CEC Gyanesh Kumar Z Plus Security: દેશમાં SIRમાં કથિત ગેરરીતિઓ અને વિસંગતતાઓના વિપક્ષી દળોના આરોપો વચ્ચે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલય દ્વારા ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની વર્તમાન Z+ સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત અને કડક કરી દેવામાં આવી છે. કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓની સમીક્ષા બાદ તેમના દિલ્હી સ્થિત સરકારી આવાસ, ચૂંટણી પંચના મુખ્ય મથક અને તેમની વ્યક્તિગત સુરક્ષા ટીમમાં વધારાના સશસ્ત્ર જવાનોની તૈનાતી કરવામાં આવી છે.
દિલ્હી અને આગ્રા સ્થિત નિવાસસ્થાનો બહાર પ્રદર્શનો બાદ સુરક્ષા બંદોબસ્ત કડક કરાયો
મળતી સત્તાવાર માહિતી મુજબ, વિપક્ષી રાજકીય પક્ષો અને વિરોધ પ્રદર્શનકારીઓ દ્વારા દિલ્હી અને ઉત્તર પ્રદેશના આગ્રા સ્થિત મુખ્ય ચૂંટણી કમિશનરના ખાનગી તથા સરકારી નિવાસસ્થાનો બહાર કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનો બાદ સુરક્ષા એજન્સીઓ એક્શન મોડમાં આવી ગઈ હતી. ગુપ્તચર વિભાગ (IB) દ્વારા આપેલા થ્રેટ પર્સેપ્શન રિપોર્ટના આધારે મુખ્ય ચૂંટણી કમિશનરના રહેઠાણો અને તેમની અવરજવરના તમામ રૂટ પર સુરક્ષા પ્રોટોકોલને વધુ સઘન બનાવવામાં આવ્યો છે.
યુથ કોંગ્રેસ અને ઈન્ડિયા બ્લોકનું વિરોધ પ્રદર્શન અને રાજીનામાની માગ
આ અગાઉ ભારતીય યુથ કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધનના કાર્યકરોએ ગત 27 સપ્ટેમ્બરના રોજ સીઈસી જ્ઞાનેશ કુમારના દિલ્હી સ્થિત આવાસ તરફ માર્ચ કાઢીને તેમના રાજીનામાની માગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જોકે, દિલ્હી પોલીસ અને સુરક્ષાકર્મીઓએ તેમને બેરિકેડ્સ લગાવીને તુરંત જ રોકી લીધા હતા અને અનેક કાર્યકરોની અટકાયત કરી હતી. સંસદ ભવનથી ચૂંટણી પંચ સુધીની વિપક્ષી સાંસદોની માર્ચ અને પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય હોમ મંત્રાલયે આ કડક આદેશો જારી કર્યા છે.
ન્યૂ મોતી બાગ કોલોની સ્થિત આવાસ બહાર પેરામિલેટ્રી ફોર્સ તૈનાત
સુરક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર, નવી દિલ્હીની વીઆઈપી ગણાતી ન્યૂ મોતી બાગ કોલોની સ્થિત જ્ઞાનેશ કુમારના બંગલાની અંદર અને બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. કોલોનીના મેઈન એન્ટ્રી ગેઈટ પર પેરામિલેટ્રી ફોર્સના જવાનોથી ભરેલી એક આખી બસ 24 કલાક તૈનાત રાખવામાં આવી છે. સુરક્ષાકર્મીઓ દ્વારા આ વિસ્તારમાં આવતા-જતા તમામ શંકાસ્પદ વાહનો અને વ્યક્તિઓ પર મેટલ ડિટેક્ટર અને CCTVથી નજર રાખવામાં આવી રહી છે.
દિલ્હી સ્થિત નિર્વાચન સદન ખાતે કડક પહેરાબંદી અને જવાનો તૈનાત
આ ઉપરાંત, નવી દિલ્હીના અશોક રોડ પર આવેલા ભારતીય ચૂંટણી પંચના મુખ્યાલય 'નિર્વાચન સદન'ની અંદર અને બહાર પણ સુરક્ષા કવચ મજબૂત કરી દેવાયું છે. મધ્યસ્થ કચેરીની સુરક્ષામાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સની સાથે સાથે રેપિડ એક્શન ફોર્સ (RAF), સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) અને દિલ્હી પોલીસના કમાન્ડોને તૈનાત કરવામાં આવ્યા છે. વિરોધ પ્રદર્શનકારીઓ કે આંદોલનકારીઓ અચાનક પરિસરમાં પ્રવેશી ન જાય તે માટે વોટર કેનન અને વજ્ર વાહનો પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.
સરકારી સંસ્થાઓની સ્વાયત્તતા અને ચૂંટણી સજ્જતા અંગે રાજકીય ગરમાવો
ઉલ્લેખનીય છે કે, દેશમાં આગામી સમયમાં યોજાનારી વિવિધ રાજ્ય વિધાનસભાઓની ચૂંટણીઓ અને સરહદી રાજ્યોમાં ચાલતી મતદાર યાદીઓની સુધારણા પ્રક્રિયાને લઈને વિપક્ષી ગઠબંધન અને ભારતીય ચૂંટણી પંચ વચ્ચે રાજકીય ઘર્ષણ સતત વધી રહ્યું છે. વિપક્ષી દળો ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર સવાલો ઉઠાવી રહ્યા છે, જ્યારે બીજી તરફ કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે, તમામ ચૂંટણી પ્રક્રિયાઓ કાયદાકીય જોગવાઈઓ અને પારદર્શક ધોરણો મુજબ જ પૂર્ણ કરવામાં આવી રહી છે. સુરક્ષામાં કરવામાં આવેલા આ વધારાથી CECની સુરક્ષા વ્યવસ્થા દેશના અત્યંત ઉચ્ચ કક્ષાના સંવેદનશીલ હોદ્દેદારોની સમકક્ષ પહોંચી ગઈ છે.








