Tamil Nadu Influencer Robbed: તમિલનાડુના કન્યાકુમારી જિલ્લામાં આવેલા નાગરેકોઇલના એક વિસ્તારમાંથી ચોરીનો એક ખૂબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં રહેતી જાણીતી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મધુપ્રીતા અને તેના વેપારી પતિ વિનોદ કુમારના બંધ મકાનને નિશાન બનાવીને અજ્ઞાત તસ્કરોએ કરોડો રૂપિયાના માલમત્તાનો સફાયો કરી નાખ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, 24 સપ્ટેમ્બરના રોજ સાંજના સમયે આ દંપતી પોતાની બે વર્ષની પુત્રી સાથે કપડાંની ખરીદી કરવા માટે નજીકના તિરુનેલવેલી શહેર ગયું હતું. ઘરના તમામ દરવાજા યોગ્ય રીતે બંધ કરીને ગયેલું આ કુટુંબ જ્યારે મોડી રાત્રે આશરે 12 વાગ્યે ઘરે પરત ફર્યું, ત્યારે મુખ્ય દરવાજો અંદરથી બંધ જણાતાં તેઓ આશ્ચર્યમાં મુકાયા હતા.
પાછળના દરવાજાનું તાળું તોડી 1 કરોડનો મુદ્દામાલ ગાયબ
મુખ્ય દરવાજો ન ખૂલતાં પતિ વિનોદ કુમારે ઘરની પાછળ જઈને તપાસ કરી હતી. ત્યાં પહોંચતા જ તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી, કારણ કે પાછળના દરવાજાનું તાળું તૂટેલું હતું. ઘરની અંદર પ્રવેશતા જ બેડરૂમનો તમામ સામાન વેરવિખેર પડેલો જોવા મળ્યો હતો અને કબાટની તિજોરી ખુલ્લી હતી. ચોરોએ સુટકેસમાં રાખેલા 900 ગ્રામથી વધુ સોના અને હીરાના કિંમતી ઘરેણાં તેમજ કબાટમાં રાખેલી ₹50,000ની રોકડ રકમ પર હાથ ફેરો કરી દીધો હતો. ચોરી થયેલા સોના-હીરાના દાગીના અને કેશની કુલ કિંમત આશરે 1 કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં પોલીસને આશંકા છે કે ચોરોએ મજબૂત દરવાજો તોડવા માટે ઝાડ કાપવાના આધુનિક ટ્રી-કટર (Tree-cutter) જેવા સાધનનો ઉપયોગ કર્યો હોઈ શકે છે.
રીલ્સ અને વીડિયોમાં સોનું-રોકડ બતાવવાનો શોખ બન્યો નિશાનો
આ સમગ્ર હાઇ-પ્રોફાઇલ ચોરીના કેસમાં પોલીસ તપાસ દરમિયાન એક અત્યંત ચોંકાવનારો સોશિયલ મીડિયા એંગલ સામે આવ્યો છે. મધુપ્રીતા યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર ખૂબ સક્રિય છે અને તેના યુટ્યુબ પર જ 41,000થી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. તે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વારંવાર પોતાની લક્ઝરી લાઇફસ્ટાઇલ, કિંમતી સોનાના દાગીના અને ઘરમાં રાખેલી રોકડ રકમના બંડલો દર્શાવતી રીલ્સ અને વીડિયો પોસ્ટ કરતી હતી. એટલું જ નહીં, એક વીડિયોમાં તે પોતાની નાની બાળકીને રોકડ રકમથી રમાડતી પણ જોવા મળી હતી. આ સતત દેખાડો જ કદાચ ગુનેગારો માટે આમંત્રણ સાબિત થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ઓનલાઇન મૂકેલી પળેપળની અપડેટ પરથી ચોરોએ બનાવ્યો પ્લાન
પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ, મધુપ્રીતા પોતાની દરેક ખરીદી, જે જ્વેલરી સ્ટોરમાંથી ઘરેણાં ખરીદતી તેના નામ અને પોતાની પળેપળની પ્રવાસ યોજનાઓ પણ સોશિયલ મીડિયા પર શેર કરતી હતી. તેણે પોતે ક્યારે અને ક્યાં બહાર જવાની છે તેની માહિતી પણ સ્ટોરીઝ અને વીડિયો દ્વારા જાહેર કરી દીધી હતી. પોલીસને દ્રઢ આશંકા છે કે તસ્કરોએ તેની આ જ સોશિયલ મીડિયા પોસ્ટ્સ અને રીલ્સ પર સતત નજર રાખીને ઘર ક્યારે ખાલી રહેશે તેની ચોક્કસ માહિતી મેળવી લીધી હતી અને ત્યારબાદ જ ખૂબ જ આયોજનબદ્ધ રીતે આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.
પોલીસની સ્પેશિયલ ટીમો દ્વારા તસ્કરોની શોધખોળ તેજ
આટલી મોટી રકમ અને કિંમતી દાગીનાની ચોરીની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વડા (SP) પોતે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ઘરનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. આ મામલે ગુનેગારોને વહેલી તકે ઝડપી પાડવા માટે પોલીસની 5 વિશેષ ટીમો (Special Teams) ની રચના કરવામાં આવી છે. હાલમાં સીસીટીવી ફુટેજ તેમજ સ્થાનિક માહિતીના આધારે તપાસ ધમધમાટ ચાલી રહી છે. સાથોસાથ, આ કિસ્સો સોશિયલ મીડિયા પર પોતાની અંગત જિંદગી અને આર્થિક વિગતો જાહેર કરતા લોકો માટે એક લાલબત્તી સમાન સાબિત થયો છે.








