Brishti Mukherjee Death: પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીના દૂરના સંબંધી બ્રિષ્ટી મુખર્જીનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું છે. મંગળવારે સવારે આશરે 9 વાગ્યે તેઓ પોતાના ઘરના બીજા માળે આવેલા એક રૂમમાં લટકતી હાલતમાં મળી આવ્યા હતા. પરિવારની જાણ બાદ રામપુરહાટ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
પતિ સાથે છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો હતો
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બ્રિષ્ટી મુખર્જી છેલ્લા કેટલાક સમયથી અંગત તણાવમાંથી પસાર થઈ રહી હતી. તેમનો પતિ સાથે છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો હતો. હવે પોલીસ તપાસ કરી રહી છે કે પારિવારિક વિવાદ તેમના મૃત્યુ પાછળનું કારણ હતું કે પછી ઘટનામાં અન્ય કોઈ પાસું પણ સંકળાયેલું છે. જો, કે મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ અને અન્ય તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
SSC ભરતી વિવાદમાં પણ નામ સામે આવ્યું હતું
બ્રિષ્ટી મુખર્જી અગાઉ પણ વિવાદને કારણે ચર્ચામાં રહી ચૂકી હતી. સ્કૂલ સર્વિસ કમિશન (SSC)ની ગ્રુપ-C ભરતીમાં કથિત અનિયમિતતાના કેસમાં કોલકાતા હાઈકોર્ટના આદેશ બાદ બોલપુર હાઈસ્કૂલમાં ક્લાર્ક તરીકે તેમની નિમણૂક રદ કરવામાં આવી હતી. સરકારી યાદીમાં રદ કરવામાં આવેલી નિમણૂકોમાં તેમનું નામ 608મા ક્રમે હોવાનું જણાવાયું હતું. જોકે, તેમણે પદ સંભાળ્યા બાદ અંગત કારણોસર રાજીનામું આપી દીધું હતું.
પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે
હાલ પોલીસે ઘટનાસ્થળના રૂમને સીલ કરી દીધો છે. પરિવારના સભ્યો અને નજીકના લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, તેઓ ઘટનાની દરેક સંભાવનાને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહ્યા છે. વિસેરા અને વિગતવાર પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યા બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ અને ઘટનાની હકીકત અંગે વધુ સ્પષ્ટતા થઈ શકશે.








