Maharashtra Family Suicide Mystery: મહારાષ્ટ્રમાં પહાડ પરથી પડી જવાથી પિતા-માતા અને પુત્રના કરૂણ મોતની ઘટનામાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. શરૂઆતી અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, પુત્ર કુણાલે આઇફોન ન મળવાને કારણે આત્મહત્યા કરી લીધી હતી અને તેને બચાવવા જતાં કે આઘાતમાં પરિવારે જીવ ગુમાવ્યો હતો. જોકે, હવે કુણાલની સગી માસી પલ્લવીએ આ દાવાઓને સખત શબ્દોમાં ફગાવી દીધા છે અને ઘટના પાછળનું સાચું કારણ પારિવારિક કલેશ હોવાનું જણાવ્યું છે.
માસી પલ્લવીનો દાવો: "મોબાઇલ સાથે આ ઘટનાને કોઈ લેવાદેવા નથી"
કુણાલની માસી પલ્લવીએ મીડિયા સાથે વાતચીતમાં સ્પષ્ટ કર્યું હતું કે, આ દુર્ઘટના મોબાઇલ ફોન કે આઇફોનની જિદ્દ સાથે બિલકુલ સંબંધિત નથી. તેમણે લોકોને વિનંતી કરી હતી કે, ઘટનાની પૂરતી માહિતી વગર આવી ગેરમાર્ગે દોરનારી અફવાઓ ન ફેલાવે. કુણાલ લાંબા સમયથી ઈચ્છતો હતો કે, તેના માતા-પિતા અલગ રહેવાને બદલે ફરી એકસાથે રહે કારણ કે, પરિવારમાં આંતરિક મતભેદો ચાલી રહ્યા હતા.
DCP પંકજ અતુલકરનું નિવેદન અને માતાનો અંતિમ યુટ્યુબ વીડિયો
પોલીસ તપાસ અંગે માહિતી આપતાં DCP પંકજ અતુલકરે જણાવ્યું હતું કે, પરિવારમાં છેલ્લા બે-ત્રણ મહિનાથી ભારે તણાવ અને વિવાદની સ્થિતિ સર્જાયેલી હતી. વિશેષરૂપે, 21 ઓગસ્ટે જીવ ગુમાવનાર માતા સંગીતા ચાંદગુડેએ દુર્ઘટનાના બરાબર એક દિવસ પહેલા પોતાની યુટ્યુબ ચેનલ પર ભાવાત્મક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં તેમણે સંબંધો અને પ્રેમની અગત્યતા વિશે વાત કરતા કહ્યું હતું કે, "જે વ્યક્તિ પ્રેમને મહત્વ નથી આપતો, તેના માટે કંઈ પણ કરવાનો કોઈ અર્થ નથી." આ વીડિયો સામે આવ્યા બાદ ઘટના પાછળના માનસિક તણાવની શક્યતાઓ વધુ મજબૂત બની છે.
પરસ્પર વિરોધી દાવાઓથી ગૂંચવાડો વધ્યો
દુર્ઘટના પાછળના પારિવારિક વિવાદ અંગે બે અલગ-અલગ દાવા સામે આવ્યા છે.
સંગીતાના પિયર પક્ષનો દાવો: માતા સંગીતાના પિયરના લોકોના જણાવ્યા મુજબ મુરલીધર અને સંગીતા વચ્ચે સંપત્તિ તથા અન્ય બાબતોને લઈને લાંબા સમયથી વિવાદ ચાલતો હતો. પુત્ર કુણાલ સતત પ્રયાસ કરી રહ્યો હતો કે, માતા-પિતા વચ્ચેના આ મતભેદો વહેલી તકે ઉકેલાઈ જાય.
પિતા મુરલીધરના પરિવારનો દાવો: બીજી તરફ મુરલીધરની બહેન શોભા રાજેન્દ્ર મસ્કેએ અલગ જ સ્ટોરી કહી છે. તેમના જણાવ્યા મુજબ મુરલીધર અને સંગીતાએ 22 વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કર્યા હતા પરંતુ, મુરલીધરના માતા-પિતા આ લગ્નની સખત વિરુદ્ધમાં હતા અને તેમણે ક્યારેય સંગીતાને વહુ તરીકે સ્વીકારી નહોતી.








