Pregnant Journalist Richa Parashar Rahul Gandhi Controversy: સુપ્રીમ કોર્ટ સંકુલમાં કવરેજ કરી રહેલી એક ગર્ભવતી મહિલા પત્રકારે વિપક્ષી નેતા રાહુલ ગાંધી અને તેમના સુરક્ષાકર્મીઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે. પીડિત મહિલા પત્રકાર રિચા પરાશરના જણાવ્યા મુજબ, જ્યારે તેમણે કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમિયાન સવાલ પૂછવા માટે પોતાનું માઇક આગળ કર્યું, ત્યારે રાહુલ ગાંધીએ ગુસ્સામાં આવીને તેમનો હાથ પકડીને ખેંચ્યો હતો. આ સાથે જ તેમના બોડીગાર્ડ્સ અને સમર્થકોએ તેમને જોરથી ધક્કો માર્યો હતો.
ધક્કામુક્કીમાં સીડીઓ પરથી પડી જતાં મોઢાના ભાગે ઈજા થઈ હોવાનો દાવો
મહિલા પત્રકારે દાવો કર્યો હતો કે ધક્કામુક્કી એટલી ભયાનક હતી કે તેઓ સુપ્રીમ કોર્ટની સીડીઓ પરથી નીચે પડી ગયા હતા અને તેમના મોઢા તથા શરીરના અન્ય ભાગો પર ઈજાઓ પહોંચી હતી. તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધીના બોડીગાર્ડ્સે તેમના કેમેરામેનને પણ જોરથી ધક્કો માર્યો હતો, જેના કારણે કેમેરામેન પણ તેમની ઉપર જઈ પડ્યો હતો અને ત્યારબાદ આસપાસ ઉભેલા અન્ય 4થી 5 લોકો પણ એકબીજા પર પડ્યા હતા.
કોંગ્રેસે તમામ આરોપો ફગાવી ભાજપના દુષ્પ્રચાર તરીકે ઓળખાવ્યા
બીજી તરફ, કોંગ્રેસ પક્ષે આ સમગ્ર ઘટનાને સખત શબ્દોમાં નકારી કાઢી છે અને તેને શાસક પક્ષ ભાજપનું ઘડેલું કાવતરું ગણાવ્યું છે. કોંગ્રેસ નેતા અલ્કા લાંબાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર એક વિસ્તૃત પોસ્ટ શેર કરીને મહિલા પત્રકારના દાવાઓ પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે લખ્યું કે, "પ્રથમ- પ્રેગ્નન્સીની સ્થિતિમાં આવા વિરોધ પ્રદર્શનમાં જવું જોખમી છે. દ્વિતીય- તેઓ કહે છે કે ઘટના બપોરે 3થી 4 વાગ્યા વચ્ચે બની પણ તેઓ રાત્રે 8.30 વાગ્યે હોસ્પિટલ ગયા. તૃતીય- ભાજપ ધારાસભ્યની ઓફિસમાં તેમની બહેન પ્રચાર કરવા પહોંચી હતી અને ચોથું- પ્રેગ્નન્સી દરમિયાન સામાન્ય રીતે ન કરાવવામાં આવતો એક્સ-રે કેમ કરાવવામાં આવ્યો?"
"હું માત્ર મારી ફરજ બજાવી રહી હતી, આ રાજકારણ નથી": પત્રકાર રિચા
કોંગ્રેસના આરોપો સામે પોતાનો પક્ષ રાખતા પત્રકાર રિચા પરાશરે વ્યથા ઠાલવી હતી કે, "કોંગ્રેસના સમર્થકો અને નેતાઓ દ્વારા મારી બદનામી કરવાની અને મારી સાથે બનેલી સત્ય ઘટનાને નાની દર્શાવવાની કોશિશથી હું અત્યંત દુઃખી છું. આ ભાજપ કે કોંગ્રેસના રાજકારણનો વિષય નથી. હું માત્ર એક સામાન્ય નાગરિક અને પત્રકાર તરીકે મારી પ્રોફેશનલ ફરજ બજાવી રહી હતી. મારી સાથે થયેલા અન્યાય પર આવા સવાલો ઉઠાવવા એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે."
લોકશાહી માર્ચ દરમિયાન બનેલી ઘટનાથી દિલ્હીના રાજકારણમાં ગરમાવો
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અને 'ઈન્ડિયા' (INDIA) ગઠબંધન દ્વારા દિલ્હીના બારાખંભા રોડથી સુપ્રીમ કોર્ટ સુધી મુખ્ય ચૂંટણી કમિશનર સામે 'લોકશાહી બચાવો માર્ચ' કાઢવામાં આવી હતી. આ માર્ચ દરમિયાન સુપ્રીમ કોર્ટના મુખ્ય ગેટ પર વિપક્ષી નેતાઓની કવરેજ કરતી વખતે આ ઘર્ષણ સર્જાયું હતું. દિલ્હી પોલીસ અને પત્રકાર સંસ્થાઓ દ્વારા આ સમગ્ર ઘટનાની ગંભીર નોંધ લેવામાં આવી રહી છે અને સ્થળ પરના સીસીટીવી તપાસવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.








