BLA Attack in Gwadar: બલૂચિસ્તાનના દરિયાઈ વિસ્તારમાં પાકિસ્તાની સુરક્ષાદળો પર એક મોટો હુમલો થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. બલૂચ લિબરેશન આર્મી (BLA) નામના સંગઠને દાવો કર્યો છે કે, ગ્વાદર જિલ્લામાં આવેલા જિવાણીના તટ નજીક પાકિસ્તાન કોસ્ટ ગાર્ડની બે પેટ્રોલિંગ બોટને નિશાન બનાવવામાં આવી હતી. BLA ના જણાવ્યા અનુસાર, આ ચોક્કસ અને યોજનાબદ્ધ હુમલામાં પાકિસ્તાની કોસ્ટ ગાર્ડના ઓછામાં ઓછા 13 સૈનિકો સ્થળ પર જ માર્યા ગયા છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે સન્નાટો અને તણાવ વ્યાપી ગયો છે.
દરિયાઈ વિંગ 'HMDF' એ લીધી હુમલાની જવાબદારી
BLA દ્વારા જાહેર કરવામાં આવેલા અધિકૃત નિવેદન અનુસાર, આ દરિયાઈ ઓપરેશનને તેમની સ્પેશિયલ વિંગ 'હમ્માલ મેરીટાઈમ ડિફેન્સ ફોર્સ' (HMDF) દ્વારા અંજામ આપવામાં આવ્યો છે. સંગઠનના પ્રવક્તા જીયંદ બલૂચે વિગતો આપતા જણાવ્યું કે, આ વિંગની રચના 13 એપ્રિલ 2026ના રોજ કરવામાં આવી હતી. ત્યારપછીના જ દિવસે એટલે કે 12 એપ્રિલે મીલ તિયાબ વિસ્તારમાં પાકિસ્તાન નેવીની બોટ પર પહેલો સફળ હુમલો કરીને 3 જવાનોને ઠાર કરવામાં આવ્યા હતા. BLA મુજબ, આ યુનિટનો મુખ્ય હેતુ બલૂચિસ્તાનના તટીય વિસ્તારોનું રક્ષણ કરવાનો અને પાકિસ્તાની દળોની હિલચાલ પર રોક લગાવવાનો છે.
ગ્વાદર પોર્ટ અને ચીનનો વિવાદિત BRI પ્રોજેક્ટ
બલૂચિસ્તાનનો ગ્વાદર વિસ્તાર ભૌગોલિક અને વ્યાપારિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ચીન પોતાના આકાંક્ષી 'બેટ એન્ડ રોડ ઇનિશિયેટિવ' (BRI) અને 'ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર' (CPEC) હેઠળ ગ્વાદર પોર્ટનો ઉપયોગ અરબ સાગર સુધી સીધી પહોંચ મેળવવા માટે કરી રહ્યું છે. જોકે, સ્થાનિક બલૂચ સમુદાય આ પ્રોજેક્ટનો સખત વિરોધ કરી રહ્યો છે. BLA અને સ્થાનિક લોકોનું માનવું છે કે, આ વિકાસ યોજનાઓ તેમના ભલા માટે નથી પરંતુ તેમની જમીનો અને કુદરતી સંસાધનો પર બહારની તાકાતો કબજો જમાવી રહી છે.
સ્થાનિક લોકોમાં રોષ અને વધતી સૈન્ય હાજરી
ગ્વાદર શહેર એક સમયે શાંત અને નાનો દરિયાકાંઠાનો કસ્બો હતો, પરંતુ ચીની પ્રોજેક્ટ્સની સુરક્ષાના નામે અહીં મોટા પ્રમાણમાં પાકિસ્તાની સૈન્ય અને સિક્યોરિટી ફોર્સિસ તૈનાત કરી દેવામાં આવ્યા છે. સ્થાનિક નાગરિકોનો આરોપ છે કે, તેમની જમીન છીનવી લેવામાં આવી હોવા છતાં સ્થાનિક યુવાનોને રોજગારી મળતી નથી અને વિસ્તારનો વાસ્તવિક વિકાસ થતો નથી. સુરક્ષાદળોની સતત હાજરી અને કડક પાબંદીઓને કારણે સ્થાનિક લોકોમાં ભારે અસંતોષ છે, જેના પરિણામે આ ક્ષેત્રમાં સશસ્ત્ર જૂથોના હુમલા સતત વધી રહ્યા છે.








