સવારે આ માહિતી કેન્દ્રીય તપાસ એજન્સીઓને મોકલી આપવામાં આવી હતી. NTAએ વધુમાં જણાવ્યું કે તે તપાસ એજન્સીઓને દરેક પ્રકારની ટેકનિકલ અને ડેટા સંબંધિત મદદ આપી રહી છે. એજન્સીએ હાલમાં કોઈ અંતિમ નિષ્કર્ષ આપવાનો ઇનકાર કર્યો છે અને કહ્યું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જ સત્ય બહાર આવશે.
વિદ્યાર્થીઓ અને વાલીઓમાં વધી ચિંતા
પેપર લીકની આશંકા સામે આવ્યા બાદ લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં ચિંતા વધી ગઈ છે. સોશિયલ મીડિયા પર પરીક્ષા રદ કરવાની, ફરી પરીક્ષા યોજવાની અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઝડપથી વધી રહી છે. ઘણા વિદ્યાર્થી સંગઠનોએ સમગ્ર મામલાની CBI તપાસ કરવાની માંગ પણ ઉઠાવી છે.
શું ફરી પરીક્ષા લેવાઈ શકે?
નિષ્ણાતોના મતે જો તપાસમાં મોટા પાયે પેપર લીકની પુષ્ટિ થાય અને તે સાબિત થાય કે મોટી સંખ્યામાં ઉમેદવારોને તેનો લાભ મળ્યો હતો, તો NTA અને કેન્દ્ર સરકાર ફરી પરીક્ષા લેવા જેવા મોટા નિર્ણય પર વિચાર કરી શકે છે. જોકે હાલમાં એવો કોઈ સત્તાવાર સંકેત આપવામાં આવ્યો નથી.








