Mamata Banerjee faces protest in Calcutta High Court: પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીને ગુરુવારે કલકત્તા હાઇકોર્ટ પરિસરમાં ભારે વિરોધ અને નારેબાજીનો સામનો કરવો પડ્યો હતો. ચૂંટણી પછી થયેલી હિંસાના એક કેસમાં દલીલ કરવા માટે મમતા બેનર્જી કોર્ટમાં પહોંચ્યા હતા. જ્યારે તેઓ કોર્ટરૂમમાંથી બહાર આવી રહ્યા હતા, ત્યારે કેટલાક વકીલોએ તેમને ઘેરી લીધા અને તેમના વિરોધમાં 'ચોર-ચોર'ના નારા લગાવ્યા હતા.
આ લોકોએ મને માર્યું છે...
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, નારેબાજી દરમિયાન કેટલાક અપશબ્દોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ તણાવભરી પરિસ્થિતિ દરમિયાન મમતાએ વકીલો તરફ ઈશારો કરીને કહ્યું કે, "આ લોકોએ મને માર્યું છે." કોર્ટમાં મમતા બેનર્જીએ કહ્યું કે, "બંગાળ કોઈ 'બુલડોઝર સ્ટેટ' નથી અને તમામ કાર્યવાહી કાયદાની હદમાં રહીને જ થવી જોઈએ. પોલીસે કોર્ટમાં જણાવ્યું કે, કાર્યવાહી સતત ચાલી રહી છે. પોલીસે એમ પણ કહ્યું કે, બધી ઘટનાઓ ચૂંટણી પછીની નથી. સાથે જ તમામ કેસોમાં આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
મમતા બેનર્જી પોતે વકીલ તરીકે દલીલ કરવા હાઇકોર્ટ પહોંચ્યા
માહિતી મુજબ, ગુરુવારે સવારે મુખ્ય ન્યાયાધીશ સુજય પાલની બેન્ચ સમક્ષ ચૂંટણી પછીની હિંસાથી જોડાયેલા એક જાહેર હિતના કેસની સુનાવણી હતી. વકીલ શિર્ષણ્ય બેનર્જી દ્વારા દાખલ કરાયેલા આ કેસમાં મમતા બેનર્જી પોતે વકીલ તરીકે દલીલ કરવા માટે સવારે લગભગ 11 વાગ્યે હાઇકોર્ટ પહોંચ્યા હતા. વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસની હાર પછી પશ્ચિમ બંગાળમાં ભાજપ પહેલીવાર સત્તામાં આવી છે. ચૂંટણીના પરિણામો પછી રાજ્યના અનેક જિલ્લાઓમાં હિંસા, આગ અને રાજકીય હુમલાના આરોપો સામે આવ્યા હતા, જેને લઈને વિવિધ અરજીઓ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.
ભાજપે ચૂંટણી પછીની હિંસાના પીડિતોને ન્યાય આપવાની માંગ ફરીથી ઉઠાવી
તૃણમૂલ કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું કે, મમતા બેનર્જીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે તેઓ બંગાળના લોકોને મુશ્કેલ સમયમાં ક્યારેય એકલા છોડતા નથી. પાર્ટીએ વધુમાં કહ્યું કે સત્ય, ન્યાય અને સંવિધાનિક મૂલ્યોની લડતમાં તેઓ હંમેશા આગળની પંક્તિમાં ઉભા રહે છે. મમતા બેનર્જીએ વર્ષ 1982માં જોગેશ ચંદ્ર લો કોલેજમાંથી કાયદાનું શિક્ષણ પૂર્ણ કર્યું હતું. તેમની પાસે સ્નાતક, બી.એડ. તેમજ અનુસ્નાતકની ડિગ્રી પણ છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે કોર્ટમાં મમતા બેનર્જીની આ સક્રિય હાજરી માત્ર કાનૂની જ નહીં, પરંતુ રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ સંદેશ આપે છે. બીજી તરફ ભાજપના નેતાઓએ તેને "રાજકીય નાટક" ગણાવીને ચૂંટણી પછીની હિંસાના પીડિતોને ન્યાય આપવાની માંગ ફરીથી ઉઠાવી છે.








