Mohan Yadav Ladli Bahna Scheme: મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે રાજ્ય સરકારની મહત્વની ‘લાડલી બહેના યોજના’ને લઈને કરેલું નિવેદન હાલ ચર્ચામાં છે. ભોપાલના રવીન્દ્ર ભવનમાં એક કાર્યક્રમ દરમિયાન તેઓ કન્ટેન્ટ ક્રિએટરના સવાલોના જવાબ આપી રહ્યા હતા. આ દરમિયાન તેમણે હળવાશના અંદાજમાં કહ્યું કે, ‘લાડલી બહેના યોજના ખૂબ જ ખર્ચીલી થઈ ગઈ છે, મુખ્યમંત્રી બનતી વખતે મને તેનો કોઈ અંદાજો નહોતો.’
કન્ટેન્ટ ક્રિએટરના સવાલ પર શું કહ્યું?
છતરપુરની બુંદેલી કન્ટેન્ટ ક્રિએટરે મુખ્યમંત્રીને સવાલ કર્યો હતો કે સરકાર આટલું કામ કરી રહી છે, ત્યારે હવે દીકરીઓ માટે આગળ કઈ નવી યોજનાઓ બનાવવામાં આવી રહી છે? જવાબમાં મોહન યાદવે હસતા-હસતા કહ્યું કે, ‘બેટા, આ અંદરની વાત છે... મને શું ખબર હતી કે મુખ્યમંત્રી બનતા જ આર્થિક બોજ પડે છે! લાડલી બહેના યોજના ખૂબ જ ખર્ચીલી સાબિત થઈ છે.’ જોકે, તેમણે મજાકના અંદાજમાં કન્ટેન્ટ ક્રિએટરને એમ પણ કહ્યું કે હાલમાં તે આ યોજના માટે યોગ્ય નથી, પરંતુ થોડી મોટી થયા બાદ તેને પણ યોજનાનો લાભ આપવામાં આવશે.
કોંગ્રેસે સાધ્યું નિશાન
મુખ્યમંત્રીના આ નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. પૂર્વ મંત્રી અને કોંગ્રેસ નેતા ઉમંગ સિંઘરે ટિપ્પણી કરતા કહ્યું કે, ‘ચૂંટણી પહેલાં બહેનો લાડલી બની જાય છે અને સત્તામાં આવતા જ તે પરેશાની બની જાય છે.’ તેમણે આ નિવેદનને ભાજપના મહિલા સન્માન સાથે જોડીને સરકાર પર નિશાન સાધ્યું છે.
સરકાર પર વાર્ષિક ₹22,680 કરોડથી વધુનો બોજ
મધ્યપ્રદેશ સરકાર હાલમાં લાડલી બહેના યોજના હેઠળ પાત્ર મહિલાઓને દર મહિને ₹1,500ની આર્થિક સહાય આપે છે. આ યોજના પાછળ રાજ્યના ખજાનામાંથી વાર્ષિક આશરે ₹22,680 કરોડથી વધુનો ખર્ચ થાય છે. આ યોજનાની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે 28 જાન્યુઆરી 2023ના રોજ કરી હતી. શરૂઆતમાં પાત્ર મહિલાઓને દર મહિને ₹1,000 આપવાનો નિર્ણય કરાયો હતો. ત્યારબાદ સહાયની રકમ વધારીને હવે ₹1,500 કરવામાં આવી છે. મુખ્યમંત્રી મોહન યાદવનું આ નિવેદન હળવા અંદાજમાં કરવામાં આવ્યું હોવા છતાં, તેના પર રાજકીય ચર્ચા શરૂ થઈ છે અને કોંગ્રેસે તેને મુદ્દો બનાવીને ભાજપ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે.








