Mahua Moitra alleges BJP workers attacked car: તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાંસદ મહુઆ મોઇત્રાએ પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લાના કાલીગંજમાં પોતાના કાફલા પર હુમલાનો આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો કે, ભાજપ કાર્યકર્તાઓએ તેમના કાર્યક્રમ દરમિયાન ઈંડા ફેંક્યા અને 'ગો બેક'ના નારા લગાવ્યા હતા. પોલીસને આ વિશે જાણકારી આપ્યા છતાં ભાજપ કાર્યકરોની ભીડને ત્યાં ભેગી થવા દીધી અને તેમના કાફલા પર હુમલો થયો.
મહુઆ મોઇત્રા પર હુમલો!
મહુઆ મોઇત્રાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને પશ્ચિમ બંગાળ પોલીસ અને DGP ને ટેગ કર્યા છે. તેમણે લખ્યું કે, 'કોલકાત્તા હાઇકોર્ટના આદેશ અનુસાર મારી સુરક્ષાની જવાબદારી પોલીસની છે. કાલીગંજના ગોબરા ગ્રામ પંચાયત વિસ્તારમાં 80-90 ભાજપ કાર્યકરો મારા પર હુમલો કરવાની રાહ જોઈ રહ્યા હતા. મેં આ વિશે તમામ જાણકારી પોલીસને આપી હતી, તેમ છતાં ભીડને કાર્યક્રમમાં ખલેલ પહોંચાડવા અને પોલીસ સુરક્ષાદળોના કાફલા પર હુમલો કરવા દીધો.'
વીડિયો શેર કરી આપી માહિતી
આ વિશે મહુઆ મોઇત્રાએ વીડિયો પણ શેર કર્યો હતો. જેમાં તેમણે કહ્યું કે, 'હું મારા મતવિસ્તાર ગોબરા પંચાયતમાં પહેલાંથી જ નક્કી કરેલા કાર્યક્રમમાં જઈ રહી હતી. કાર્યક્રમની જાણકારી પોલીસને ત્રણ-ચાર દિવસ પહેલાં જ આપવામાં આવી હતી હું પોલીસ સુરક્ષા સાથે ત્યાં જઈ રહી હતી.'
પોલીસ પર કર્યા ગંભીર આક્ષેપ
વીડિયોમાં મહુઆએ દાવો કર્યો કે, તેમને પહેલાં સૂચના મળી હતી કે, સ્થાનિક ભાજપના 80-90 લોકો ઈંડા લઈને રાહ જોઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, આ વીડિયો એટલે બનાવી રહ્યા છે, જેથી જો તેમની સાથે કોઈ ઘટના થાય છે તો સ્પષ્ટ રહે કે, પોલીસને આની જાણકારી પહેલાંથી હતી અને તેમની સુરક્ષાની જવાબદારી પણ પોલીસની હતી. તેમણે પોલીસ પર પણ આરોપ લગાવ્યો અને કહ્યું કે, પર્યાપ્ત જાણકારી છતાં પોલીસે ભીડને રોકવા માટે કોઈ કાર્યવાહી નહતી કરી.








