US Congress reaction to Modi Putin selfie: ભારત–અમેરિકા વચ્ચેના સંબંધોની ચર્ચા દરમિયાન અમેરિકા સંસદમાં પુતિન–મોદીની કારમાં ક્લિક કરાયેલી સેલ્ફી ચર્ચામાં આવી છે. સાંસદ સિડની કેમલેગર-ડવએ બંનેની તસવીર બતાવીને કહ્યું કે, અમેરિકાની દબાણવાળી નીતિ ભારતને રશિયા તરફ વધુ ધકેલી રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિના કારણે દાયકાઓ પછી એવું બન્યું કે ભારત અને દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના સંબંધોમાં તિરાડ જોવા મળી. હવે આ વાત અમેરિકા પણ સમજવા લાગ્યું છે.
અમેરિકી કોંગ્રેસની મહત્વપૂર્ણ સુનાવણી
અમેરિકી કોંગ્રેસની એક મહત્વપૂર્ણ સુનાવણી દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની કારમાં લેવાયેલી સેલ્ફી ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. ડેમોક્રેટ સાંસદ સિડની કેમલેગર-ડવએ આ તસવીરને મોટા પોસ્ટર સ્વરૂપે રૂમમાં બતાવી અને કહ્યું કે, આ માત્ર એક ફોટો નથી, પરંતુ એક ચેતવણી છે, અમેરિકાની હાલની નીતિ ભારતને રશિયા તરફ વધુ નજીક લઈ જઈ રહી છે.
રણનીતિક વિશ્વાસ પર ગંભીર ઘા
સિડની કેમલેગર-ડવએ કહ્યું કે, અમેરિકન પ્રશાસનની દબાણવાળી રણનીતિ ભારત–અમેરિકા સંબંધોને નબળા બનાવી રહી છે. તેમના કહેવા મુજબ, વોશિંગ્ટને છેલ્લા કેટલાક મહિનામાં એવા પગલા લીધા છે જે રણનીતિક વિશ્વાસ પર ગંભીર ઘા કરી રહ્યા છે. તેમણે ખુલ્લેઆમ કહ્યું કે, "સંબંધોને નુકસાન અમેરિકા પહોંચાડી રહ્યું છે, ભારત નહીં."
ડેમોક્રેટ સાંસદે ચેતવણી આપી
ડેમોક્રેટ સાંસદે કહ્યું કે, આ તસવીર હજાર શબ્દોની બરાબર છે અને બતાવે છે કે ભારત અને રશિયા વચ્ચેની વ્યક્તિગત તેમજ રાજકીય નજીકતા કેટલી મજબૂત છે. તેમણે ચેતવણી આપી કે, "તમે નોબેલ શાંતિ પુરસ્કાર જીતી શકતા નથી જો તમે તમારા રણનીતિક ભાગીદારને વિરોધી દેશોની તરફ ધકેલી દો." તેમણે અન્ય સાંસદોને કહ્યું કે, હવે જાગવાનો સમય છે, કારણ કે ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહી શક્તિ છે અને અમેરિકા માટે ખૂબ જ મહત્વનો ભાગીદાર છે. જો સંબંધોને ઠેસ પહોંચશે તો તેનો નુકસાન લાંબા સમય સુધી દેખાશે.
સાંસદની ટિપ્પણીથી આ મુલાકાતની રાજકીય ગુંજ વધી
આ તસવીર ત્યારે લેવામાં આવી હતી જ્યારે પુતિન દિલ્હીના પાલમ એરપોર્ટ પર ઊતર્યા બાદ સીધા મોદી સાથે કારમાં બેઠા હતા. બંને નેતાઓ ખાનગી ડિનર માટે લોક કલ્યાણ માર્ગ સ્થિત પ્રધાનમંત્રી નિવાસે પહોંચ્યા. પુતિને ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, કારમાં સાથે જવાનું સૂચન તેમનું હતું અને એ તેમના વ્યક્તિગત સંબંધોનો ગરમાવો દર્શાવે છે. આ રશિયા–યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ પુતિનનો ભારતનો પહેલો પ્રવાસ હતો અને તેને રણનીતિક રીતે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવ્યો. અમેરિકી સાંસદની ટિપ્પણીથી આ મુલાકાતની રાજકીય ગુંજ વધુ વધી ગઈ છે.








