Nandan Nilekani Exam Reforms Task Force NEET Paper Leak: દેશભરમાં નીટ અને અન્ય રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સતત સામે આવતી પેપર લીકની ઘટનાઓ અને ગેરરીતિઓને અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ગઠિત પરીક્ષા સુધારણા ટાસ્ક ફોર્સના વડા નંદન નિલેકણીએ એક મોટો અને ક્રાંતિકારી પ્રસ્તાવ રજૂ કર્યો છે. મંગળવારે નવી દિલ્હી ખાતે આયોજિત 'બ્લૂમબર્ગ ન્યૂ ઈકોનોમી ફોરમ' માં સંબોધન કરતી વખતે તેમણે જણાવ્યું હતું કે પેપર લીકના જોખમ અને તેના પાછળ રહેલા આર્થિક લાલચને જડમૂળથી નાબૂદ કરવા માટે અગાઉથી છાપેલા પ્રશ્નપત્રોની સિસ્ટમ બંધ કરીને વિષયવાર વિશાળ ક્વેશ્ચન બેંકમાંથી છેલ્લી મિનિટે જ પ્રશ્નપત્રો તૈયાર કરવાની પદ્ધતિ અપનાવવી જોઈએ.
પૂર્વ-નિર્ધારિત પ્રશ્નપત્રો અસામાજિક તત્વો માટે આર્થિક લાલચ ઊભી કરે છે
ઈન્ફોસિસના સહ-સ્થાપક અને UIDAIના પૂર્વ ચેરમેન નંદન નિલેકણીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે, જ્યારે પરીક્ષાના દિવસો અગાઉ જ પ્રશ્નપત્રો છાપીને સંગ્રહિત કરવામાં આવે છે, ત્યારે તેને ગેરકાયદેસર રીતે ચોરી કરીને વેચવાનું બ્લેક માર્કેટિંગ અને આર્થિક લાલચ ઉત્પન્ન થાય છે. જો પરીક્ષાના દિવસે જ રેન્ડમ પદ્ધતિથી સિસ્ટમ દ્વારા પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવે, તો અગાઉથી પેપર બહાર આવવાનો કે લીક થવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી અને તેની પાછળનું આર્થિક સેટિંગ સંપૂર્ણપણે નાબૂદ થઈ જશે.
AIની મદદથી રિયલ-ટાઇમ પ્રશ્નપત્ર જનરેટ થશે
જ્યારે નંદન નિલેકણીને પૂછવામાં આવ્યું કે, શું AI ટેકનોલોજી પરીક્ષાના દિવસે જ તાત્કાલિક અને સુરક્ષિત રીતે પ્રશ્નપત્ર તૈયાર કરવા માટે સક્ષમ છે? ત્યારે તેમણે મજબૂત આત્મવિશ્વાસ સાથે સંમતિ દર્શાવી હતી. નિલેકણીએ જણાવ્યું કે, "હા ચોક્કસપણે, AIની મદદથી પરીક્ષા શરૂ થવાના અમુક મિનિટો પહેલા જ સિક્યોર્ડ ક્વેશ્ચન બેંકમાંથી અલગ-અલગ સેટના પ્રશ્નપત્રો આપોઆપ જનરેટ કરી શકાય છે."
કમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ અને 1,50,000 પરીક્ષા કેન્દ્રોના નેટવર્ક પર ભાર
પેપર લીકની જટિલતા દૂર કરવા માટે તેમણે દેશની તમામ નાની-મોટી સ્પર્ધાત્મક પરીક્ષાઓને પેન-પેપર મોડમાંથી મુક્ત કરીને 'કમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ'માં ટ્રાન્સફર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું કે, આ માટે સમગ્ર દેશમાં ડિજિટલ પરીક્ષા કેન્દ્રોના મજબૂત નેટવર્કની જરૂર છે. હાલમાં દેશમાં આશરે 1,50,000 જેટલા સ્થળો અને પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે જ્યાં વિદ્યાર્થીઓ આરામથી ડિજિટલ પરીક્ષા આપી શકે છે અને આ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ વ્યાપક બનાવવાની દિશામાં કામ ચાલી રહ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ ભલામણો અમલમાં મૂકવા ઉત્સુક
પરીક્ષા પ્રણાલીમાં માળખાકીય અને તકનીકી સુધારા કરી રહેલી ઉચ્ચસ્તરીય સમિતિના વડા નિલેકણીએ સંકેત આપ્યો હતો કે કેન્દ્ર સરકાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ ભલામણોને વહેલામાં વહેલી તકે જમીની સ્તરે ઉતારવા માટે અત્યંત ઉત્સુક છે. સમિતિ દ્વારા આ અંગેનો આખરી અહેવાલ આગામી 28 ઓક્ટોબરે સરકારને સોંપવામાં આવશે. તાજેતરના સમયમાં NEET-UG સહિતની પરીક્ષાઓમાં પેપર લીકના આક્ષેપો બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં વ્યાપેલી અસંતોષની લાગણીને દૂર કરવા માટે આ ટેકનોલોજી આધારિત સુધારા ભવિષ્યમાં પારદર્શિતાનું નવું ધોરણ સ્થાપિત કરશે.








