Myanmar scam crackdown 2025: ચીન, મ્યાનમાર અને થાઈલેન્ડની એજન્સીઓએ સાઇબર ફ્રોડ સામે સંયુક્ત એક્શન લીધું છે. મ્યાનમારના મ્યાવાડી વિસ્તારમાં જુગાર અને ઓનલાઈન ઠગાઈ સામે કરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન મ્યાનમારના કેકે પાર્કમાં 494 ઇમારતો તોડી પાડવામાં આવી, જ્યારે યાતાઈ ન્યૂ સિટીમાં ફ્રોડ ફેલાવતા વિસ્તારને સંપૂર્ણ રીતે સાફ કરી દેવામાં આવ્યો.
952 ચીની શંકાસ્પદ નાગરિકોને ડિપોર્ટ કરાયા
મ્યાનમારના આ વિસ્તારની તુલના તમે ભારતના ઝારખંડમાં આવેલા સાઇબર ઠગાઈ માટે બદનામ 'જામતાડા' સાથે કરી શકો છો, જે થોડા સમય પહેલા ભારતમાં ડિજિટલ ફ્રોડનો મોટો અડ્ડો હતો. જોકે કડક પોલીસ કાર્યવાહી બાદ હવે ત્યાં પરિસ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. મ્યાનમારમાં થયેલી આ કાર્યવાહી દરમિયાન 952 ચીની શંકાસ્પદ નાગરિકોને ડિપોર્ટ કરીને ચીન પાછા મોકલવામાં આવ્યા. આ માહિતી ચીનના જાહેર સુરક્ષા મંત્રાલયના ફોજદારી તપાસ બ્યુરોના વીચેટ અકાઉન્ટ પરથી ગુરુવારે આપવામાં આવી હતી.
ચીનના પબ્લિક સિક્યુરિટી વિભાગે એક ટાસ્ક ફોર્સ મોકલી
આ ઓપરેશનને અમલમાં મૂકવા માટે ચીનના પબ્લિક સિક્યુરિટી વિભાગે એક ટાસ્ક ફોર્સ મોકલી હતી. આ ટાસ્ક ફોર્સ મ્યાનમાર અને થાઈલેન્ડના કાયદા અમલ અધિકારીઓ સાથે મળીને મ્યાવાડીમાં ઓપરેશનમાં સામેલ થઈ. ત્રણેય દેશોએ સમન્વય સાથે જુગાર અને ઠગાઈના વિસ્તારોમાં દરોડા પાડ્યા અને કાર્યવાહી કરી. ચીનનું કહેવું છે કે, અહીં જુગારના મોટા અડ્ડા હતા. ટેલિકોમ ઠગાઈના વિસ્તારોમાં ગુનાખોર ગેંગો લાંબા સમયથી ચીની નાગરિકોને ઓનલાઈન ઠગાઈનો શિકાર બનાવી રહ્યા હતા, જેના કારણે ભારે નુકસાન થઈ રહ્યું હતું.
જુગાર તથા ઠગાઈના અડ્ડાઓ તોડી પાડવામાં આવ્યા
આ વર્ષની શરૂઆતમાં ચીન,મ્યાનમાર અને થાઈલેન્ડે ટેલિકોમ અને ઓનલાઈન ઠગાઈ સામે લડવા માટે મંત્રી સ્તરીય સમન્વય વ્યવસ્થા સ્થાપી હતી, જેના હેઠળ સંયુક્ત કાર્યવાહી માટે અનેક રાઉન્ડ કરવામાં આવ્યા. ચીનના એક અખબાર મુજબ, ઓક્ટોબરથી મ્યાનમારના અધિકારીઓએ ચીન અને થાઈલેન્ડ સાથેના અગાઉના કરારો અનુસાર મ્યાવાડી અને અન્ય વિસ્તારોમાં કાર્યવાહી શરૂ કરી. આ દરમિયાન શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી અને જુગાર તથા ઠગાઈના અડ્ડાઓ તોડી પાડવામાં આવ્યા.
7,600થી વધુ ચીની નાગરિકોને પરત લાવવામાં આવ્યા
15 ડિસેમ્બરે ત્રણેય દેશોની પોલીસ દળોએ પ્રથમ વખત મ્યાવાડીના કેકે પાર્ક, યાતાઈ ન્યૂ સિટી અને અન્ય મોટા જુગાર-ઠગાઈ પાર્કોમાં સંયુક્ત રીતે નિરીક્ષણ કર્યું. તેમણે સમીક્ષા કરી કે સંયુક્ત કાર્યવાહી કેટલી અસરકારક બની શકે. 16થી 19 ડિસેમ્બર દરમિયાન થયેલી કાર્યવાહી હેઠળ ચીનના જિલિન અને હેનાન પ્રાંતોના પોલીસ એકમોને ધરપકડ કરાયેલા શંકાસ્પદોને ચીન પરત લાવવાનો આદેશ આપવામાં આવ્યો. ત્રણેય દેશોના સંયુક્ત પ્રયાસોથી આ વર્ષે મ્યાવાડીમાં ઓનલાઈન જુગાર અને ટેલિકોમ ઠગાઈમાં સંડોવાયેલા 7,600થી વધુ ચીની નાગરિકોને પરત લાવવામાં આવ્યા છે.
494 ઇમારતો તોડી પાડવામાં આવી
આ અભિયાન દરમિયાન કેકે પાર્કની 494 ઇમારતો તોડી પાડવામાં આવી અને યાતાઈ ન્યૂ સિટીમાં ફ્રોડ વિસ્તારને સંપૂર્ણ રીતે સાફ કરી દેવામાં આવ્યો. ચીનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ટેલિકોમ અને ઓનલાઈન ઠગાઈ આંતરરાષ્ટ્રીય સમુદાય માટે એક સંયુક્ત પડકાર છે.








