Mohan Bhagwat Madison Square Garden: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના શતાબ્દી વર્ષ નિમિત્તે યોજાઈ રહેલા વૈશ્વિક સંપર્ક કાર્યક્રમ હેઠળ સંઘ પ્રમુખ મોહન ભાગવતની અમેરિકા યાત્રા શરૂ થઈ છે. તેઓ 29 ઓગસ્ટે ન્યૂયોર્કના મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં 'યુનિવર્સલ વનનેસ' કાર્યક્રમમાં ભારતીય પ્રવાસીઓને સંબોધિત કરવાના છે. કાર્યક્રમમાં અંદાજે 5,000 લોકો હાજર રહે તેવી શક્યતા છે. જો, કે આ આયોજનને લઈને ન્યૂયોર્કમાં રાજકીય અને સામાજિક સ્તરે વિરોધ જોવા મળી રહ્યો છે.
ન્યૂયોર્કના મેયર જોહરાન મમદાનીએ વ્યક્ત કર્યો વિરોધ
ન્યૂયોર્ક સિટીના મેયર જોહરાન મમદાનીએ કાર્યક્રમ અંગે પોતાની અસંમતિ વ્યક્ત કરી છે. પત્રકાર પરિષદ દરમિયાન તેમને કાર્યક્રમ રદ કરવાની માંગ અંગે સવાલ કરવામાં આવ્યો હતો. જવાબમાં મમદાનીએ કહ્યું કે તેઓ આ પ્રકારની રેલીનું સમર્થન કરતા નથી. જોકે, કોઈ ખાનગી કાર્યક્રમને રદ કરવાનો અધિકાર સિટી પ્રશાસન પાસે છે, કે નહીં તે અંગે તેમણે સ્પષ્ટતા કરી નહોતી. મમદાનીએ વધુમાં ભારતને બહુલવાદી સમાજ અને ધર્મનિરપેક્ષ લોકશાહી ગણાવતા કહ્યું કે તેઓ ભેદભાવ અને બહિષ્કાર પર આધારિત વિચારધારાનો વિરોધ કરે છે. તેમણે ન્યૂયોર્કના મેયર અને ભારતીય-અમેરિકન તરીકે આ પ્રકારની વિચારધારા અંગે ચિંતા વ્યક્ત કરી.
સિટી હોલ બહાર વિરોધ પ્રદર્શન
મોહન ભાગવતના કાર્યક્રમનો વિરોધ હવે માત્ર રાજકીય નિવેદનો સુધી મર્યાદિત રહ્યો નથી. કેટલાક નાગરિક અને અધિકાર સંગઠનોએ ન્યૂયોર્ક સિટી હોલની બહાર વિરોધ પ્રદર્શન કર્યું છે. 'હિન્દુઝ ફોર હ્યુમન રાઇટ્સ', 'ઇન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલ' અને 'ઇન્ટરફેથ સેન્ટર ઓફ ન્યૂ યોર્ક' સહિતના સંગઠનોએ કાર્યક્રમ સામે વાંધો વ્યક્ત કર્યો છે. આ સંગઠનોએ મેડિસન સ્ક્વેર ગાર્ડનના સંચાલન સમક્ષ કાર્યક્રમ રદ કરવાની માંગ પણ કરી છે.
આયોજકોનું શું કહેવું છે?
બીજી તરફ, કાર્યક્રમના આયોજક 'અહેડ ફોરમ' દ્વારા સોશિયલ મીડિયા પર કાર્યક્રમના ઉદ્દેશ્ય અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. આયોજકોના જણાવ્યા મુજબ, 'યુનિવર્સલ વનનેસ' કાર્યક્રમનો હેતુ સમગ્ર વિશ્વને એકતા અને માનવતાના સંદેશ સાથે જોડવાનો છે. તેઓ આ કાર્યક્રમને 'વસુધૈવ કુટુંબકમ'ના વિચાર સાથે જોડે છે.
RSSના શતાબ્દી વર્ષનો વૈશ્વિક સંપર્ક કાર્યક્રમ
મોહન ભાગવતનો અમેરિકાનો પ્રવાસ RSSના 100 વર્ષ પૂર્ણ થવાના અવસર પર ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય આઉટરીચ કાર્યક્રમનો ભાગ હોવાનું જણાવવામાં આવ્યું છે. અમેરિકા બાદ તેઓ કેનેડા અને યુકેની પણ મુલાકાત લેવાના છે. આ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં ભારતીય પ્રવાસીઓ અને અન્ય સમુદાયો સાથે સંવાદ કરવામાં આવનાર હોવાનું આયોજકોનું કહેવું છે. આમ, એક તરફ કાર્યક્રમના આયોજકો તેને વૈશ્વિક એકતા અને ભારતીય સંસ્કૃતિના સંદેશ સાથે જોડે છે, જ્યારે બીજી તરફ કેટલાક રાજકીય અને નાગરિક સંગઠનો RSSની વિચારધારાને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે. 29 ઓગસ્ટના કાર્યક્રમ પહેલાં આ મુદ્દે અમેરિકામાં રાજકીય ચર્ચા વધુ ગરમાવાની શક્યતા છે.








